For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દાને દાને પે લીખા હૈ બચાનેવાલે કા નામ

Updated: Jun 25th, 2021

Article Content Image

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

કૃષિપ્રધાન ભારત દેશમાં અન્નનો કેટલો વેડફાટ થાય છે એનાં આંકડા પર અન્ન-સુરક્ષા દિને નજર કરીએ તો આંખો ફાટી જાય. આ અન્નનો જો બચાવ કરવામાં આવે તો કદાચ એક નાનકડા દેશના તમામ લોકોની ભૂખ ભાંગી શકાય. ખાનાની આ ખરાબી એટલે ખાના-ખરાબી કરતા ભણેલગણેલ અને માલેતુજારો અચકાતા નથી. પણ લંકામાં અન્નનો બગાડ કરવો એ અપરાધ ગણાય છે.

આ લંકા એટલે રાવણની સોનાની લંકાની વાત નથી. પરંતુ ઝારખંડ રાજ્યના લાતેહાર જિલ્લામાં નાનું ગામડું છે જેનુ નામ લંકા છે. આ ગામડામાં અન્નની  પૂજા થાય છે. ખાદ્યપદાર્થનો વેડફાટ કરે તેને દંડ થાય છે. આ દંડ પૈસા ચૂકવીને ભરવાનો નથી હોતો. પણ જે ઘરમાં અન્નનો બગાડ થયો હોય તે પરિવારના સભ્યોએ એકટાણુ કરીને ઇશ્વરની ક્ષમા માગવી પડે છે. આ ગામમાં એટલો સંપ છે કે એકબીજાના ઘરની પરિસ્થિતિથી વાકેફ હોય છે.

ઘરના સભ્યોની સંખ્યા અને પાળેલા પ્રાણી, પક્ષી, પશુની ગણતરી કરીને જ ભોજન બનાવવામાં આવે છે. આને લીધે છેલ્લાં લગભગ એક દાયકાથી અન્નના વેડફાટનો  એક પણ કિસ્સો બન્યો નથી. કદાચ કોઇ કારણસર જમવાનું વધી પડે તો જરૂરિયાતવાળાને અથવા તો પશુ-પ્રાણીને વહેંચી દેવાનું કહેવામાં આવે છે. જૂની કહેવત છે ને કે દાને દાને પે લીખા હૈ ખાનેવાલે  કા નામ. પણ લંકાના આ 'અન્નરક્ષકો'ને જોઇને કહી શકાય કે દાને દાને પે લીખા હૈ બચાનેવાલે કા નામ.

અગાઉ પણ લોકડાઉનનો અમલ થયેલો ?

કોરોનાએ પગપેસારો કર્યા પછી લોકડાઉન, ક્વોરન્ટીન, કન્ટેનમેન્ટ ઝોન જેવાં કૈંક અંગ્રેજી શબ્દો ચલણી બનાવી દીધા છે. ઇંગ્લિશ ભાષા ન જાણતા હોય એ પણ આ શબ્દથી વાકેફ થઇ ગયા છે. ઘણાને મનમાં સવાલ થતો હશે કે કોવિડ મહામારીનો ઉપદ્રવ શરૂ થયા પછી પહેલી જ વાર લોકડાઉન અમલમાં આવ્યો હશે ? તો તેનો જવાબ નકારમાં મળે. ૧૯મી અને ૨૦મી સદીમાં ભારત દેશ પરતંત્ર હતો. અંગ્રેજોનુું રાજ હતું. એ વખતે જયારે ખતરનાક પ્લેગ અને કોલેરાની બીમારીએ દેખા દીધી ત્યારે ટપોટપ માણસો મરવા માંડયા હતા. એ વખતે જે વિસ્તારમાં આ સંક્રામક બીમારીના વધુ કેસ જોવા મળે એ વિસ્તારને બ્રિટેશરો પ્રતિબંધિત જાહેર કરી દેતા.

