Morbi

દીકરીની શોધખોળ માટે ગયેલા પરિવાર પર ધોકા-લાકડીથી હુમલો, વૃદ્ધની હત્યા

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
મોરબી : વાંકાનેર તાલુકાના ખાનપર ગામે દીકરી ગુમ થઈ હોવા અંગેની પૂછપરછ કરવા ગયેલા પરિવારજનો અને યુવકના પરિવાર વચ્ચે થયેલો સામાન્ય બોલાચાલીનો બનાવ ઉગ્ર મારામારીમાં પરિણમ્યો હતો. લાકડી-ધોકા જેવા હથિયારો વડે થયેલા હુમલામાં એક વૃદ્ધને માથામાં ગંભીર ઈજા પહોંચતાં મોત થવાથી સમગ્ર બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાને પગલે વાંકાનેર તાલુકા પોલીસે આઠ શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દીકરીની શોધખોળ માટે ગયેલા પરિવાર પર ધોકા-લાકડીથી હુમલો, વૃદ્ધની હત્યા

મોરબી : વાંકાનેર તાલુકાના ખાનપર ગામે દીકરી ગુમ થઈ હોવા અંગેની પૂછપરછ કરવા ગયેલા પરિવારજનો અને યુવકના પરિવાર વચ્ચે થયેલો સામાન્ય બોલાચાલીનો બનાવ ઉગ્ર મારામારીમાં પરિણમ્યો હતો. લાકડી-ધોકા જેવા હથિયારો વડે થયેલા હુમલામાં એક વૃદ્ધને માથામાં ગંભીર ઈજા પહોંચતાં મોત થવાથી સમગ્ર બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાને પગલે વાંકાનેર તાલુકા પોલીસે આઠ શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખાનપર ગામે રહેતા હેમુભાઈ સગરામભાઈ સરવૈયાએ દેવાભાઈ ઉકાભાઈ મકવાણા સહિત આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૭ના રોજ સવારે મોટાભાઈ સુરેશભાઈની દીકરી ઘરેથી ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી, પણ ક્યાંય મળી નહોતી. અગાઉ ચાર મહિના પહેલા તેણી આ જ ગામના કિશન નામનાં યુવક સાથે વાતચીત કરતી મળી આવી હતી. ત્યારબાદ તેના લગ્ન પણ છૂટા કરી નાખવામાં આવ્યા હતા. જેથી તેણીને એ યુવક ભગાડી લઈ ગયો હોવાની શંકા જતાં પરિવારજનો તેના ઘરે અગાઉ પણ બે-ત્રણ વખત તપાસ કરવા ગયા હતા, પરંતુ ત્યાં કોઈ હાજર મળ્યું ન હતું. બાદમાં ગઈકાલે તા.૭ના રોજ સવારે કિશનના પિતા દેવાભાઈ મકવાણા રસ્તામાં મળ્યા ત્યારે પણ પરિવારજનોએ હેતલ અંગે પૂછપરછ કરી હતી, પરંતુ કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નહોતો.
આ દરમિયાન ગત રાત્રે આશરે ૧૦ વાગ્યે ફરિયાદી હેમુભાઈ, તેમના પિતા સગરામભાઈ, મોટાભાઈ સુરેશભાઈ સહિત પરિવારના અન્ય સભ્યો ફરી પૂછપરછ કરવા યુવકના ઘરે પહોંચ્યા હતા. ત્યાં તેના પિતા દેવાભાઈ સહિતના આઠ શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. ફરિયાદ મુજબ મામલો ઉગ્ર બનતાં સામા પક્ષે ગાળો આપી લાકડી-ધોકા વડે હુમલો શરૂ કર્યો હતો. આ હુમલા દરમિયાન દેવાભાઈ મકવાણાએ લાકડીનો ઘા સગરામભાઈ સરવૈયાના માથામાં મારતા ગંભીર ઈજા પહોંચી હતી. પરિવારના અન્ય સભ્યોને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા સગરામભાઈને તાત્કાલિક વાંકાનેર હોસ્પિટલ અને પછી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો.

  • આઠ આરોપીઓ અને હથિયારો અંગે તપાસ
    વાંકાનેર તાલુકા પોલીસે દેવા ઉકા મકવાણા, કિરણ દેવા મકવાણા, વિપુલ દેવા મકવાણા, રાજુ છના મકવાણા, મનસુખ છના મકવાણા, ભરત મનસુખ મકવાણા, વિરમ મનસુખ મકવાણા અને જેમા સોમા મકવાણા સામે ફરિયાદ નોંધી બનાવની પરિસ્થિતિ, હુમલામાં વપરાયેલા હથિયારો અને ઘટનાક્રમ અંગે તપાસ હાથ ધરી છે.