મોરબીના ત્રાજપર ગામે પ્રેમ સંબંધ મામલે મારામારી થયા બાદ ફાયરિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મોરબી: મોરબીના ત્રાજપર ગામમાં પ્રેમ સંબંધ મામલે ઝઘડો થયો હતો જેમાં, પાંચ ઇસમોએ મારામારી કરી ફાયરિંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે તો આ સામાપક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી ખૂનની કોશિષના ગુનામાં બિહારી ગેંગના ચાર ઇસમોને ઝડપી લીધા છે.
બન્ને પક્ષે સામસામી ફરિયાદ, ખૂનની કોશિશના ગુનામાં બિહારી ગેંગના ચાર ઇસમોને પોલીસે ઝડપી પાડયા
ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતાં ચિરાગ રણજીતભાઇ સનુરા નામના યુવાનને નિરંજન બિંદની દીકરી સાથે પ્રેમ સંબંધ હોઇ તેના ઘર પાસે આવ - જા કરતો હોવાનો ખાર રાખી ગામમાં ઓરિએન્ટલ બેંકવાળી શેરીમાં યુવાન અને તેના મોટા બાપુજી દિનેશભાઇ વેરશીભાઇ સુનરા બેઠાં હતાં ત્યારે નિરંજન, તેની પત્ની મંજુબેન, દીકરો હિમાંશુ તથા ભાણેજ ચંદન અને મોહને આવી મારામારી કરી હતી. આરોપી મોહને મારી નાંખવાના ઇરાદે યુવાન સામે રિવોલ્વર તાકી જમીનમાં ફાયરિંગ કર્યું હતું. મારામારીના આ બનાવમાં ફઇબાના દીકરા રાહુલને ઇજા થતાં હોસ્પિટલે ખસેડાયો છે અને યુવાને આ પાંચેય શખ્સો સામે ફરિયાદ કરી છે.
સામા પક્ષે હિમાંશુ બિંદે ચિરાગ, રાહુલ અને કરણ સામે ફરિયાદ નોંધાવી છે કે પ્રેમ પ્રકરણ મામલે, આરોપીઓએ હિમાંશુ અને તેનો પિતાને ગાળો આપી મુંઢ માર માર્યો હતો. મારામારી અને ફાયરિંગની આ ઘટનામાં સંડોવાયેલા બિહારી ગેંગના ચાર આરોપી નિરંજન તિલકપ્રસાદ બિંદ, હિમાંશુ નિરંજન બિંદ, ચંદન મહેશભાઇ જમાદાર અને મોહન અનુજભાઇ બિંદ હાલ મોરબી અને મૂળ બિહારના રહેવાસીઓને ઝડપી લઇને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









