mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

અનોખી ભેંસ-ભક્તિ: ઉનાળામાં ભેંંસોને માટે એ.સી.

Updated: May 24th, 2024

અનોખી ભેંસ-ભક્તિ: ઉનાળામાં ભેંંસોને માટે એ.સી. 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

ઉનાળાની આગ ઓકતી ગરમીમાં ત્રાહિમામ્ પોકારી ઉઠતા લોકો પંખા, એર કૂલર કે એર- કંડીશનનો આશરો લે છે. પણ અસહ્ય ગરમીમાં પશુ અને પ્રાણીઓની કેવી દશા થતી હશે? શહેરના ઝૂમાં તો રખેવાળો પ્રાણી ઉપર પાઈપથી પાણીના ફૂવારા ઉડાડી ઠંડક પહોંચાડતા હોય છે. બાકી ગામડામાં તો ગાય-ભેંસ નદી, તળાવ કે પછી પાણીના ખાબોચિયામાં ઉતરી ગરમીથી છૂટકારો મેળવે છે. હરિયાણામાં એક ભેંસભક્તને વિચાર આવ્યો કે જે ભેંસોનું દૂધ વેંચીને ગુજરાન ચલાવીએ છીએ એ ભેંસોને આવી ધગધગતી ગરમીમાં કેમ રખાય? એમને રાહત મળે એ માટે કંઈક કરવું જોઈએ.  ભેજામાં આ ઝબકારો થતાં તેણે તરત તબેલામાં એરકંડીશનો લગાડી દીધા. અપાર ઠંડકનો અનુભવ કરતી મુર્રા નસલની આ ભેંસો, કહેવાય છે કે, વધુ દૂધ આપવા માંડી. ભેંસો માટે એ.સી. તબેલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વીજળીની ઝડપે વાઈરલ થયો. ઘણાએ તો કમેન્ટ પણ કરી ભેંસ કેવી ભાગ્યશાળી! અમે પંખા નીચે બેઠા છીએ અને ભૈંસો ટેસથી એ.સી.ની ઠંડક મેળવે છે. આ એ.સી. તબેલાનો આઇડિયા જોઈને કહી શકાય કે દરેક દેશવાસીમાં દેશભક્તિ હોય જ છે, પણ આવી ભેંસ-ભક્તિ બહુ ઓછામાં જોવા મળે છે.

બેદરકાર ડોક્ટરે બાળકીની આંગળીને બદલે જીભ પર કાતર ફેરવી

ડોક્ટરની બેદરકારીનો હૈયું હચમચાવી નાખે એવા કિસ્સો કેરળમાં બની ગયો. ચાર વર્ષની બાળકીની છઠ્ઠી આંગળી ઓપરેશન કરી કાપી નાખવાની હતી તેને બદલે બેદરકાર અને બેધ્યાન ડોક્ટરે તેની જીભ ઉપર કાતર ફેરવી શસ્ત્રક્રિયા કરી નાખી! કોઝીકોડ શહેરની હોસ્પિટલમાં બાળકીની છઠ્ઠી આંગળી ઓપરેશન કરીને કાઢી નાખવાની હતી. બાળકીને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી. થોડીવાર પછી ઓપરેશન થિયેટરમાંથી બહાર આવવામાં આવી ત્યારે હાથને બદલે મોઢામાં ડ્રેસિંગ કરેલું હતું. આ જોઈ ચોંકી ગયેલા મા- બાપે સવાલ કર્યો કે આ શું કર્યું? ત્યારે નર્સે હસીને કહ્યું કે જીભમાં પ્રોબ્લેમ હતો એ સર્જરીથી સોલ્વ થઈ ગયો. ત્યારે મા-બાપે કહ્યું કે છઠ્ઠી આંગળી તો એમને એમ રાખી છે, એકસ્ટ્રા ફિંગર દૂર કરવાની સર્જરી કેમ ન કરી? ત્યારે બેદરકાર ડોક્ટરે ભૂલ સ્વીકારી અને ફરીથી ઓપરેશન થિયેટરમાં લઈ જઈ શસ્ત્રક્રિયા કરી આંગળી દૂર કરી. તબીબની ફરજ સૌથી ઉમદા ફરજ ગણાય છે, પરંતુ કેરળના બેદરકાર ડોક્ટર જેવા તબીબ ભટકાય ત્યારે કહેવું પડે કે-

