FOLLOW US

બેવફાઈનો ભોગ બનેલાને કન્સેશન આપે 'બેવફા ચાયવાલા'

Updated: Nov 25th, 2022


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

હમ બેવફા હરગીઝ ન થે, પર હમ વફા કર ના સકે... હોલિવુડના ગુજરાતી ફિલ્મ સર્જક ક્રિષ્ના શાહની 'શાલીમાર' ફિલ્મનું ગીત ઉત્તરપ્રદેશના એક ગામમાં ચાની ચૂસ્કી લેવા જાવ ત્યારે  યાદ આવે,  કારણ કે મુંબઈના બાંદરા વિસ્તારમાં  આ અનોખા ટી-સ્ટોલનું  નામ છે , 'બેવફા ચાયવાલા'. બી.એ. પાસ સ્ટોલના માલિક લવલેશકુમારે આવું વિચિત્ર નામ કેમ રાખ્યું હશે? એ સવાલના જવાબમાં  લવલેશ કહે છે કે તેની ગરીબી અને બેરોજગારીને તેની પ્રેમિકા  છોડી ગઈ હતી.  એટલે બેવફાઈનો આઘાત  ખમી કંઈક કરી દેખાડવા માટે ચાનો સ્ટોલ શરૂ કર્યો  અને નામ આપ્યું, 'બેવફાઈ ચાયવાલા'.  મજાની વાત  એ છે કે  ચાના એક કપની કિંમત  ૧૫ રૂપિયા છે,  પણ પ્રેમમાં પછડાટ ખાધી હોય અને બેવફાઈનો સામનો  કર્યો હોય એવાં કસ્ટમરને રાહતના દરે ૧૦ રૂપિયામાં  ચા અપાય છે. લેશમાત્ર  પ્રેમ ન મળ્યો એવા  લવ-લેશ (કે લવ-લેસ)ની ડિસ્કાઉન્ટ આપવાની આ અનોખી રીત જોઈ કહેવું પડે કે-

પૂરવાર કરો જો બેવફાઈ

તો તમને સસ્તામાં મળશે ચાઈ.

મોંઘેરા મજૂરોના

કાર-નામા

મુંબઈ જેવાં શહેરોમાં  મોટી મલ્ટીનેશનલ  કંપનીઓ  ફોરેનની બેન્કો, જંગી ઔદ્યોગિક એકમો  અને કોર્પોરેટ સેકટરમાં  ઊંચા  પગારની નોકરી કરતા  સાહેબોને લેવા-મૂકવા  માટે આલીશાન કાર, એપ-આધારિત  કેબ અથવા રેન્ટ ઉપર લેવામાં આવેલી કારની વ્યવસ્થા હોય છે, પરંતુ  મહારાષ્ટ્રના  કોઈ અતંરીયાળ ગ્રામવિસ્તારમાં મજૂરોને લાવવા-લઈ  જવા માટે  એ.સી. કાર મોકલવી  પડે એ  જોઈને ખરેખર એ મજૂરોના નસીબની ઈર્ષ્યા થયા  વિના  ન રહે. આ હકીકત છે અહમદનગર જિલ્લાની ફળદ્રુપ જમીનમાં  નદીઓનું મબલખ પાણી મળતું  હોવાથી  દ્રાક્ષ, દાડમના  ફળબાગ ઠેર ઠેર  જોવા મળે છે. શેરડીનો પણ  ભરપૂર પાક થાય  છે. હવે  આ ફળબાગના  માલિક એટલે કે બાગાયતદારોને ખેતમજૂરી  કરવા પૂરતા મજૂરો નથી મળતા, કારણ કે  બાગાયતદારોની નવી  પેઢીના યુવક-યુવતીએો તો ભણી-ગણી શહેરોમાં  સેટલ થઈ ગયા  છે. એટલે  પરસેવો પાડી કાળી  મજૂરી કરતા પરપ્રાંતીય મજૂરોની  ડિમાન્ડ ખૂબ વધી  ગઈ છે.  એક જમાનામાં  મજૂરોને  ટ્રેકટરમાં  કે ટ્રકમાં  બેસાડી  કામના સ્થળે  લઈ જવામાં  આવતા અને  સાંજ પડયે  લેબર કેમ્પમાં  પાછા મૂકી  આવવા પડતા હતા, પણ હવે  તો બાગના માલિકો આ મોંઘેરા મજૂરો માટે એ.સી. કારની વ્યવસ્થા કરવી પડે છે. બાગના માલિક તરફથી  કારની વ્યવસ્થા  કરવામાં ન આવે તો મજૂરો  બીજે ચાલ્યા જાય છે. આમ, મોટરમાં  વટથી આવ-જા કરવા માંડેલા મજૂરોને  હવે મહેનતાણું  પણ એટલું જ  ઊંચું આપવું  પડે છે. ફળબાગમાં પહોંચે ત્યાં ઠંડા પાણી, ચા-નાસ્તો અને ભોજનની પણ જોગવાઈ કરવી  પડે છે.  આમ, અગાઉના  વખતમાં  મજૂરોની કોઈ કિંમત  નહોતી એ  મજૂરો આજે  ઊંચી  કિંમત વસૂલ કરવા માંડયા છે. શ્રમની સાચી કિંમત લોકોને સમજાઈ છે. મજૂરોના કાર-નામા જોઈને કહેવું  પડે કે-

