મુંબઈના તાંત્રિક દ્વારા હીરા વેપારીનાં પત્ની-પુત્રનું અપહરણઃ 3 કરોડની ખંડણી માગી

Updated: Jan 25th, 2023


અઘોરી આશીષે પરિવાર પાસેથી મંત્રતંત્રના નામે લાખો રુપિયા પણ પડાવ્યા

યુ ટયુબ પર વીડિયો જોઈ અઘોરીનો સંપર્ક કર્યોઃ અઘોરીએ હીરા વેપારીની પત્નીને દેવી સ્વરુપ ગણાવી પોતે બળજબરીથી તેનો ગુરુ બની ગયો

મુંબઈ :  મુંબઈના એક અઘોરી તાંત્રિક આશિષે જયપુરના હીરા વેપારીનાં પત્ની તથા પુત્રનું અપહરણ કરી તેમને મુંબઈમાં ગોંધી રાખ્યાં છે. તેણે આ વેપારી પાસેથી પત્ની તથા પુત્રને છોડવાના બદલામાં ત્રણ કરોડ રુપિયાની ખંડણી માગી હોવાનો આરોપ મૂકતી  ફરિયાદ પોલીસને કરવામાં આવી છે. ગત નવેમ્બર માસથી હીરા વેપારીની પત્ની તથા પુત્ર બાબાના સંકજામાં છે. આ અંગે પોલીસને જાણ કરવામાં આવશે તો હત્યા કરી દેવાની ધમકી પણ અઘોરી આપી રહ્યો છે. 

જયપુરના જવાહરનગર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર આ વેપારીની પત્ની કોરોના લોક ડાઉન દરમિયાન યુ ટયૂબ પર વીડિયો જોતી હતી. તે વખતે તેેને આ અઘોરી આશિષનો વીડિયો દેખાયો હતો. તેણે વીડિયો સાથે ડિસ્પ્લે થતા નંબરો પર ફોન કરતાં અઘોરીનો સંપર્ક થયો હતો. 

અઘોરી આશિષે હીરા વેપારીની પત્નીના માનસ પર ભૂરકી છાંટી હતી. તેણે હીરા વેપારીને કહ્યું હતું કે તમારી પત્ની તો માતા ભગવતીનું સ્વરુપ છે. તેમને દિવ્ય શક્તિઓનું અવતરણ કરાવવાનું છે પરંતુ તે માટે મને ગુરુ બનાવવો પડશે. 

બાદમાં બાબાએ વીડિયો કોલ દ્વારા જાતભાતના મંત્રતંત્ર અને પૂજા વિધિ શરુ કરાવ્યાં હતાં. ધીમે ધીમે તેણે હીરા વેપારીની પત્નીને સંપૂર્ણપણે પોતાના વશમાં કરી લીધી હતી. ગયાં વર્ષે જાન્યુઆરીમાં આ બાબા જયપુરમાં વેપારીના ઘરે પહોંચી ગયો હતો અને મંત્ર વિધિ તથા પૂજાના નામે વેપારીની પત્ની પાસેથી ચાર લાખ રુપિયા પડાવ્યા હતા. બાદમાં મહામંડલેશ્વરની ઉપાધિ અપાવવા તથા શાપનો ડર બતાવી બીજા ત્રણ લાખ રુપિયા પડાવ્યા હતા. 

ગયા નવેમ્બરની દસમી તારીખે વેપારીનાં પત્ની તથા દસ વર્ષનો પુત્ર લાપતા બન્યાં હતાં. ફોન કરતાં વેપારીને તેની પત્નીએ જણાવ્યું હતું કે બાબાએ ફલાઈટની ટિકિટ મોકલી હતી એટલે તે અને તેમનો પુત્ર બંને મુંબઈ બાબાના આશ્રમમાં આવી ગયાં છે. 

હવે બાબાએ હીરા વેપારીની પત્ની તથા પુત્રને બંધક બનાવી દીધાં છે અને તેમની મુક્તિ માટે ત્રણ કરોડની ખંડણીની માગણી કરી રહ્યો છે.


    Sports

    RECENT NEWS