Mera Bharat Mahan

બોલો! હવે સરકાર ટોપી પહેરાવશે

By GS Team
9 Oct 20265 mins read
TukuTouch Logo
ઝારખંડ સરકારે રાજ્યના આદિવાસીઓની ઓળખ સમાન ગંગુ ટોપીને પુનર્જીવિત કરવા અભિયાન શરૂ કર્યું છે. ગંગુ વૃક્ષના સૂકા પાંદડામાંથી બનતી આ ટોપીનો ગૃહઉદ્યોગ શરૂ કરીને આદિવાસી મહિલાઓને રોજગાર આપવામાં આવી રહ્યો છે. પર્યટકો પણ હોંશે હોંશે આ ટોપીઓ ખરીદે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોલો! હવે સરકાર ટોપી પહેરાવશે
  • મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

ટોપી પહેરવામાં વાંધો નહીં, બસ ગામને 'ટોપી' પહેરાવવી નહીં. રમૂજમાં આવું કહેવાતુું હોય છે, જ્યારે ગામને ટોપી પહેરાવનાર ટોપીબાજ નજરે ચડે ત્યારે બરાબરને? પરંતુ ઝારખંડ સરકારે તો આખા રાજ્યને ટોપી પહેરાવવાનો નિર્ણય કર્યો છે. ઝારખંડના આદિવાસીઓની આગવી ઓળખ ગંગુના સૂકા પાદડાંમાંથી બનાવવામાં આવતી ગંગુ ટોપી. એટલે જ ઝારખંડની સરકારે વિસરાઈ રહેલી આ ટોપી બનાવવાની કલાને ફરીથી જીવંત કરવા માટે ઝુંબેશ શરૂ કરી છે. આદિવાસી મહિલાઓને રોજગાર આપવા માટે આ ગંગુ ટોપી બનાવવાનો ગૃહઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો છે. બહેનો ગંગુ વૃક્ષના પાનને સૂકવીને એમાંથી સરસ મજાની ટોપીઓ બનાવે છે. બહારથી આવતા પર્યટકો હોંશે હોંશે આ ટોપીઓ ખરીદે છે. આ જોઈને કહેવું પડે કે:
ટોપીમાં ગંગુના સૂકા પાન છે
ગંગુ ટોપી ઝારખંડની શાન છે.
મોબાઈલની લત છોડાવવા જોખમી સ્ટંટ
બાળકો મોબાઈલના બંધાણી બની જતા હોય છે. ઘણાં બાળકોને તો મોબાઈલ જોતાં જોતાં જમવાની ટેવ હોય છે. મોબાઈલથી આંખોને નુકસાન થાય છે. એટલે ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લાના ખટીમા ગામની સ્કૂલે બાળકોની મોબાઈલની લત છોડાવવા માટે ખતરનાક સ્ટંટ કર્યો. પ્રાઈવેટ સ્કૂલના ટીચરોએ એવી વાત ફેલાવી કે જે મોબાઈલ જોશે તેની આંખ ડોકટર કાઢી લેશે. બાળકો આ વાત માની લે એટલે કેટલાંક સિનિયર સ્ટુડન્ટે આંખે લાલ પાટા બાંધીને જાણે આંખ કાઢી લેવામાં આવી હોય એવી રાડારાડ કરી અને નાટક કર્યું. ગભરાયેલા બાળકોએ રડારોળ કરી મૂકી અને આનો વિડિયો વાઈરલ થતા બાળકોના પેરેન્ટસ હાંફળા ફાંફળા સ્કૂલમાં દોડી આવ્યા અને ભારે ઉહાપોહ કરી મૂક્યો. જ્યારે સાચી વસ્તુસ્થિતિ જાણી ત્યારે તેમનો જીવ હેઠો બેઠો.બાળકોની મોબાઈલની લત છોડાવવાનો સ્કૂલનો ઈરાદો સારો હતો પણ આવો સ્ટંટ કરી નાખવાનું યોગ્ય નહોતું. એટલે જ સોશ્યલ મિડિયામાં સ્કૂલને માથે માછલાં ધોવાયા હતા.