તબીબના ઉમદા વ્યવસાયની

રાખજો જરા લાજ,

સમજી વિચારીને કરજો

દરદીનો ઇ-લાજ

ટેણિયો દારૂની દુકાન 

બંધ કરાવશે

ક્યારેકએવું બને કે માણસ ઉંમરલાયક થાય છતાં ઉંમરને લાયક વર્તન ન કરતો હોય. બીજી બાજું ઉંમર નાની હોય છતાં મોટું કામ કરી જાય. ઉત્તરપ્રદેશના એક શહેરમાં જ પાંચ વર્ષના માસુમનો કિસ્સો આ વાત સાબિત કરે છે. પ્રાયમરીમાં ભણતા આ માસુમે દારૂની દુકાન બંધ કરાવવાનું બીડું ઝડપ્યું. આ ટેણિયાએ હાઈકોર્ટમાં જનહિતની અરજી (પીઆઈએલ) કરી કે તેની સ્કૂલથી માત્ર વીસ ફૂટના અંતરે આવેલી દારૂની દુકાન બંધ થવી જોઈએ, કારણ કે દારૂની દુકાનને લીધે સ્કૂલના વિદ્યાર્થીઓ પર ખરાબ અસર થવાનો સંભવ છે. હાઈકોર્ટે તરત જ આ પીઆઈએલની ગંભીર નોંધ લીધી અને દારૂની દુકાનના લાયસન્સને રિન્યુ કરવાની વિધિ અટકાવી દીધી. હાઈકોર્ટે સવાલ કર્યો કે દર વર્ષે કઈ રીતે લાયસન્સ રિન્યુ કરવામાં આવે છે? આ શરાબની દુકાનના પરવાનાની મુદત ૩૧મી માર્ચ ૨૦૨૫માં પૂરી થાય છે તો ત્યાર પછી તેનું નવીનીકરણ કરવામાં ન આવે. આમ, એક એક નાના બાળકની લડત સફળ થઈ. આ કિસ્સો વાંચીને કહેવું પડે કે-

તન છોટું પણ કામ મોટું છે

દારૂ-દુકાનનું લાયસન્સ રિન્યુ કરવું ખોટું છે.

મેં તો આરતી ઉતારૃં રે સંતોષી માતા કી...

મેં તો આરતી ઉતારૃં રે.... સંતોષી માતા કી.... આજે સંતોષી માતાનો શુક્રવાર છે ત્યારે યાદ કરીએ 'જય સંતોષી માં' ફિલ્મને, જે ફિલ્મે ધાર્મિક ફિલ્મોના ઈતિહાસમાં અનોખો વિક્રમ નોંધાવ્યો હતો. ૧૫મી ઓગસ્ટ ૧૯૭૫માં ઓલ ટાઈમ હિટ 'શોલે' ફિલ્મ રિલીઝ થઈ હતી અને એજ દિવસે 'જય સંતોષી માં' ફિલ્મ રિલીઝ થઈ હતી. એક જ દિવસે રજૂ થયેલી આ બંને ફિલ્મોએ નવો ઈતિહાસ રચી દીધો હતો. 'જય સંતોષી માં' ફિલ્મને દર્શકોએ એટલી હદે વધાવી લીધી કે નાનાં ગામડાંના લોકો બળદગાડામાં અને ઘોડાગાડીમાં બેસી શહેરનાં થિયેટરોમાં ફિલ્મ જોવા જતા હતા. આ ફિલ્મ સાથે લોકોની આસ્થા એ હદે જોડાયેલી હતી કે ઘણાં તો થિયેટરમાં દાખલ થતાં પહેલાં બહાર પગરખાં ઉતારી નાખતા હતા. અમુક થિયેટરવાળાએ તો પ્રવેશદ્વાર પાસે જ માતાજીની નાની દેરી બનાવી હતી. ફિલ્મ પૂરી થયા પછી થિયેટરની અંદર અને બહાર ભક્તો પ્રસાદ વહેંચતા હતા. ફિલ્મમાં સંતોષી માતાની ભૂમિકા ભજવનારી અભિનેત્રી અનિતા ગુહાને વાસ્તવિક જીવનમાં પણ ઘણા લોકો માતાજી ગણતા હતા. એટલે અનિતા ગુહા બહાર નીકળે ત્યારે તેને પગલે લાવવા માટે પડાપડી થવા માંડી હતી. કવિ પ્રદીપજીએ લખેલાં ગીતો સંગીતકાર સી. અર્જુને સ્વરબધ્ધ કર્યા હતા. આ ગીત- સંગીત એટલાં બધાં લોકપ્રિય થયાં હતાં કે અડધી સદી વિત્યા છતાં આજે પણ ગવાય છે. આશ્ચર્યની વાત એ છે કે માત્ર ૨૫ લાખ રૂપિયાના નાના બજેટમાં બનેલી 'જય સંતોષી માં' ફિલ્મે પાંચ કરોડથી વધુ કમાણી કરી હતી. આ ફિલ્મની સુપ્પર ડુપ્પર સફળતાને પગલે નાના ગામથી માંડીને શહેરમાં માતાજીના મંદિરો બંધાઈ ગયા હતા. મલ્ટિસ્ટારર ફિલ્મ 'શોલે' સામે પડકાર રૂપ બની ગયેલી 'જય સંતોષી માં' ફિલ્મે અત્યાર સુધીમાં બનેલી ધાર્મિક ફિલ્મોમાં વધુમાં વધુમાં કમાણીનો વિક્રમ કર્યો હતો. પચાસ વર્ષથી વધુ સમય વિત્યા છતાં આજે પણ સંતોષી માતાના શુક્રવારે શ્રધ્ધાળુ બહેનોનાં હૈયાંમાં માતાજીનું ગીત ગુંજે છે: મેં તો આરતી ઉતારૃં રે... સંતોષી માતા કી.