મોંઘેરા મજૂરો કરી

મજૂરી ફળબાગમાં

મહેનતનું ફળ મેળવે 

છે ભાગમાં.

ગામડાની 

લાઈફ લાઈન ગધેડા

મુંબઈની લાઈફ લાઈન લોકલ ટ્રેન ગણાય છે એવી  જ રીતે હુગલી નદીમાં  તરતી હોડીઓ કલક્ત્તાની  લાઈફ લાઈન ગણી શકાય, પરંતુ  પશ્ચિમ બંગાળના મમતારાજમાં  કલકત્તા જેવાં મેટ્રોપોલિટન સિટીથી  માંડ પચ્ચીસ કિલોમીટરના અંતરે આવેલા  સંડરેલ નામના ગામડાની  લાઈફ લાઈન  ગધેડા છે, કારણ કે  ખોબા જેવડા આ ગામડાની  આબાદીને  ગધેડાનો જ આધાર છે. ગધેડા પર  માલ લાદીને એકથી બીજી જગ્યાએ  લઈ જવામાં  આવે છે. લોકલ  ટ્રાન્સપોર્ટના અભાવે  ગામ લોકો ગધેડા  પર બેસીને  ફરતા જોવા મલે  છે. કોઈ  માંદુ પડે તો તેને  એમ્બ્યુલન્સને બદલે  ગધેડા પર  બેસાડી હોસ્પિટલ લઈ જવામાં  આવે છે.  મજાની વાત  એ છે કે  લગ્નની જાન નીકળે  ત્યારે વરરાજાને  પણ શણગારેલા ગધેડા પર બેસાડવામાં  આવે છે.  ગધેડાને ખર  પણ કહે છે, એટલે  ગધેડા પર સવાર થઈ નીકળતા દુલ્હારાજાને 'વર-ખર' પણ કહી શકાય. બદલાતા સમય સાથે  ગામડામાં  ઘણું પરિવર્તન આવ્યું  છે છતાં  દાયકાઓ સુધી  આખા ગામનો  ભાર વેંઢારનારા ગર્દભો  મૂંગા મોઢે જે સેવા કરે છે તેને  લીધે ગધેડાને  લાઈફ લાઈન જ ગણવામાં આવે છે. અનોખી આ ગર્દભનગરી વિશે જાણીને કહેવું પડે કે-

વજન હોય કે વર

ઉપાડીને ચાલે છે ખર

ખરનો જ કેવો આધાર

છે ખરેખર.

મોમોઝ નામ-ચીન ખરા, પણ ચીનના નહીં

ચીને ભારતની જમીન પચાવી  અને ભારતીયો ટેસથી ચીની વાનગીઓ પચાવે છે. ગામથી માંડીને મોટા  શહેર સુધી  ચાઈનીઝ ફૂડની  લારીઓ કે સ્ટોલ નજરે  પડે છે.  એમાંથી  ઘણી જગ્યાએ ગરમાગરમ મોમોઝ  વેંચાતા   જોઈને ઘણાં  એમ માનતા હશે કે મોમોઝ  ચાઈનીઝ  વાનગી છે. ના, મોમોઝનો જન્મ ચીનમાં નહીં, નેપાળમાં થયો હતો. નેપાળની સૌથી પ્રાચીન નેવારી ભાષામાં મોમોનો અર્થ  થાય વરાળમાં બાફીને તૈયાર કરવામાં આવતો ખાધપદાર્થ. ગણપતિના મોદકની  જેમ ચોખાના લોટમાંથી  મેોમોઝનું  પડ બનાવી  અંદર સ્વાદિષ્ટ માવો-મસાલો  ભરવામાં આવે છે. પછી તેને સ્ટીમ કૂકરમાં  બાફવામાં આવે છે.  આમ, ઝટપટ તૈયાર  થતા મોમોઝ ઠેઠ ૧૪મી સદીથી  નેપાળમાં  ખવાય છે.  ત્યાર પછી ૧૫મી સદીમાં  નેપાળી રાજકન્યાના લગ્ન તિબેટના  રાજવી સાથે થયા. નેપાળ- તિબેટના સંબંધો ગાઢ બન્યા. વ્યાપારાર્થે  એકબીજાના  પ્રાંતમાં  અવરજવર વધવા માંડી. સાથે નેપાળથી  મોમોઝ તિબેટ પહોંચ્યા. તિબેટથી ચીન અને ચીનથી જાપાન પહોંચ્યા. આ દરમિયાન નેપાળી ગુરખાઓ તો ભારતમાં  આવતા જ રહેતા  હતા, એટલે  મોમોઝ  આપણે  ત્યાં પણ આવી પહોંચ્યા અને સ્વાદ શોખીનોની દાઢે મોમોઝનો ટેસ્ટ વળગ્યો. હવે તો જાતજાતનો મસાલો ભરેલા જુદા જુદા  પ્રકારના વેજ-નોનવેજ મોમોઝ  દુનિયાભરમાં બને છે. મોમોઝ મોઢામાં  મૂકવાની મોજ  આવી જાય એટલે  એને મો-મોજ  પણ કહેવામાં  વાંધો નહીં, પણ  મૂળ નેપાળી વાનગી વિશે એટલું ભાર દઈને કહેવું પડે કે  મોમોઝ નામ-ચીન ખરા, પણ ચીનના નહીં.