અત્યારે લોકડાઉનમાં જેમ લાખોની સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો વતન ચાલ્યા ગયા હતા એવી રીતે નહી પણ બ્રિટેશરોએ વ્યવસ્થિત રણનીતિ ઘડેલી. મજૂરોને નાના જૂથમાં વતન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવતી. શહેરના પ્રતિબંધિત ક્ષેત્રમાં જે લોકો રહેતા હોય તેને અનાજ અને બીજી  ચીજોની તેમજ રોકડ રકમની સહાય અપાતી. શરત એટલી કે પ્રતિબંધિત વિસ્તારની બહાર ન જઇ શકતા. ત્યારે આ જાતના પ્રતિબંધ માટે લોકડાઉનને બદલે અંગ્રેજ હાકેમો  હોલી-ડે શબ્દ વાપરતા. જયારે એવું કહેવાય છે કે ક્વોરન્ટીન શબ્દનો ઉપયોગ ૧૪મી સદીમાં થયો. લેટીન શબ્દ ક્વૉડ્રાઝીન્ટા અને ઇટલી ભાષાના ક્વોરેન્ટા શબ્દની મિલાવટથી આ શબ્દ બન્યો.

એ વખતે યુરોપમાં પ્લેગની બીમારીએ યુરોપમાં હાહાકાર મચાવેલો. જયારે પરદેશથી  કોઇ જહાજ આવે ત્યારે તેમાં આવેલા પ્રવાસીઓને ૪૦ દિવસ એક જ જગ્યાએ નિગરાણી હેઠળ રાખવામાં આવતા. આને ક્વોરન્ટીન કહેતા. ત્યાર પછી ૧૬૪૫ની આસપાસ ડૉકટરો પ્લેગના દરદીની સારવાર માટે જતા એ ચામડાનો સુરક્ષાત્મક- સૂટ પહેરતા અને ચહેરા ઉપર પક્ષીની ચાંચના આકારનો માસ્ક પહેરતા. અત્યારે જ આધુનિક અને હવે તો અંદર ગરમી ન થાય માટે ફેનની વ્યવસ્થાવાળા પીપીઇ (પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ) સૂટ પહેરીને ડૉકટરો અને નર્સો તેમજ આરોગ્યકર્મીઓ કોરોનાના દરદીઓની સારવાર કરે છે. પણ આ આધૂનિક પીપીઇ સૂટના ચામડામાંથી બનેલા સૂટનો દેખાવ એવો ભયાનક લાગતો કે દરદી જોઇને છળી મરે. આખી દુનિયામાં લોકોની જીવનશૈલી બદલી નાખનારી કોવિડ મહામારીને જોઇ કહી શકાય ઃ

ઇસ મહામારીને

કયા કયા સીખાયા

કયા કયા દીખાયા

ઇસ મહામારીને

અપનો કો અજનબી બનાયા

ઔર અજનબીને હમે બચાયા.

વાહ ! તાપથી દોડે ટ્રેન

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ગરમીમાં હાલહવાલ  થઇ જાય છે. એરકંડિશન કોચમાં પ્રવાસ કરવાવાળાને કદાચ આ કલ્પના નહીં હોય. પણ નોનએસી કોચમાં ટ્રેનના ડબાનું છાપરૂં તપતું હોય અને ઘરઘરાટી બોલાવતા પંખામાંથી ગરમ હવા ફેંકાતી હોય ત્યારે ટ્રેનની સફર ખેરખર 'સફરિંગ' બની જાય. પણ કેરળમાં સૂરજના આ તાપથી ટચુકડી મજાની મિની - ટ્રેન દોડતી થઇ છે. તિરૂવનંતપુરમ પાસેના વેલી ટુરિસ્ટ વિલેજમાં દેશની પહેલવહેલી સૌરઉર્જા (સોલાર- એનર્જી)થી દોડતી મિની-ટ્રેન શરૂ કરવામાં આવી છે. મિની-ટ્રેનમાં ત્રણ ટચુકડી બોગીવાળી ટ્રેનમાં ૪૫ લોકો  પ્રવાસ કરી શકે છે અને અઢી કિલોમીટરના આ મજેદાર મુસાફરી કરી પ્રકૃતિનો આનંદ માણી શકે છે.

આમ તો આ પહેલા દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી સોલાર પાવરથી દોડતી ડેમુ (ડિઝલ ઇલેકિટ્રક મલ્ટીપલ યુનિટ) ટ્રેન શરૂ કરવામાં આવી હતી. આ ડેમુ ટ્રેનના છાપરા ઉપર ૧૬ સોલાર પેનલ લગાડવામાં આવી છે. આમ સૂર્યશકિતથી ટ્રેન દોડે છે. પણ સૌરઉર્જાથી દોડતી પ્રથમ મિની-ટ્રેનનું માન તો કેરળની 'ખીલોના ગાડી'ને જ મળ્યું છે. પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને જઇ રહ્યાં છે. વીજળી મોંઘી થતી જાય છે એવી વસમી વાસ્તવિકતા વચ્ચે ઇંધણના ખર્ચ વિના સૂરજના તાપથી ટ્રેનો દોડતી થાય તો કેટલો ફાયદો થાય ? 

રોટલીના લોટમાં થૂંકીને છૂટી ગયો

'અન્ન એવો ઓડકાર' કહેવત છેને ? અન્ન એવું મન એવુંય કહેવાય છે. આજે આખી દુનિયા પેટનો ખાડો પૂરવા જ બધી દોડધામ કરે છેને? એટલે જ એક શાયરે લખ્યું હતું કે : સબકા મસલા રોટી હૈ, યે દુનિયા કિતની છોટી હૈ ? ભૂખ્યાને રોટી ખવડાવવી એમાંય કેટલું પૂણ્ય છે ? પરંતુ રોટીદાન કરવાને બદલે મહેમાનો માટે રસોઇયો લોટનો પીંડો બાંધછે અને પછી એમાં થૂંકે ત્યારે કેવી ચીતરી ચડે ? ઉત્તર પ્રદેશના એક શહેરમાં આવી રીતે રોટલીના લોટનો પીંડો બાંધી એમાં થૂકતા શખસનો વિડીયો વાઇરલ થયા પછી કેટલાયે તેની ઊપર ફિટકાર ઘરસાવ્યો હતો.

લગ્નના જમણવારની તૈયારી કરતી વખતે આ શખસ થૂકતો જોવા મળ્યા પછી તપાસ થઇ. ચાર મહિના પહેલાં ૨૫ વર્ષના આરોપીની ધરપકડ કરવામાં આવી. કેન્દ્ર સરકારે તેની પર આકરો નેશનલ સિક્યોરિટી એકટ લાગુ કર્યો. જોકે રાષ્ટ્રીય અંગ્રેજી દૈનિકના અહેવાલ મુજબ કેન્દ્રના ગૃહ મંત્રાલયે રસોઇયા પર લાગુ કરવામાં  આવેલો નેશનલ સિક્યોરિટી એકટ પાછો ખેંચી લીધો અને રસોઇયાને છોડી મૂકવાનો યુપી પોલીસને આદેશ આપ્યો.

મુંબઇ જેવાં શહેરોમાં રસ્તા પર થૂંકે એને પણ આકરો દંડ થાય છે. એમાંય કોરોના કાળમાં તો રસ્તા પર થૂકવાવાળા પાસેથી લાખોની દંડની રકમ વસૂલ કરવામાં આવી હતી જયારે રોટલીના લોટમાં થૂકનારો છૂટી ગયો, બોલો !

