વર્ષા ઋતુનું સંદેશવાહક ચાતક પક્ષી હવે મુંબઇમાં નથી જોવા મળતું ઃ પક્ષી નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઇમાં બાંધકામ પ્રવૃત્તિ અને વિકાસ કાર્યો વધી રહ્યાં હોવાથી લીલાંછમ- ઘટાટોપ વૃક્ષોની સંખ્યા ઘટી રહી હોવાથી ચાતકને આશ્રય નથી મળતો ઃ હવે આ રૃપકડું પક્ષી ડોંબીવલી, ભાંડુપ, વસઇ, વિરારમાં ચોમાસા પહેલાં વધુ દેખાય છે
મુંબઇ - મુંબઇની વર્ષા ઋતુ મુશળધાર અને ભારે તોફાની હોય છે. જોકે મુંબઇના ચોમાસા સાથે ઘણાં યાયાવરી પક્ષીઓને પણ સીધો અને ગમતીલો સંબંધ રહ્યો છે. ખાસ કરીને મુંબઇમાં વર્ષા ઋતુનું આગમન થાય તે પહેલાં ચાતક પક્ષીનું આગમન થાય છે.
મુંબઇમાં ચાતક પક્ષી જોવા મળે એટલે હવામાનશાસ્ત્રીઓના અને પક્ષી નિષ્ણાતોના બહોળા અભ્યાસ અને અનુભવ મુજબ ચોમાસાના વરસાદી દિવસો નજીક આવી રહ્યા હોવાનો સંકેત મળે છે. એટલે જ તો ચાતકને વર્ષા ઋતુના સંદેશાવાહક( હર્બીંજર ઓફ મોન્સૂન) કહેવાય છે.
ચાતક પક્ષી મૂળ એશિયા અને આફ્રિકાનું પક્ષી છે. ચાતક જૂન મહિનામાં વર્ષા ઋતુનું આગમન થાય તે પહેલાં મુંબઇ અને આજુબાજુનાં લીલાંછમ, ઘટાટોપ વૃક્ષો ધરાવતા ડોંબીવલી, ભાંડુપ, વસઇ, વિરાર વગેરે વિસ્તારોમાં જોવા મળે છે.
બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી(બીએનએચએસ - મુંબઇ)ના ભૂતપૂર્વ પક્ષી નિષ્ણાત, મહારાષ્ટ્ર સરકારના એસિયન વોટર બર્ડ્ઝ સેન્સસ કોઓર્ડિનેટર ડો. રાજુ કસંબેએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે ચાતક પક્ષી ૨૦૨૬ની વર્ષા ઋતુના આગમન પહેલાં મુંબઇ નજીકના ડોંબીવલી, વસઇ, વિરાર, ભાંડુપ વગેરે વિસ્તારોમાં જોવા મળ્યું છે. જોકે ૨૦૨૬ના ચોમાસાના આગમન પહેલાં ચાતક મુંબઇ શહેરમાં જોવા નથી મળ્યું. મુંબઇ નજીકનાં વસઇ, વિરાર, ડોંબીવલી, ભાંડુપ વગેરેમાં વધુ જોવા મળે છે. આ બાબત થોડીક ચિંતાજનક છે. પરંપરાગત રીતે મુંબઇમાં ચોમાસાની શરૃઆત પહેલાં ચાતક પક્ષી શહેરમાં અને શહેરના નજીકના વિસ્તારોમાં અચૂક જોવા મળેે છે. અમે ચાતકના મુંબઇ આગમન અને તેની ગતિવિધિ વિશે બહોળો અભ્યાસ પણ કરી રહ્યા છીએ.
જોકે છેલ્લાં ૧૦ - ૧૫ વર્ષ દરમિયાન ચાતક પક્ષી ચોમાસાની શરૃઆત થાય તે પહેલાં તળ મુંબઇમાં નથી જોવા મળતું. હાલ મુંબઇ શહેરમાં ચારે તરફ બાંધકામ પ્રવૃત્તિ ધમધમી રહી છે. સાથોસાથ ઘણાં વિકાસ કાર્યો પણ થઇ રહ્યાં છે. પરિણામે શહેરમાં લીલાંછમ અને ઘટોટાપ વૃક્ષોની સંખ્યા પણ ઘટી રહી છે. પરિણામે ઘટાદાર વૃક્ષો પર રહેવા ટેવાયેલા ચાતક પક્ષીને પોતાનો આશ્રય નથી મળતો. સાથોસાથ ઓછાં વૃક્ષોને કારણે ચાતકને સુક્ષ્મ કીડા અને જંતુઓનો આહાર પણ નથી મળતો.
આ જ ચિંતાજનક પરિસ્થિતિને કારણે ચોમાસાના આગમન પહેલાં ચાતક મુંબઇ શહેરમાં નથી જોવા મળતું. મુંબઇનાં પક્ષી નિષ્ણાતો અને પક્ષી પ્રેમીઓ માટે આ ફેરફાર ચિંતાજનક બની રહ્યો છે.
ડો. રાજુ કસંબેએ તેમના બહોળા અભ્યાસ અને અનુભવના આધારે કહ્યું છે કે ચાતક પક્ષીના રૃપરંગ બહુ સુંદર -- આકર્ષક હોય છે. ચાતકનું કદ બહુ નાનું એટલે કે ૧૩ -૧૫ ઇંચ હોય છે. ચાતકની વિશિષ્ટતા છે તેના માથા પરની આકર્ષક કલગી. ચાતકને જાણે કે માથા પર મુકુટ પહેર્યો હોય.
ચાતકનો રંગ કાળો અને સફેદ હોય છે. થોડુંક કાબર ચીતરું લાગે. તેની પીઠ, ચાંચ કાળા રંગનાં, આંખો ભૂરી -કાળી, પેટ ધોળું અને થોડાક કાળા - સફેદ પટ્ટા પણ ખરા. ચાતકની કાળા -સફેદ રંગની પૂંછડી પ્રમાણમાં ઘણી લાંબી હોય. ચાતકનો અવાજ પીહુ ... પીહુ ... અવાજ બહુ મોટો અને દૂર દૂર સુધી સંભળાય તેવો હોય છે.
લોક સાહિત્યના ઉલ્લેખ મુજબ ચાતક પક્ષી ચોમાસામાં વરસાદનું જળ જ પીએ છે. ખાસ કરીને વર્ષા ઋતુમાં આકાશમાં સ્વાતિ નક્ષત્રનો ઉદય થાય અને મુશળધાર વરસાદ વરસે ત્યારે ચાતક મન ભરીન તે વરસાદી જળ પીએ છે. પૂરો સંતાષ લે છે. નદી, સરોવર, તળાવનું પાણી નથી પીતું.ભારતમાં ચાતક પક્ષી ઉત્તરા ખંડ, ગઢવાલ પ્રદેશમાં વધુ જોવા મળે છે.




