For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આતંકવાદી કસાબને ફાંસી અપાવનાર વકીલ ઉજ્જવલ નિકમને ભાજપે આપી ટિકિટ, પૂનમ મહાજનનું પત્તુ કપાયું

Updated: Apr 27th, 2024

આતંકવાદી કસાબને ફાંસી અપાવનાર વકીલ ઉજ્જવલ નિકમને ભાજપે આપી ટિકિટ, પૂનમ મહાજનનું પત્તુ કપાયું

Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીને લઈને ભાજપે આજે પોતાના ઉમેદવારની 15મી યાદી જાહેર કરી દીધી છે. ભાજપે પૂનમ મહાજનની ટિકિટ કાપી નાખી છે. જ્યારે આતંકવાદી કસાબને ફાંસી અપાવનારા વકીલ ઉજ્જવલ નિકમને મુંબઈ ઉત્તર મધ્યથી ચૂંટણી મેદાનમાં ઉતારાયા છે. જણાવી દઈએ કે, ઉજ્જવલ નિકમ દેશના સૌથી જાણીતા સરકારી વકીલોમાંના એક છે, તેઓ આતંકવાદી અજમલ કસાબને ફાંસી અપાવવાથી લઈને, 1993ના બોમ્બ બ્લાસ્ટ, ગુલશન કુમાર હત્યાકાંડ અને પ્રમોદ મહાજન હત્યાકાંડ જેવા હાઈ પ્રોફાઈલ કેસ સરકારી પક્ષથી લડી ચૂક્યા છે.

જ્યારે પૂનમ મહાજન 2006માં પિતા પ્રમોદ મહાજનની હત્યા બાદ ભાજપમાં સામેલ થયા હતા. 2009માં પહેલીવાર ઘાટકોપર વેસ્ટથી તેઓ સાંસદની ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેઓ હાર્યા હતા. 2014માં મુંબઈ નોર્થ સેન્ટ્રલ બેઠકથી તેમણે કોંગ્રેસની પ્રિયા દત્તને હરાવ્યા હતા. જણાવી દઈએ કે, પૂનમ ટ્રેન્ડ પાયલટ છે. તેમણે તેની ટ્રેનિંગ અમેરિકાના ટેક્સાસથી લીધી હતી. તેમની પાસે 300 કલાક ફ્લાઈંગનો અનુભવ છે. બ્રાઈટન સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટથી બીટેકની ડિગ્રી 2012માં પૂર્ણ કરી હતી.

ત્યારે, મુંબઈ નોર્થ સેન્ટ્રલ લોકસભા બેઠક પર કોઈપણ પાર્ટીનો દબદબો રહ્યો નથી. ક્યારેક અહીંથી ભાજપ જીત્યું તો ક્યારેક કોંગ્રેસ. શિવસેના અને આરપીઆઈના ઉમેદવાર પણ અહીંથી જીતવામાં સફળ રહ્યા. 2019માં થયેલી લોકસભા ચૂંટણીમાં આ બેઠકથી પૂનમ મહાજને બાજી મારી હતી. તેમણે કોંગ્રેસ નેતા પ્રિયા દત્તને માત આપી હતી. એક તરફ પૂનમ મહાજનને જ્યાં 4,86,672 મત મળ્યા હતા, તો પ્રિયા દત્તને 3.56,667 મત મળ્યા હતા.

મુંબઈ નોર્થ સેન્ટ્રલ બેઠક 2014માં ભાજપની પૂનમ મહાજને જીતી તો 2009માં કોંગ્રેસના સુનીલ દત્તની દીકરી પ્રિયા દત્તે બાજી મારી હતી. પ્રિયા દત્તે ભાજપના મહેશ રામ જેઠમલાનીને હરાવ્યા હતા. જ્યારે 2004માં આ બેઠક પર એકનાથ ગાયકવાડ, 1999માં શિવસેનાના મનોહર જોશી તો 1998માં આરપીઆઈના રામદાસ અઠાવલેએ કબ્જો જમાવ્યો હતો.

1996માં શિવસેનાના નારાયણ અઠાવલે તો 1991માં કોંગ્રેસના શરદ દિઘેને જીત મળી હતી. 1989માં શિવસેનાના વિદ્યાધર ગોખલેએ ખુબ ઓછા માર્જિનથી કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા. તો 1984માં કોંગ્રેસના શરદ દીઘેને અહીંથી જીત મળી હતી. 1980માં જનતા પ્રીટના પ્રમિલા મધુ દંડવતેએ કોંગ્રેસ ઉમેદવારને હરાવ્યા હતા. 1977માં આ બેઠક પર સીપીઆઈ (એમ)ની અહિલ્યા રાંગેકરને જીત મળી હતી.

Gujarat