For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ્રેમ પ્રસ્તાવ ફગાવતાં 12 વર્ષની તરુણીની માતાની નજર સામે હત્યા

Updated: Aug 17th, 2023

પ્રેમ પ્રસ્તાવ ફગાવતાં 12 વર્ષની તરુણીની માતાની નજર સામે હત્યા

કલ્યાણમાં માથાફરેલ 20 વર્ષના યુવકે ચાકુના દસ વાર કર્યા

સોસાયટીમાં રાહ જોઈ ઊભો હતો, માતાને ધક્કો મારી હુમલોઃ વિકૃત પ્રેમીનો બાદમાં ફિનાઇલ ગટગટાવી આત્મહત્યાનો  પ્રયાસ

મુંબઇ : પાગલ પ્રેમી દ્વારા પ્રેમિકાની કરપીણ હત્યા કરવાની અનેક કેસ અગાઉ પોલીસમાં  નોંધાયા છે. ત્યારે કલ્યાણમાં એક કમકમાટીભરી ઘટના બની છે. એક તરફી પ્રેમમાં ૧૨ વર્ષીય કિશોરીની ૨૦ વર્ષીય યુવક ચાકૂના દસેક વાર કરીને હત્યા કરતા ચકચાર જાગી છે.

બાળકી તેની માતા સાથે ટયુશનમાંથી ઘરે આવતી હતી ત્યારે સોસાયટીમાં માતાની નજર સામે જ નરાધમે આ માસૂમને મારી નાખી હતી. પછી વિકૃત યુવકે ફિનાઇલ પીને જીવન ટુંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. સ્થાનિક લોકોની મદદથી તેને પકડવામાં આવ્યો હતો.

કલ્યાણ (પૂર્વ)ના તિસગાંવ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં બાળકીના ઘર પાસે ગઇકાલે સાંજે આ બનાવ બન્યો હતો. ૨૦ વર્ષીય આદિત્ય કાંબળે થોડા દિવસથી ૧૨ વર્ષીય નયના (નામ બદલ્યું છે)નો પીછો કરતો હતો. બાળકીએ આ બાબતની તેની માતાને જાણ કરી હોવાનું કહેવાય છે. યુવકે તેને પ્રેમ સંબંધનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ નયના તેને પ્રેમ કરતી નહોતી.

આ વિદ્યાર્થિની તેની સાથે વાત કરવાની પણ ના પાડી રહી હતી. આથી આદિત્ય ગુસ્સામાં હતો. તેણે ગઇકાલે વિદ્યાર્થિનીની હત્યાનું કાવતરું ઘડયું હતું. તેણે નયનાની સોસાયટીમાં આવીને રહેવાસી પાસેથી તેની દિનચર્યા અને ટયુશનમાંથી ઘરે આવવાની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

આ નરાધમ રેકી કર્યા બાદ નયનાના ઘર પાસે તેની રાહ જોઇને ઉભો હતો. માતા સાથે આજે ૭.૩૦ વાગ્યે નયના ઘરે આવી રહી હતી. ત્યારે બિલ્ડીંગ પાસે નયનાને અટકાવી હતી. તેની માતાને ધક્કો મારી દૂર ઢકેલી દીધી હતી. પછી આ પાગલ પ્રેમીએ નયના પર ચાકૂના દસેક ઘા ઝીંકી લોહી લુહાણ કરી દીધી હતી. તે જમીન પર ઢળી પડી હતી. 

માતાએ મદદ માટે બૂમો પાડતા સોસાયટીના લોકો જમા થઇ ગયા હતા. આદિત્યએ નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન બોટલ કાઢીને ફિનાઇલ ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ તેને પકડીને પોલીસના તાબામાં સોંપી દીધો હતો. હુમલામાં ગંભીરપણે જખમી થયેલી નયનાને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ તેનું મૃત્યુ થયું હતું. આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 

કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં તેની સામે કલમ ૩૦૨, ૩૦૯ કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


Gujarat