પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં બેસાડી રખાય એ ધરપકડ નથીઃ હાઈકોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૨૪ કલાકમાં કોર્ટમાં હાજર કરાયો નહોવાની દલીલ ફગાવાઈ
દરેક ધરપકડ કસ્ટડી ગણાય પણ દરેક કસ્ટડી ધરપકડ નહીં, તપાસ અધિકારીને સંડોવણીની ખાતરી થવી જરુરી
મુંબઈ - જ્યાં સુધી વ્યક્તિ અંગત સ્વતંત્રતા ભોગવે છે અને પોલીસે તેની વિધિવત ધરપકડ કરી નથી ત્યાં સુધી માત્ર પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવાનો અર્થ એવો નથી કે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, એમ કોર્ટે ચુકાદો આપ્યો છે.
આ કેસમાં આરોપીની ધરપકડ ૧૦ જુલાઈ ૨૦૨૬ના રોજ રાત્રે ૮.૧૫ વાગ્યે થઈ હતી. સવારે ૧૧.૦૦ વાગ્યે તે ડોંગરી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો ત્યારે થઈ નહોતી. તેને ધરપકડના ૨૪ કલાકમાં વિશેષ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હોવાથી કોર્ટે નોંધ્યું હતું કે કાયદાની કે બંધારણની જોગવાઈનો કોઈ ભંગ થયો નથી.
અટકાયતમાં લીધેલા શખસના ભાઈએ અરજી કરીને તેને કસ્ટડીમાંથી મુક્ત કરવાની માગણી કરી હતી અને ધરપકડ ગેરકાયદે જાહેર કરવાની વિનંતી કરી હતી. અટકાયતમાં લીધેલો શખસ પોક્સો અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ નોંધાયેલા કેસમાં આરોપી હતો.
અરજીમાં દલીલ કરાઈ હતી કે તેના ભાઈને સવારે ૧૧ વાગ્યે પોલીસ સ્ટેશન બોલાવાયો હતો અનપે ત્યાર બાદ જવા દેવાયો નહોતો.સત્તાવાર ધરપકડ રાત્રે ૮.૧૫ વાગ્યે દર્શાવાઈ હતી અને કોર્ટમાં બીજા દિવસે બપોરે ૩.૪૬ વાગ્યે રજૂ કરાયો હતો. અરજદારના જણાવ્યા મુજબ સવારે ૧૧ વાગ્યાથી ગણીએ તો ૨૪ કલાકનો સમય વિતી ગયો હતો.
કોર્ટે નોંધ કરી હતી કે કસ્ટડી અને ધરપકડ સમાન વસ્તુ નથી. દરેક ધરપકડમાં કસ્ટડી હોય છે પણ કસ્ટડીમાં ધરપકડ હોતી નથી. તપાસ અધિકારીએ ખુલાસો કર્યો હતો કે તે અન્ય કેસમાં આખો દિવસ વ્યસ્ત હતો. કોર્ટે આ ખુલાસો માન્ય રાખ્યો હતો. વળી અરજદારના ભાઈને આખો સમય ફોન કરવાની છૂટ હતી અને અન્યો સાથે વાતચીતની પણ પરવાનગી હતી.
ધરપકડ કરવા પૂર્વે આરોપીની સંડોવણી અંગે સંતોષકારક તપાસ કરવામાં આવે એ તપાસ અધિકારી પાસે અપેક્ષીત હતું. જોકે આરોપીને જામીન અરજી કરવાની છૂટ હોવાનું પણ કોર્ટે નોંધ્યું હતું. જામીન અરજીના નિર્ણય પર આ નિર્ણયની અસર થશે નહીં. એવી સ્પષ્ટતા પણ કોર્ટે કરી હતી.




