કોસ્ટલ રોડ માટે બોરીવલીમાં ૩૦ બાંધકામો પર બુલડોઝર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગોરાઈ-દહિસર એલિવેટેડ કોરિડોરનો માર્ગ મોકળો કરવા પાલિકાની કાર્યવાહી
મુંબઈ - મુંબઈ કોસ્ટલ રોડ (ઉત્તર) પ્રોજેક્ટને ઝડપી બનાવવા મુંબઈ મહાનગરપાલિકાએ બોરીવલીમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. બોરીવલી કનેક્ટરની પશ્ચિમ બાજુએ માર્ગમાં અવરોધરૃપ બનેલાં ૩૦ બાંધકામો શુક્રવારે તોડી પાડવામાં આવ્યાં હતાં. પાલિકાના 'આર-ઉત્તર' વોર્ડ દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
કોસ્ટલ રોડ (ઉત્તર) પ્રોજેક્ટના પેકેજ-એફ હેઠળ ગોરાઈ ઇન્ટરચેન્જથી દહિસર ઇન્ટરચેન્જ વચ્ચે ૩.૪૭ કિમી લાંબો એલિવેટેડ કોરિડોર વિકસાવવામાં આવવાનો છે. મુંબઈમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા અને દરિયાકાંઠાના વિસ્તારો વચ્ચે ઝડપી જોડાણ ઊભું કરવાના હેતુથી આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
અડચણમાં આવતા બાંધકામો દૂર કરવાની કામગીરીમાં પાંચ એન્જિનિયર અને ૨૦ પાલિકા કર્મચારીઓ જોડાયા હતા. બે પોકલેન મશીન, બે જેસીબી અને ત્રણ ડમ્પરની મદદથી બાંધકામો હટાવાયાં હતાં. કાયદો અને વ્યવસ્થા જાળવવા મહારાષ્ટ્ર હાઉસિંગ બોર્ડ કોલોની પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ તહેનાત રહ્યા હતા.




