Morbi

'ચૂંટણીમાં ભાજપ નેતા વોટ માગવા ન આવે...' મોરબીના 29 ગામડામાં બહિષ્કારના બેનર્સ લાગ્યા

By GS Team
5 Aug 20262 mins read
TukuTouch Logo
મોરબી જિલ્લામાં ખેતરોમાંથી પસાર થતી વીજલાઇન અને પોલના વળતર મુદ્દે ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું છે. જેતપરથી શરૂ થયેલી લડતમાં 29 ગામો જોડાયા છે. ખેડૂતોએ ભાજપના નેતાઓને આગામી ચૂંટણીમાં મત માંગવા ગામમાં ન આવવા સ્પષ્ટ ચેતવણી આપતા પ્રવેશબંધીના બેનરો લગાવ્યા છે. સરકારની ઉપેક્ષા સામે ખેડૂતોએ આરપારની લડાઈનો નિર્ધાર કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ચૂંટણીમાં ભાજપ નેતા વોટ માગવા ન આવે...' મોરબીના 29 ગામડામાં બહિષ્કારના બેનર્સ લાગ્યા

Morbi Farmer Protest: મોરબી જિલ્લામાં ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન અને પોલના યોગ્ય વળતરની માગણી સાથે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે વધુ ઉગ્ર બની રહ્યું છે. જેતપર ગામથી શરૂ થયેલી આ લડતમાં હવે આસપાસના અન્ય ગામો પણ સક્રિય રીતે જોડાઈ રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે તેઓ લાંબા સમયથી વળતર માટે રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ સરકાર કોઈ મચક આપી રહી નથી. આથી ખેડૂતોએ પણ મક્કમ નિર્ધાર સાથે આરપારની લડાઈ લડી લેવાનો નિર્ણય કર્યો છે.

જેતપરથી શરૂ થયેલો વિરોધ બે દિવસમાં જિલ્લાના 29 ગામોમાં ફેલાયો

સરકારના ઉપેક્ષાભર્યા વલણ સામે આક્રોશ વ્યક્ત કરવા માટે ખેડૂતોએ વિરોધનો અનોખો માર્ગ અપનાવ્યો છે. આંદોલનના ભાગરૂપે સૌથી પહેલા જેતપર ગામે બેનરો લગાવીને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતાઓને મત માંગવા માટે ગામમાં ન આવવા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શન જોતજોતામાં વાયુવેગે ફેલાઈ ગયો અને માત્ર બે જ દિવસમાં મોરબી જિલ્લાના કુલ 29 ગામોમાં ભાજપના પ્રવેશબંધી અને બહિષ્કારના બેનરો લગાડી દેવામાં આવ્યા છે.

કયા-કયા ગામોમાં લાગ્યા પ્રવેશબંધીના બેનરો?

જેતપર ગામ બાદ બે જ દિવસની અંદર જિલ્લાના વિવિધ ગામો આ આંદોલનમાં સક્રિય થતાં વ્યાપક અસર જોવા મળી રહી છે. હાલમાં વાધપર, જીકીયારી, વિશાલનગર, ખીરઈ, રોહીશાળા, શાપર, જસમતગઢ, રંગપર, બેલા, પીપળી, લક્ષ્મીનગર, નવા સાદુળકા, ભરતનગર, ધરમપુર, ટીંબળી, હરીપર, કેરાળા, ભક્તિનગર, કુંભારિયા, રવાપર(નદી), દાદાશ્રીનગર, રોટરીગામ(અમરનગર), કૃષ્ણનગર, ગુંગણ, ગાળા, પીલુડી, નવા દેવળિયા અને જબલપુર સહિતના તમામ 29 ગામોમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધીના બેનરો લગાવી દેવાયા છે.