દિશા સાલિયાન કેસમાં સીબીઆઈએ પોલીસ પાસેથી કેસ પેપર્સ મગાવ્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

હાઈકોર્ટના આદેશને પગલે કાર્યવાહી
સીબીઆઈ હવે નવેસરથી ફરિયાદ નોંધીને ફરી તપાસ શરુ કરશે
મુંબઈ - બોલિવુડ અભિનેતા સુશાંત સિંહની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનના રહસ્યમય મૃત્યુ કેસમાં બોમ્બે હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યા બાદ સીબીઆઈએ મુંબઈ પોલીસ પાસેથી આ કેસને લગતા તમામ દસ્તાવેજો, તપાસ રેકોર્ડ અને પુરાવા સોંપવાની માંગ કરી હોવાનું સામે આવ્યું છે. સીબીઆઈ હવે અગાઉની પોલીસ તપાસની સંપૂર્ણ ફાઇલ મેળવી કેસની નવેસરથી અને સ્વતંત્ર તપાસ કરશે.
વિગત મુજબ, દિશા સાલિયાનનું ૮ જૂન, ૨૦૨૦ના રોજ મલાડમાંં હાઈરાઈઝ બિલ્ડિંગના ૧૪મા માળેથી પટકાતાં મૃત્યુ થયું હતું. આ કેસની અગાઉની તપાસમાં અનેક વિસંગતતાઓ અને અનઉત્તરિત પ્રશ્નો હોવાનું નોંધતા બોમ્બે હાઇકોર્ટે તાજેતરમાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. કોર્ટે કેસમાં ફરિયાદ નોંધીને સમગ્ર મામલાની નિષ્પક્ષ અને સઘન તપાસ કરવા સીબીઆઈને સૂચના આપી હતી.
સીબીઆઈ હવે મુંબઈ પોલીસ પાસે રહેલા કેસના પંચનામા, સાક્ષીઓના નિવેદનો, ફોરેન્સિક રિપોર્ટ, કોલ ડિટેલ્સ અને અન્ય મહત્વના પુરાવાઓ મેળવી તપાસને આગળ વધારશે. અગાઉની તપાસ અંગે હાઇકોર્ટે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને પોલીસની તપાસે જવાબો કરતાં વધુ પ્રશ્નો ઊભા કર્યા હોવાનું અવલોકન કર્યું હતું.
દિશા સાલિયાનના પિતા સતીશ સાલિયાનેે તેમની પુત્રીના મૃત્યુની નવી અને સ્વતંત્ર તપાસની માંગ સાથે હાઇકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં મૃત્યુ પાછળ કોઈ ગુનાહિત કાવતરું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પૂરતા પુરાવા વિના કોઈ વ્યક્તિને આરોપી તરીકે જાહેર ન કરવો જોઈએ.
હવે સીબીઆઈ દ્વારા મુંબઈ પોલીસ પાસેથી કેસની સંપૂર્ણ ફાઇલ અને પુરાવા મેળવવાની પ્રક્રિયા શરૃ થતાં આ હાઈ-પ્રોફાઇલ કેસને નવી દિશા મળી છે. તપાસ દરમિયાન નવા પુરાવા અથવા ગુનાહિત કૃત્યના સંકેત મળશે તો તે મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, દિશા મલાડ સ્થિત બહુમાળી ઈમારતના ૧૪માં માળેથી પડી જવાથી શંકાસ્પદ મોત નીપજ્યું હતું. આમાં પોલીસે પ્રાથમિક તપાસ બાદ આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.




