અરુણા ઈરાનીના પતિ અને ફિલ્મ સર્જક કુકુ કોહલીનું નિધન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અજય દેવગણને ફૂલ ઔર કાંટેથી બ્રેક આપ્યો હતો
સુહાગ, હકીકત, યે દિલ આશિકાના સહિતની ફિલ્મો બનાવી ઃ હાર્ટ એટેકથી નિધન
મુંબઈ - અભિનેત્રી અરુણા ઈરાનીના પતિ તથા ફિલ્મ સર્જક કુકુ કોહલીનું આજે મુંબઈમાં અવસાન થયું હતું. તેમની વય ૭૭ વર્ષ હતી. તેમનું મૂળ નામ સંદેશ કોહલી હતું. તેમને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો અને મુંબઈનાં અંધેરીની એક ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
કુકુ કોહલી તેમની કેરિયરના શરુઆતના વર્ષોમાં રાજ કપૂરના સહાયક રહ્યા હતા. બાદમાં તેમણે 'બેતાબ' અને 'અર્જુન' જેવી સની દેઓલની ફિલ્મોના સેકન્ડ યુનિટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.
કુકુ કોહલીએ ૧૯૯૧માં સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે 'ફૂલ ઔર કાંટે' ફિલ્મ બનાવી અજય દેવગણને બ્રેક આપ્યો હતો. આ પહેલી જ ફિલ્મથી અજય દેવગણ રાતોરાત સ્ટાર બની ગયો હતો. બાદમાં તેમણે અજય દેવગણ સાથે જ 'હકીકત ' ઉપરાંત અજય દેવગણ અને અક્ષય કુમાર સાથે 'સુહાગ' સહિતની ફિલ્મો બનાવી હતી. અજય દેવગણ અને અક્ષય કુમાર આ ફિલ્મમાં પહેલીવાર સ્ક્રીન પર સાથે આવ્યા હતા. તેમની ફિલ્મ 'યે દિલ આશિકાના' મ્યુઝિકલી હીટ સાબિત થઈ હતી. આ ફિલ્મ તાજેતરમાં જ રીરીલિઝ કરાઈ હતી.
૧૯૯૧માં 'કોહરામ' ફિલ્મના સેટ પર જ તેમના અને અભિનેત્રી અરુણા ઈરાની વચ્ચે ગાઢ પરિયચ થયો હતો અને બાદમાં તેમનાં લગ્ન થયાં હતાં. અરુણા ઈરાની સાથે તેમનાં બીજાં લગ્ન હતાં. તેમનાં પહેલાં પત્ની રીટા કોહલીનું દાયકાઓ અગાઉ અવસાન થઈ ચૂક્યું છે. પહેલી પત્નીથી તેમને બે સંતાનો છે.
કુકુ કોહલી ફિલ્મ સર્જકોનાં સંગઠન ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશનમાં પણ પદાધિકારી તરીકે સક્રિય હતા.




