Mumbai

ડીજેનો વપરાશ ટાળવા તમામ ગણેશ મંડળોને સમન્વય સમિતિની તાકીદ

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં ગણેશોત્સવ દરમિયાન ડી.જે.ના ઘોંઘાટ સામે બૃહ્દ મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમિતિએ અવાજની મર્યાદા પાળવા ગણેશ મંડળોને અપીલ કરી છે. દિવસે 55 અને રાત્રે 45 ડેસિબલની કાયદાકીય મર્યાદાનું પાલન કરવાનું જણાવાયું છે. સમિતિએ ડી.જે.ને અમાન્ય ગણાવી, પારંપરિક ગીત-સંગીત અને ભજન-કિર્તન વગાડવા સૂચન કર્યું છે, જેથી ઉત્સવની પવિત્રતા જળવાય.

Summarized by AI; it may make mistakes. Check important info

ડીજેનો વપરાશ ટાળવા  તમામ ગણેશ મંડળોને સમન્વય સમિતિની તાકીદ

કાયદાનુસાર નક્કી થયેલી ડેસિબલની માત્રા જાળવવા અપીલ

ઉત્સવની પવિત્રતા જળવાય તે માટે પારંપરિક ગીત સંગીત અને ભજન કિર્તનનો પણ આગ્રહ

મુંબઇ  -  મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ વખતે ડી.જે. સાઉન્ડના ઘોંઘાટ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હોવાથી વૃહ્દ મુંબઇ  સાર્વજનિક ગણેશોત્સવ સમિતિએ શહેરના ગણેશ મંડલોને અવાજની મર્યાદાનું પાલન કરવાનું આહવાન કર્યું છે. મંડળોને દિવસે ૫૫ ડેસિબલ અને રાત્રે ૪૫ ડેસિબલની કાયદાએ નક્કી કરેલી અવાજની મર્યાદાનું  પાલન કરવાનું જણાવાયું છે. ડી.જે. બાબત ભૂમિકા સ્પષ્ટ કરતા સમિતિએ જાહેર કર્યું છે કે અમને ડી.જે. માન્ય નથી.

બૃહ્દ  મુંબઇ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિએ શહેરના ગણેશ મંડળોને સૂચન કર્યું છે કે ગણેશોત્સવની ઉજવણી વખતે મરાઠી ધાર્મિક ગીતોને પ્રાધાન્ય અપવાનું જોઇએ, ખોટી  ધાંધલ-ધમાલ  ન કરવી જોઇએ. કાયદા અનુસાર અવાજની જે મર્યાદા નક્કી કરવામાં આવી છે, તેનું પાલન કરવું જોઇએ એમ સમિતિના અધ્યક્ષ નરેશ દહીંબાળકરે જણાવ્યું હતું. અવાજની તીવ્રતાનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું હતું કે વૃક્ષની એક ડાળ ઉપર બેસીને છ કાગડા કા...કા...કા...નો કકળાટ કરતા હોય ત્યારે તેની  તીવ્રતા ૫૫ ડેસિબલ હોય છે. આનાં પરથી મંડળોએ અવાજ અને ઘોંઘાટની ગંભીરતા સમજી અવાજની મર્યાદાનું પાલન કરવું જોઇએ. ઉત્સવની પવિત્રતા જળવાય માટે સસ્તા ગીતોને બદલે પારંપારિક સંગીત, ભજન-કિર્તન, ભાવગીતો વગાડવા જોઇએ.

પ્રતિમાની ઊંચાઇ નક્કી કરવા નિષ્ણાતોની સમિતિની નિમણૂંક જરૃરી

પ્રતિમાની ઉંચાઇ અને અન્ય બાબતો અંગે સમન્વય સમિતિ તરફથી  કેટલાંક સૂચનો કરવામાં આવ્યા છે જે આ પ્રમાણે છે.

- ગણપતિની પ્રતિમાની ઊંચાઇ કેટલી હોવી જોઇએ એ રાજ્ય સરકાર અને મહાપાલિકાએ નક્કી કરવું જોઇએ અને આને માટે નિષ્ણાતોની સમિતિની નિમણૂંક કરવી જોઇએ.

- સુરક્ષા માટે મોટા પંડાલોમાં સી.સી.ટી.વી. કેમેરા, સુરક્ષા રક્ષકોની જોગવાઇ કરવી જોઇએ.

- દર્શને આવતા ભક્તોની સુવિધા માટે મોબાઇલ ટોઇલેટની વ્યવસ્થા અને મહિલાઓ માટે અલગ લાઇનની વ્યવસ્થા રાખવી જરૃરી છે.

- મહાપ્રસાદના સ્થાને સ્વચ્છતા જાળવવાની અને પ્રસાદમાં વપરાતી ખાદ્યસામગ્રીની ગુણવત્તા એકદમ સારી રાખવાની તાકીદ કરવામાં આવી છે.

- વધુમાં વધુ ઉંચી પ્રતિમાઓ બેસાડવા માટે રીતસર હરિફાઇ થતી હોય છે, આવી સ્પર્ધામાં ઉતરતા મંડળોને રાજકીય પક્ષો કે નેતાઓએ ટેકો ન આપવો જોઇએ.