દિલ્હીનું અનોખું ટોઈલેટ સંગ્રહાલય

કોઈ હિન્દી હાસ્યકવિએ  લખ્યું હતું કેઃ કુછ કુર્સીબાજ ગંદી રાજનીતિ સે કુર્સી કો કમોડ મેં બદલ દેતે હૈ... જોકે કમોડવાળા  'કમોડાસન' ઉપર બેસી  રાજકાજ ચલાવતો  એક જ સમ્રાટ પાક્યો. એ હતો ફ્રાન્સનો  સમ્રાટ લૂઈ-૧૪મો. એના સિંહાસનની  રચના એવી કરવામાં  આવેલી કે  બેઠકના ભાગમાં કમોડ હતું અને રાજાનું  અડધું શરીર ઢંકાયેલું  રહે એવું  કોતરણીવાળું   પાર્ટીશન લગાડેલું. એટલે સમ્રાટ બેઠાં બેઠાં  સ્ટેનો કારભાર પણ  ચલાવે  અને પેટનો ભાર  પણ બા'ર કાઢતા રહે. આ અનોખા ઐતિહાસિક ટોેઈલેટાસનની ઝાંખી ક્યાં મળી  શકે, ખબર છે? દિલ્હીના એક માત્ર ટોઈલેટ  મ્યુઝિયમમાં,  બીજે ક્યાં? જ્યાં સૌથી વધુ ગંદી રાજનીતિ  જોવા મળે છે એવા દિલ્હી શહેર કરતાં બીજી કઈ જગ્યા ટોઈલેટ મ્યુઝિયમ  માટે યોગ્ય ગણાય? માનવ ઈતિહાસની શરૂઆતથી અત્યાર સુધીમાં પાયખાનામાં કેવા કેવા  પરિવર્તન આવ્યાં તેનું પ્રતિબિંબ સુલભ  ઈન્ટરનેશનલ આ ટોઈલેટ  મ્યુઝિયમમાં  ઝીલાયું  છે. પ્રાચીન  મધ્ય યુગના  અને  આર્વાચીન  પાયખાનાનાં ચિત્રો  અને પ્રતિકૃતિઓ  જોઈ ભલભલા અચંબામાં  પડી જાય. ખાડાવાળા, ડબ્બાવાળા, ખુરશી જેવા  પાયાવાળા,  રાજા-મહારાજાઓના ચાંદીના અને સોનાના પાયખાના  જોવા દૂરદૂરથી  લોકો  આવે છે.  વળી પાયખાનાને લગતાં કાર્ટૂનો, ચિત્રો, પાયખાનામાં જ પ્રેરણા મેળવી લખાયેલી કવિતાઓ, જુદા જુદા  દેશની  ટોઈલેટને  લગતી  રમૂજો  વગેરે ભીંતો  પર  વાંચીને મજા લઈ  શકાય  છે. અંગ્રેજીમાં  કહેવત છે કે બેટર લેટ ઘેન નેવર... આમાં  ફેરફાર કરીને  કહી શકાય કે  બેટર ટોઈ-લેટ ઘેન નેવર! આમેય જીવનનો માર્ગ છે  ખાનાથી  પાયખાના  સુધી. એટલે જ  લખાયું  છે ને કે જીવન કા મતલબ તો આના ઔર  જાના હૈ...

પંચ-વાણી

જનતા દેખાડે દેશભક્તિ

એકટરો દેખાડે ડ્રેસભક્તિ

કાળ બજારિયા દેખાડે કેશ-ભક્તિ

Gujarat
English
Magazines