પોલીસ બનવા
ગોરિલાનો વેશ
દેશના સહુથી સ્વચ્છ શહેર ઈંદોરની સડક પર, કોઈ બર્થ-ડે પાર્ટીમાં કે પછી મેદાનમાં કોઈ ફંકશન યોજાયું હોય એમાં મહાકાય ગોરિલા વાનરના વેશમાં એક યુવાન લોકોનું મનોરંજન કરે છે. લોકો રાજી થઈને તેને પૈસા આપે છે. પરંતુ લોકોનું મનોરંજન કરતા ૨૦ વર્ષના પીયૂષ પરમારનું જીવન સંઘર્ષમય છે, આ રીતે ૧૫ કિલો વજનનો ગોરિલાનો વેશ પહેરીને લોકોનું મનોરંજન કરી જે પૈસા મળે એ લકવાગ્રસ્ત પિતાની સારસંભાળ અને ઘરખર્ચમાં વાપરે છે. યુવાનનું એક જ સપનું છે મહેનત કરી મધ્ય પ્રદેશ પોલીસ ફોર્સંમાં જોડાવાનું. એટલે દિવસે ગોરિલો બનીને ફરે છે અને રાત્રે પોલીસમાં ભરતી થવા માટેની પરીક્ષાની તૈયારી કરે છે. એટલે ગોરિલા બનવાની સાથે યુવાન માતાને પણ લોન્ડ્રીના કામમાં મદદ કરે છે. પોલીસની ખાખી વર્દી પહેરવાનું સ્વપ્ન સાકાર કરવા અત્યારે તો ગોરિલાની વર્દી પહેરી સંઘર્ષ કરતા આ યુવકને જોઈને કહવું પડે કે:
જેના હૈયામાં હોય હામ
એ કર્યા વિના રહે
નહીં મહેનતનું
કામ, રાત્રે ખાખી વર્દી પહેરવા
કરે તૈયારી અને ગોરિલો બની
ભમે સુબહ-શામ.
જેલની સજા અને
મેરેજની મજા
પરણે એ સમસ્યાને શરણે. પ્રેમમાં મજા અને પ્રેમ કરીને પરણવામાં આજીવન સજા. એવું ઘણા પીડિત પતિદેવો કહેતા હોય છે. પણ હરિયાણામાં તો આજીવન કારાવાસ ભોગવતા કુખ્યાત ગેંગસ્ટરે ૧૨ કલાકના પેરોલ મેળવીને કંબોડિયાથી ચાર બાળકોને લઈ ભારત આવેલી દુલ્હન સાથે હિંદુવિધિથી લગ્ન કર્યા હતા. હત્યા, હત્યાના પ્રયાસ અને લૂંટફાટ સહિતના ૨૨ ગુના આ ગેંગસ્ટર સામે નોંધાયા હતા. આ ગંગસ્ટરની ધરપકડ થયા પછી હિસ્સારની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો. ૨૦૧૮માં જેલમાંથી જામીન મળ્યા બાદ બનાવટી ટ્રાવેલ ડોકયુમેન્ટસ તૈયાર કરી કંબોડિયા નાસી છૂટયો હતો. ત્યાં બિઝનેસ જમાવ્યો હતો અને કંબોડિયન મહિલા સાથે લ ગ્ન કરી લીધા હતા. ૨૦૨૪માં ઈન્ટરપોલ તરફથી ગેંગસ્ટર વિરુદ્વ રેડ કોર્નર નોટિસ બહાર પાડવામાં આવ્યા બાદ કંબોડિયાની સરકારે ૨૦૨૫માં તેની ધરપકડ કરી ભારતને હવાલે કરી દીધો હતો. ત્યારથી આ મહાશય જન્મટીપ ભોગવે છે. તેની ઈચ્છા કંબોડિયન વાઈફ સાથે હિંદુ વિધિથી લગ્ન કરવાની હતી. એટલે તેને ફક્ત ૧૨ કલાકના જામીન મંજૂર થયા પછી બહાર આવીને કંબોડિયન મહિલા સાથે લગ્ન કરી લીધા હતા. આને કહેવાય જેલની સજા અને મેરેજની મજા.
