Mumbai

વાઘનાં જોખમ વચ્ચે બાળકો રોજ ૩૦ કિમી ચાલે છે, સરકાર બેપરવા

By GS Team
22 Aug 20263 mins read
TukuTouch Logo
મુંબઈ હાઈકોર્ટે સહ્યાદ્રી ટાઇગર રિઝર્વના 228 બાળકોની સુરક્ષામાં બેદરકારી બદલ મહારાષ્ટ્ર સરકારને ફટકાર લગાવી છે. બાળકોને 30 કિલોમીટર ચાલીને શાળાએ જવું પડે છે, જ્યાં જંગલી પ્રાણીઓનો ભય રહે છે. કોર્ટે અગાઉ સલામત વાહન વ્યવસ્થા અને અન્ય આદેશો આપ્યા હતા, પરંતુ તેનો અમલ ન થતાં સરકારી ઉદાસીનતા આઘાતજનક ગણાવી.

Summarized by AI; it may make mistakes. Check important info

વાઘનાં જોખમ વચ્ચે બાળકો રોજ ૩૦ કિમી ચાલે છે, સરકાર  બેપરવા

બાળકોની સુરક્ષામાં બેદરકારીની હાઈકોર્ટ દ્વારા ઝાટકણી

શાળાએ જવા વાહન વ્યવસ્થા સહિતના હાઈકોર્ટના આદેશો છતાં અમલ નહિ, સરકારની આવી ઉદાસીનતા આઘાતજનકઃ હાઈકોર્ટ

મુંબઈ -  સહ્યાદ્રી ટાઇગર રિઝર્વ અને ચંદોલી રાષ્ટ્રીય ઉદ્યાનના વન્યજીવની વસતી ધરાવતાં વિસ્તારોમાંથી પસાર થતા  શાળાઓનાં ૨૨૮ બાળકોની સલામતી અંગે બોમ્બે હાઇકોર્ટે મહારાષ્ટ્ર સરકાર અને સંબંધિત અધિકારીઓની કામગીરી પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે બાળકોને શાળાએ જવા માટે દરરોજ લગભગ ૩૦ કિલોમીટર ચાલવાની ફરજ પાડવામાં આવે છે અને તેમની સલામતી માટે   ન્યૂનત્તમ  પરિવહન સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવતી નથી તે સરકારની ગંભીર ઉદાસીનતા દર્શાવે છે.

જસ્ટિસ શમલા દેશમુખ અને જસ્ટિસ નીરજ ધોટેની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા ૨૨૮ બાળકો દરરોજ લગભગ ચાર કલાક ચાલીને શાળાએ પહોંચે છે અને પછી તે જ રસ્તે પાછા ફરે છે. આ વિસ્તાર માનવ-વન્યજીવન સંઘર્ષ માટે સંવેદનશીલ છે, જેના કારણે બાળકોને જંગલી પ્રાણીઓ દ્વારા હુમલાનું સતત જોખમ રહેલું છે. કોર્ટે ટિપ્પણી કરી કે રાજ્ય સરકારની ઉદાસીનતા આઘાતજનક છે. બાળકોની સલામતી માટે બિલકુલ ચિંતા નથી, કારણ કે શિક્ષણ મેળવવા માટે આટલા લાંબા અંતરની મુસાફરી કરતા વિદ્યાર્થીઓ માટે ન્યૂનતમ પરિવહન સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવતી નથી.

આ કેસ એક જાહેર હિતની અરજી ની સુનાવણી સાથે સંબંધિત છે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે શાળાના બાળકોને તેમની શાળા સુધી પહોંચવા માટે ચંદોલી રાષ્ટ્રીય ઉદ્યાન અને સહ્યાદ્રી વાઘ અભયારણ્યમાંથી પસાર થવું પડે છે. આ અરજી આ વર્ષે માર્ચમાં  પ્રગટ થયેલા  અહેવાલોના આધારે દાખલ કરવામાં આવી હતી. અગાઉ, બીજી એપ્રિલ, ૨૦૨૬ ના રોજ, તત્કાલીન ન્યાયાધીશ માધવ જામદારની આગેવાની હેઠળની બેન્ચે જિલ્લા કલેક્ટર અને વન વિભાગને એક અઠવાડિયાની અંદર આવી  જોખમી શાળાઓ ઓળખવાનો નિર્દેશ આપ્યો હતો, જ્યાં વન્યજીવોના હુમલાનો ભય છે.

કોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે આ બાળકો માટે સલામત શાળા પરિવહનની વ્યવસ્થા કરવામાં આવે અને એક સમપત ઝડપી પ્રતિભાવ ટીમ તૈનાત કરવામાં આવે. વધુમાં, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જીવનરક્ષક એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવામાં આવે. જોકે, જ્યારે આ મામલો ફરીથી કોર્ટ સમક્ષ આવ્યો, ત્યારે બેન્ચને જાણવા મળ્યું કે બીજી એપ્રિલના આદેશનું પાલન કરવામાં આવ્યું નથી. કોર્ટે કહ્યું કે આદેશ જારી કરવા છતાં, જિલ્લા કલેક્ટર અને વન વિભાગે ન તો જોખમી શાળાઓની ઓળખ કરી કે ન તો બાળકો માટે સલામત પરિવહનની વ્યવસ્થા કરી.

અરજદારના સોગંદનામામાં જણાવાયું છે કે કુલ ૨૨૮ વિદ્યાર્થીઓ સહ્યાદ્રી વાઘ અભયારણ્યમાંથી આવી પાંચ જોખમી શાળાઓમાં પહોંચવા માટે મુસાફરી કરે છે. આ બાળકો સાંગલી જિલ્લાના આઠ ગામડાઓમાંથી આવે છે અને વન્યજીવોના હુમલાના સતત ભયનો સામનો કરે છે. અધિકારીઓના વલણ પર નારાજગી વ્યક્ત કરતા બેન્ચે કહ્યું કે બીજી એપ્રિલના આદેશની અવગણના સ્વીકારી શકાય નહીં.

કોર્ટે જિલ્લા કલેક્ટર અને વન વિભાગને એક અઠવાડિયાની અંદર સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો જેમાં સમજાવવામાં આવ્યું હતું કે તેમના આદેશનું પાલન કેમ કરવામાં આવ્યું નથી. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે જો સંબંધિત અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ ખુલાસો સંતોષકારક નહીં મળે, તો તે આ મામલાને ગંભીરતાથી લેવાની ફરજ પડશે. આ મામલો પાંચ સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો.