બોલિવુડના સાચૂકલા ક્રાંતિવીર અને ઓલિયા એક્ટર નાના પાટેકરનું નિધન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કારગિલ યુદ્ધમાં સૈન્યમાં ફરજ બજાવી, ખેડૂતોના કલ્યાણનાં કામો કર્યાં
ગોવામાં મોડી રાતે કાર્ડિઆક એરેસ્ટઃ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર થશેઃ દેશભરના કલાકારો, રાજકીય નેતાઓની અંજલિ, લાખો ચાહકોને આઘાત
પરિંદા, ખામોાશી ધી મ્યુઝિકલ, વેલકમ, પ્રહાર સહિતની ફિલ્મોમાં એક્શન, કોમેડી, નેગેટિવ રોલ અને સંવેદનાસભર ભૂમિકાઓ દ્વારા યાદગાર પ્રદાન
મુંબઈ - એક્શનથી માંડીને કોમેડી અને ખલનાયકથી માંડીને એક સંવેદનશીલ ઈન્સાન સહિતની તમામ પ્રકારની ભૂમિકાઓની જીવી જઈ યાદગાર પ્રદાન કરનારા એક્ટર નાના પાટેકરનું ૭૫ વર્ષની વયે ગોવામાં ડોના પાઉલા ખાતે તેમના નિવાસસ્થાને આજે પરોઢે કાર્ડિઆક એરેસ્ટથી નિધન થતાં દેશભરના તેમના લાખો ચાહકો આઘાતમાં ગરકાવ થઈ ગયા હતા. નાના પાટેકરની ઓળખ એક એક્ટર પૂરતી સીમિત ન હતી. કારગિલ યુદ્ધ વખતે બાકાયદા સૈન્ય સાથે મોરચા પર રહેનારા અને મહારાષ્ટ્રના દુકાળગ્રસ્ત ખેડૂતોની વ્હારે સદા પહોંચી જનારા તથા મહિલાઓ તથા સામાજિક નબળા વર્ગોનાં કલ્યાણ માટે જિંદગી ખર્ચી નાખનારા એક સંવેદનશીલ, જાગરુક અને સમાજના પ્રહરી ઓલિયા ઈન્સાન તરીકે નાનાએ બહુ ઓછા બોલિવુડ સ્ટાર્સને મળે તેવી સાચૂકલી લોકચાહના મેળવી હતી. અનેક સુપરહિટ ફિલ્મોમાં આઈકોનિક ભૂમિકાઓ છતાં પણ મૂળિયાં સાથે જોડાઈને પોતાની સાદગી તથા દેહાતી ઓળખ જાળવી રાખનારા નાના પાટેકરના પાર્થિવ દેહને આજે સાંજે ગોવાથી પુણે લઈ જવાયા બાદ તેમના ડોન્જે ગામના ફાર્મ હાઉસ ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
બુધવારે રાતે બેથી અઢી વાગ્યે નાના પાટેકરની તબિયત બગડી હતી. તેમણે એક મિત્રને મેસેજ કર્યો હતો. જોકે, સહાય પહોંચે તે પહેલાં બહુ મોડું થઈ ગયું હતું. પરોઢે આશરે ચાર વાગ્યાની આસપાસ ઘરમાં બેશુદ્ધ હાલતમાં અને પરસેવે રેબઝેબ સ્થિતિમાં ંનાના પાટેકરને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. હોસ્પિટલમાં તબીબોએ સીપીઆર આપી હૃદયને પુનઃ ધબકતું કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી.
મૂળ રાયગઢના મુરુડ જંઝીરાના વતની નાના પાટેકરનો જન્મ ૧૯૫૧ની પહેલી જાન્યુઆરીએ થયો હતો. વિશ્વનાથ પાટેકર એવું નામ ધરાવતા નાના પાટેકરે ૧૯૭૮માં 'ગમન' ફિલ્મથી કારકિર્દી શરુ કરી હતી. 'પ્રતિઘાત' તથા 'અંકુર' જેવી ફિલ્મોએ હિન્દી સિનેમામાં એક બળકટ અભિનેતાનો ઉદય થઈ ચૂક્યો હોવાની પ્રતીતિ કરાવી દીધી હતી. તે સમયથી જ નાના પાટેકરનું અલાયદું ફેન ફોલોઈંગ જામવા માંડયું હતું. એ પછી વિધુ વિનોદ ચોપરાની 'પરિંદા'માં અનિલ કપૂર, માધુરી દીક્ષિત તથા જેકી શ્રોફ જેવા તે સમયના ટોચના સ્ટાર્સની હાજરી વચ્ચે પણ ઠંડે કલેજે ગેંગવોર આદરતા ખુંખાર વિલન 'અન્ના'ની ભૂમિકામાં નાનાએ સાચા અર્થમાં બોલિવુડમાં પોતાની ધાક બેસાડી દીધી હતી. 'અંગાર', 'ક્રાંતિવીર', 'પ્રહાર', 'અગ્નિ સાક્ષી',' ખામોશી ધી મ્યુઝિકલ' , 'અબ તક છપ્પન', ં'અપહરણ' અને 'રાજનીતિ' સહિતની ફિલ્મો દ્વારા તેમણે કોમેડીથી માડીને સૈન્યાધિકારી, પોલીસ ઓફિસર, સંવેદનશીલ વાલી, રાજકીય નેતા સહિતની અનેકવિધ ભૂમિકાઓ ભજવી ચાહકોની અપેક્ષામાં હંમેશાં ખરા ઉતરવાની પ્રથા જાળવી રાખી હતી. 'વેલકમ'ના ઉદય શેટ્ટીનું તેમનું પાત્ર ઈન્સ્ટા રીલમાં સૌથી વાયરલ છે. 'યશવંત' ફિલ્મનો 'એક મચ્છર આદમી કો ..' ડાયલોગ વારંવાર ટાંકવામાં આવતો હોય છે. તેમની હયાતીમાં રીલિઝ થયેલી અંતિમ ફિલ્મ શાહિદ કપૂરની 'ઓ રોમિયો' હતી. તેમના નિધન પછી તેમની છેલ્લી ફિલ્મ 'શક્તિ શાલિની' હવે પછી રજૂ થવાની છે.
જોકે, બોલિવુડના તમામ ટોચના બેનર્સમાં સુપરસ્ટાર કલાકારો સાથે અનેક ફિલ્મો કરવા છતાં પણ ગ્લેમરની દુનિયામાં ખોવાઈ જવાને બદલે નાનાએ મૂુળિયાં સાથેનો નાતો જાળવી રાખ્યો હતો. પોતાની સર્જેલી 'પ્રહાર' માટે તેમણે મરાઠા લાઈટ ઈન્ફ્રન્ટ્રીમાં સખત લશ્કરી તાલીમ પણ મેળવી હતી અને ૧૯૯૯ના કારગિલ યુદ્ધ વખતે સરહદી વિસ્તારમાં ૬૦ દિવસ રહી ફરજ બજાવી હતી.
આટલું જ નહિ નાના પાટેકરે 'નામ ફાઉન્ડેશન' શરુ કરી આપઘાત કરનારા ખેડૂતોના પરિવારોને મદદ સાથે જળસંરક્ષણ, તળાવોનું પુનર્જીવન, ખેતી અને ગ્રામ વિકાસ , બાળકોને ફી જેવી મદદ, મહિલાઓને સાધન સહાય જેવી સામાજિક પ્રવૃત્તિઓમાં પોતાની જાતને જોતરી દીધી હતી. આ માટે તેમણે મુંબઈ છોડી પુણે વસવાટ શરુ કર્યો હતો.
નાના પાટેકરનાં લગ્ન નિલકાંતિ પાટેકર સાથે થયાં હતાં તેમનો મલ્હાર નામનો પુત્ર છે. નાના પાટેકરે ૧૯૯૩ના મુંબઈ વિસ્ફોટમાં તેમનો ભાઈ ગુમાવ્યો હતો. તમામ રાજકીય પક્ષો સાથે સારાસારી છતાં વખત આવ ે નેતાઓને કડવા વેણ સંભળાવી દેતાં નાનાની જીભ ક્યારેય અટકી ન હતી. આખાબોલા અને સ્પષ્ટવક્તા પણ એકદમ સરળ અને સહજ નાનાને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને દેશના અનેક રાજનેતાઓ તથા બોલિવુડ ઉપરાંત સાઉથના સ્ટાર્સએ અંજલિઓ આપી પોતાનાં સંસ્મરણો તાજાં કર્યાં હતાં.