હાથી મચાવે હાહાકાર ત્યારે ટાંકીનોજ આધાર

'શોલે' ફિલ્મમાં તો એકલો ધર્મેન્દ્ર પાણીની ટાંકી ઉપર ચડી ગયો અને કૂદી પડવાનું નાટક કરવા માંડયો ત્યારે આ તમાશો જોવા ગામ ભેગું થયું હતું એ સીન કેમ ભૂલાય ? પણ ગામડાવાળા ટપોટપ પાણીની જંગી ટાંકી ઉપર ચડી જાય અને આસપાસ  ચિંઘાડ નાખતા હાથીઓ ઘૂમતા જોઇને ભલભલાનાં હાંજા ગગડી જાય કે નહીં ? પણ છત્તીસગઢના કાંકેર જિલ્લાના ગામે એક - બે નહીં ૨૨ હાથીઓએ હુમલો કર્યો, કેટલાય કાચા ઘર પાડી નાખ્યા, કેળાની વાડીઓનો સોથ વાળી નાખ્યો, બધુ ખેદાનમેદાન કરી નાખ્યું. ત્યારે આ 'ગજદળ'થી બચવા માટે ગામડાના લોકો પાણીની મોટી ટાંકી ઉપર ચડી ગયા હતા.

છત્તીસગઢના ગ્રામ-વિસ્તારમાં હાથીઓના ઝુંડ અવાનવાર ધસી આવે છે. ત્યારે ગામલોકોએ જીવ બચાવવા આ રીતે પાણીની ટાંકીઓ પર, ઊંચી અગાશી પર કે છેવટે ઝાડ પર ચડી જઇને જીવ બચાવવો પડે છે. વૃધ્ધો જીવ બચાવવા ઊંચે ચડી ન શકે એટલે ફોરેસ્ટ ખાતાવાળા તેમને ઝૂંપડા કે ઘરની બહાર અગ્નિ પેટાવી રાખવાનું કહે છે. તોફાને ચડી ખાનાખરાબી કરતા હાથીઓએ અત્યાર સુધીમાં કેટલાય નિર્દોષ ગ્રામજનોને મોતને ઘાટ ઉતાર્યો છે. વળી આ હાથીઓ મહુડાના દેશી દારૂની નશીલી સુગંધથી પણ આકર્ષાઇને ઘણી વાર ધસી આવે છે. દેશી દારૂ બનાવવા મહુડાના ફૂલો પીપમાં ભરીને ભીંજવવા રાખ્યા હોય તેની તીવ્ર વાસથી પણ હાથીઓ ખેંચાઇ આવે છે.

હાથીને અવાજથી ડરાવી દૂર ભગાડવા ઘણાં લોકો ટ્રેકટરનું સાયલેન્સર કાઢી જોરદાર ઘરઘરાટી કરતા ટ્રેકટર હંકારી હાથીને જંગલમાં હાંકીી કાઢતા હોય છે. પણ આમ શાંતિપ્રિય ગણાતા હાથી ટ્રેકટરની ઘરઘરાટીથી ઉશ્કેરાઇને બીજી જગ્યાએ હુમલો કરી બેસે છે. એટલે આ રીતે ઘોંઘાટ કરી હાથીઓને ન ઉશ્કેરવાની ફોરેસ્ટ ખાતાએ ચેતવણી આપી છે. આ સિવાય ફટાકડા ફોડવાથી કે સળગતા દડા ફેંકવાથી હાથીઓ વધુ હિંસક અને આક્રમક બની જાય છે. પરંતુ જરા કલ્પના કરો કે એકાદ મહાકાય હાથી જો ગાંડો થાય તો બધુ ખેદાનમેદાન કરી નાખે. પણ છત્તીસગઢના જંગલોમાં તો લગભગ ૩૦૦ જેટલા હાથીઓ ઘૂમતા રહે છે. આ હાથીઓના ઝુંડ હુમલો કરે ત્યારે કેવી  દશા થાય ? ગામડાવાળા તો જીવ બચાવવા માટે ટાંકીઓ પર ચડીને ફફડતા હૈયે કહેતા પણ હશે :

હાથી મચાવે જયારે હાહાકાર

ત્યારે બસ છત અને  ટાંકીનો આધાર.

પંચ-વાણી

મારે મહામારી

જીવાડે મા-મારી

Gujarat