Mumbai

પુણેમાં ચાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનારા 65 વર્ષીય મજૂરની ધરપકડ

By GS Team
3 May 20262 mins read
પુણેમાં ચાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનારા 65 વર્ષીય મજૂરની ધરપકડ

આરોપી સામે અગાઉ બે કેસ નોંધાયેલા હતા 

ઉશ્કેરાયેલા લોકોનું બેંગલુરુ- મુંબઈ હાઇવે પર રાસ્તા રોકો કરી વિરોધ પ્રદર્શન  

મુંબઈ: પુણે જિલ્લાના ભોર તાલુકામાં ચાર વર્ષની બાળકીની  પર જાતીય હુમલો અને હત્યા કરવાના આરોપમાં ગુનાહિત રેકોર્ડ ધરાવતા ૬૫  વર્ષીય વૃદ્ધની ધરપકડ કરવામાં આવી છે.આ ઘટનાથી સમગ્ર પુણે જિલ્લો હચમચી ગયો છે અને   ગુસ્સે ભરાયેલા લોકોએ રાસ્તા રોકો કરી  વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

 એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે,  પુણે જિલ્લાના ભોર તાલુકાના નસરપુરમાં પીડિત બાળકી શુક્રવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ રામ મંદિર વિસ્તારમાંથી ગુમ થઈ ગઈ હતી.બાળકી  ઘરે પાછી ન ફરતાં તેના પરિવાર અને ગ્રામજનોએ શોધખોળ  શરૂ કરી હતી.આ બનાવની માહિતી પોલીસને આપવામાં આવી હતી.  પોલીસે એક રહેઠાણના સીસીટીવી ફૂટેજના આધારે તેની ધરપકડ કરી હતી.સીસીટીવીમાં તે બાળકી સાથે કેદ થઈ ગયો હતો.આરોપી  મજૂર તરીકે કામ કરે છે.તેણે છોકરીને ખાદ્ય પદાર્થની લાલચ આપી હતી. આમ  તે આ માસુમને વાતોમાં ભોળવીને ઢોરના વાડામાં લઈ ગયો હતો.જ્યાં તેણે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો.બાદમાં  પથ્થરથી મારીને મારી નાખી હતી. 

   શરૂઆતમાં આરોપીએ ખોટા નિવેદનો આપ્યા હતા. પરંતુ પોલીસે તેને સ્કેચ બતાવતાં જ તેણે ગુનો કબૂલ કર્યો અને લાશ ક્યાં છુપાવી હતી તે સ્થળ જણાવ્યું હતું. આરોપીએ આપેલી માહિતી મુજબ પોલીસ અને ગ્રામજનોએ ગાયના છાણના ઢગલા નીચે છુપાવેલી બાળકીની લાશ બહાર કાઢી હતી.એવું પણ જાણવા મળ્યું છે કે સંબંધિત બાળકી ઉનાળાના વેકેશન દરમિયાન તેની દાદી પાસે આવી હતી. 

   આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સોની સંબંધિત કલમ  હેઠળ  કેસ નોંધવામાં આવ્યો હતો.  બાદમાં તેને પુણેની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને ૭ મે સુધીની  પોલીસ કસ્ટડી આપી હતી. 

     મરાઠા સંગઠનોના સભ્યોએ આરોપીને કોર્ટ પરિસરમાં લઈ જઈ રહેલા પોલીસ વાહનને રોકવાનો પ્રયાસ કર્યો હતો.  આ ઘટનાથી ભોર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો હતો.સેંકડો ગ્રામજનો સ્થાનિક પોલીસ ચોકી પર દોડી આવ્યા હતા અને આરોપી સામે કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે મુંબઈ-બેંગલુરુ હાઇવે પર રાસ્તા રોકો કરી  વિરોધ પ્રદર્શન કર્યું હતું. શનિવારે નસરપુરમાં પણ કડક બંધ પાળવામાં આવ્યો હતો.

    પુણે (ગ્રામીણ)ના  સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ  સંદીપ સિંહ ગિલે ગ્રામજનોને ખાતરી આપી હતી કે ૧૫ દિવસમાં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે અને ટ્રાયલ ઝડપી બનાવવામાં આવશે.

    આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.તેની સામે ૧૯૯૮ અને ૨૦૧૫માં કેસ નોંધાયેલા છે. બંને કેસમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. તે એક મજૂર છે અને સામાન્ય રીતે ગામમાં ફરતો રહે છે અને ક્યારેક  કામ  કરે છે, એમ તેમણે પત્રકારોને જણાવ્યું હતું.