મમ્મીએ કર્યા મનગમતી તરૂણી સાથે મેરેજ
લગ્ન માટે એવું કહેવાય છે કે લગ્ન તો સ્વર્ગમાં જ નિર્માયા હોય છે. ભલે લગ્ન સ્વર્ગમાં નિર્માયા હોય પણ લગ્ન પછી ધમાલ ધરતી પર જ થતી હોય છે. બિહારના બક્સર જિલ્લાના ગામના એક પરિવારમાં ધમાલ ત્યારે મચી ગઈ જ્યારે પરિવારની ગૃહિણીએ ૧૮ વર્ષની કન્યા સાથે ભગવાનની સાક્ષીએ પ્રેમ લગ્ન કરી લીધા. બે બાળકોની મમ્મીએ જ્યારે ટીનએજર તરૂણી સાથે મંદિરમાં જઈ લગ્ન કર્યા તેની વિડિયો ક્લિપ વીજળીવેગે વાઈરલ થતાની સાથે જ મહિલાના ઘરમાં જ નહીં આખા ગામમાં ખળભળાટ મચી ગયો. ટીનએજર દુલ્હાના વેશમાં હતી અને ગૃહિણી દુલ્હનના વેશમાં હતી. બન્નેએ એકબીજાને ફૂલમાળા પહેરાવી અને લગ્ન સમ્પન્ન થયા. બન્યું એવું કે મહિલા લગ્ન કરીને સાસરે આવે એ પછી તેને ગામની જ તરૂણી સાથે પ્રેમ થઈ ગયો.બંને કાયમ સાથે જ ફરતા હતા. કોઈને સજાતીય પ્રેમ હશે એની તો કલ્પના જ નહીં જ્યારે તરૂણી ૧૮ વર્ષની થઈ ત્યારે બન્ને ગામના કાળભૈરવ મંદિરમાં સજીધજીને પહોંચ્યા અને એકબીજાને ફુલમાળા પહેરાવીને પરણી ગયા. આ કિસ્સોૌ જાણીને કહેવું પડે કે:
પ્રેમની આ કવી વિચિત્ર અગન
ગામડા ગામમાં થયા
સમલિંગી લગન.
ગેસની કોઠી કે દારૂની કોઠી?
ગમે એવી કડક દારૂબંધી હોય પણ જેને દારૂનું બંધાણ હોય એને દારૂ પૂરો પાડી ધીંગી કમાણી કરવા માટે અવનવા નુસ્ખા અજમાવીને દારૂની હેરફેર થતી જ હોય છે, પછી એ ભલે બિહાર હોય કે ગુજરાત. કોળાને વચ્ચેથી ખોતરી કાઢી અંદર દારૂ ભરી પેક કરી દેવાતાં આવે છે. ખાસ જાતના દૂધના કેન બનાવી બે ભાગ કરવામાં આવે છે. ઉપર દૂધ ભરેલું હોય અને નીચેના ભાગમાં દારૂ. રબ્બરની ટયુબના દારૂ ભરી આખા શરીરે વિંટાળી ઉપર ઝબ્બો પહેરીને આ શરાબના હેરફેરિયા નીકળી પડતા હોય છે.પરંતુ બિહારમાં દારૂની હેરફેર માટેનો નવો જ નુસ્ખો પોલીસે પકડી પાડયો હતો. ગોપાલ ગંજમાં ગેસનું સિલિન્ડર લઈને જતા એક બાઈકરને આંતરીને ઉલટતપાસ કરવામાં આવતા ખબર પડી હતી કે સિલિન્ડરમાં ગેસ નહીં પણ દારૂ ભર્યો હતો. ગેસની કોઠીને એક જગ્યાએથી કાપીને બાકોરૃં કરી અંદર દારૂ ભરીને પછી કોઈને શંકા ન જાય એ રીતે સિલિન્ડર પેક કરી દેવામાં આવ્યું હતું. પૂછપરછમાં ખબર પડી હતી કે છેલ્લાં કેટલાય વખતથી શરાબ ભરેલી સિલિન્ડરની મદદથી દારૂની હેરફેર થતી હતી. આ જોઈને કહેવું પડે કે :
દારૂની બંધી અને બંધાણમાં ફેર છે
દારૂની હેરફેર આમ ઠેર ઠેર છે.
પંચ-વાણી
સ: એવો ક્યો પક્ષ છે જેનાં મેમ્બર બનવા માટે મરવું પડે?
જ: શ્રાદ્ધ-પક્ષ.