કેરળમાં વેચાય છે શુદ્ધ રોટી .
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
તુલસી ઈસ સંસાર મે ભાત ભાત કે લોગ... એ દોહામાં જાત જાતના લોકો માટે ભાત ભાત કે લોગ એવું કહેવાયું છે, પણ થાળી ભરીને અને પેટ ભરીને ભાત ખાવાવાળા લોકો કેરળમાં કે દક્ષિણના બીજાં રાજ્યોમાં જોવા મળે. જોકે હવે કેરળમાં પણ લોકો રોટલી તરફ વળવા માંડયા છે. અગાઉ કેરળવાસીઓ સવારે અને રાત્રે ભાત ખાતા હતા, પણહવે ડાયાબિટીસ જેવી બીમારીથી બચવા ધીમે ધીમે રાત્રે ભાતને બદલે રોટલી ખાવા માંડયા છે.
કેરળના મુખ્ય શહેર ત્રિવેન્દ્રમ (તિરૂવઅનંતપુરમ)માં તમે જાવ તો હારબંધ ગરમાગરમ રોટલીની દુકાનો કે રોટીખાના જોવા મળશે. બધી જગ્યાએ મલયાલમ ભાષામાં લખેલું હોય છેઃ શુદ્ધ રોટલીની દુકાન. શુદ્ધ રોટલીનો શું અર્થ થાય? રામ જાણે. આપણને જાણીને નવાઈ લાગે કે આ એક એક દુકાનેથી રોજ બે-બે હજાર રોટલીનું વેંચાણ થાય છે. દક્ષિણવાળા રોજિંદા આહારમાંઉત્તર ભારતની રોટીને સ્થાન આપવા માંડયા છે એમ ઉત્તર ભારતમાં દબદબો ધરાવતા ભાજપને રાજકીય રોટી શેકવા માટે ક્યારે મોકો આપશે?
રફુચક્કર થયેલા દુલ્હાને સ્થાને બીજા તત્કાળ વરરાજા
લગ્નો સ્વર્ગમાં જ નિર્માયાં હોય છે, પછી ગડબડ બધી ધરતી પર જ થતી હોય છે. રાજસ્થાનનાં લગ્નનો દાખલો સામે જ છેને? બે સગી બહેનોના એક માંડવે લગ્ન લેવાયાં હતાં.
નિર્ધારીત સમયે એક બહેનના વરરાજાની જાન વાજતેગાજતે આવી પહોંચી, પણ બીજા વરરાજાની જાન આવી જ નહીં. ત્રણ-ચાર કલાક વીત્યા છતાં બીજા દુલ્હાની બારાત ન આવી એટલે તપાસ કરતા ખબર પડી કે એ દુલ્હારાજા મેક અપ કરવાને બહાને નાસી ગયા હતા. મૂળ એને લગ્ન નહોતાં કરવા.
કન્યાના પરિવારજનોએ તત્કાળ રેલવે ટિકિટ મેળવવામાં આવે એમ તત્કાળ બીજા દુલ્હાની શોધખોળ કરવા માટે સગા-વ્હાલાને ફોન ઉપર ફોન કરવા માંડયા.
આમાં થોડો સમય વીત્યા પછી એક ઓળખીતાનો દીકરો ઘોડે ચડવા તૈયાર થઈ ગયો, પણ મોડું થતા એ ભાઈસાબને ઊંઘ આવી ગઈ. આમ છતાં તેને ઘઘલાવીને ઉઠાડયો અને તાબડતોબ લગ્ન-મંડપમાં હાજર કરવામાં આવ્યો. પછી તો રંગેચંગે લગ્ન-સંપન્ન થયાં અને બન્ને દીકરીઓને સજળ નયને વિદાય આપવામાં આવી.
આ અજબ લગ્ન-પ્રસંગનો કિસ્સો જાણી કહેવું પડે કે-
જેના ભાગ્યમાં નહોતી
દુલ્હન એ ભાગ્યો,
તો તત્કાળ દુલ્હારાજાનો
નંબર ઓચિંતો લાગ્યો.