નમોજી પાકને ફિરોઝાબાદની બંગડીઓ પહેરાવોજી

નાપાક, નબળા અને નપાવટ પાકિસ્તાનને જ્યારે હિન્દુસ્તાન ધાક દેખાડે ત્યારે તે શેખી કરે છે કે અમેય કાંઈ બંગડીઓ નથી પહેરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને  કાને પાકિસ્તાનની આ બંગડીની વાત પડતાંની સાથે જ પાકિસ્તાનને કાપો તો લોહી ન નીકળે એવી જબાનમાં સૂણાવ્યું કે 'ઓ હો હો... પાકિસ્તાને બંગડી નથી પહેરી? તો અમે પહેરાવીશું. એમાં ક્યાં મોટી વાત છે? પાકમાં ખાવા ધાન નથી, રોટી નથી એ ખબર છે, પણ પહેરવા બંગડી પણ નથી એ હવે ખબર પડી. ચિંતા ન કરતા, બંગડી અમે પહેરાવીશું.' નમોજીને યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સૂચન કરવું જોઈએ કે આખા ભારતમાં ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદની કાચની બંગડી વખણાય છે, તો ફિરોઝાબાદથી જ બંગડીના પાર્સલ પાકિસ્તાન રવાના કરીએ. ખૈર, ફિરોઝાબાદ સિટી ઓફ બેંગલ્સ એટલે કે ચૂડિયોં કા શહર તરીકે ઓળખાય છે. લગભગ બસો-અઢીસો વર્ષથી ફિરોઝાબાદમાં ઘેર ઘેર કાચની ચૂડીઓ બનાવવામાં આવે છે. 

હિન્દુસ્તાનમાં ચૂડીનો ખણખણાટ છેલ્લાં પાંચ હજારથી વધુ વર્ષથી સંભળાય છે. મોહેં-જો- દેરોના ખોદકામ વખતે પણ હાથમાં બંગડી પહેરેલી નર્તકીનું શિલ્પ હાથ લાગ્યું હતું. બંગડીઓ સોના, ચાંદી, લાખ અને કાસ્ટમાંથી પણ બનાવવામાં આવે છે. જોકે કાચની બંગડીઓ માટે ફિરોઝાબાદ જગમશહૂર છે. એટલે પાકિસ્તાનીઓને  ફિરોઝાબાદથી જ બંગડીઓ મોકલવી જોઈએ અને ચેતવણી રૂપે પાર્સલની ઉપર લખવું જોઈએ કે-

નબળાઈ છૂપાવવા કરશો જો

નાપાક હરકત

તો પહેરાવશું બંગડી,

વગર કારણે અવળચંડાઈ

કરી ભૂલેચૂકેય કનડગત કરશો

તો તોડશું તમારી ટંગડી

પંચવાણી

માનીતી પટરાણી

અણમાનીતી ખટ-પટરાણી

Gujarat