આન્સર પેપરમાં જય શ્રીરામ લખી ૫૬ માર્કસ મેળવ્યા
ઉત્તરપ્રદેશની વાત જ અનોખી છે. ફાર્મસીની પરીક્ષામાં ચાર વિદ્યાર્થીઓએ જયશ્રી રામ અને ક્રિક્ટરોનાં નામ લખી લખીને ૫૬ માર્કસ મેળવ્યા હતા અને પાસ થઈ ગયા હતા. જરા વિચાર કરો કે ફાર્મસીના વિષયને લગતા પ્રશ્નોના જવાબ લખવાને બદલે જૌનપુરના એક વિદ્યાલયના આ વિદ્યાર્થીઓએ જય શ્રીરામ અને તથા ક્રિકેટરો વિરાટ કોહલી, રોહિત શર્મા અને હાર્દિક પંડયાનાં નામો લખી પેપર ભરી દીધું હતું.
વિદ્યાપીઠના એક ભૂતપૂર્વ વિદ્યાર્થીૂએ માહિતી અધિકાર કાનૂન હેઠળ જ્યારે માહિતી માગી ત્યારે આ હકીકત બહાર આવી હતી. પછી તો આ ચાર વિદ્યાર્થીઓને પાસ કરનારા શિક્ષકો સામે પણ પગલાં લેવામાં આવ્યાં. ઉત્તર પ્રદેશનો આ ઉત્તર-પત્રિકાનો કિસ્સો જાણી કહેવું પડે કે-
સહુને રામ નામે હાશ થાય છે
તો કોઈ રામ નામે પાસ થાય છે.
સૌથી શ્રીમંત મંદિરની દાનની આવકમાં અધધધ વધારો
તિરૂપતિ બાલાજી મંદિરની ગણના દુનિયાના સૌથી શ્રીમંત મંદિર તરીકે થાય છે. તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ્ ટ્રસ્ટ તરફથી આ વર્ષે ૧૧૬૧ કરોડની એફડી (ફિક્સ ડિપોઝીટ) જમા કરવામાં આવી છે. આ સાથે જ અત્યાર સુધીમાં બેન્કોમાં જમા ફિક્સ-ડિપોઝીટની રકમનો આંકડો ૧૩,૨૮૭ કરોડ ઉપર પહોંચ્યો છે. ટ્રસ્ટને એફડીના વ્યાજ પેટે દર વર્ષે ૧૬૦૦ કરોડ રૂપિયા મળે છે.
આ ઉપરાંત ટ્રસ્ટે તાજેતરમાં જ ૧૦૩૧ કિલો સોનું બેન્કમાં જમા કરાવ્યું છે. આ સાથે મંદિરના ખજાનામાં ૧૧,૩૨૯ કિલો સોનું જમા થયું છે.
ઓલ્ડમેન-ગોલ્ડમેન
ખૈકે પાન બનારસવાલા ખુલ જાયે બંધ અકલ કા તાલા...એ ઝમકદાર ગીત ફેરવીને ગાવું પડશે કે ખૈકે પાન બિકાનેરવાલા ખુલ જાયે બંધ અકલ કા તાલા... કારણ, બિકાનેરની મેઈન માર્કેટની પાનની નાનકડી દુકાનમાં સોનાથી લદાયેલા એક પ્રભાવશાળી બાબાજીને પાન બનાવતા જોઈને ભલભલાની અક્કલ કામ નથી કરતી. ઓલ્ડ ઈઝ ગોલ્ડ કહેવાય છે, પણ આ બાબાજી ઉંમરમાં ઓલ્ડ છે અને શરીર ઉપર લગભગ બે કરોડનું ગોલ્ડ પહેરીને બેસે છે. ફૂલચંદ બાબાને સોનું પહેરવાનો એટલો શોખ છે કે ગળામાં સોનાના હાર, બંને હાથમાં સોનાના કડા, કાનમાં સોનાના વજનદાર કુંડળ સહિત બે કિલો સોનાનાં આભૂષણ પહેરીને પાનની દુકાનમાં બેસે છે.
આ દુકાન લગભગ ૯૩ વર્ષ જૂની છે. ગોલ્ડન બાબાની દુકાને મળતા જાત જાતના પાન ખાવા માટે દૂર દૂરથી લોકો આવે છે. સોશિયલ મીડિયામાં ઓલ્ડમેન અને ગોલ્ડમેનનો વિડિયો વાઈરલ થયા પછી તો બહારગામથી પણ પાન-શોખીનો બિકાનેર આવવા માંડયા છે અને મનોમન ગાવા માંડયા છે - ખૈકે પાન બિકાનેરવાલા.
પંચ-વાણી
અચ્છે કો મત દો
બુરે કો કભી 'મત' દો