For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અસલી-નકલી માણસના ભાગ્યમાં જશ રેખા, કૂતરાના ભાગ્યમાં ભસ-રેખા

Updated: Apr 5th, 2024

અસલી-નકલી માણસના ભાગ્યમાં જશ રેખા, કૂતરાના ભાગ્યમાં ભસ-રેખા

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

માણસના ભાગ્યમાં જેમ જશ રેખા હોય છે એમ કૂતરાના ભાગ્યમાં ભસ-રેખા હોય છે. કૂતરાં પાળેલાં હોય કે શેરીનાં રઝળેલા હોય, ભસ્યા વગર રહી જ ન શકે. ભસવાની પણ ભાષા હોય છે. ડોગ-સ્કવોડના કે બોમ્બ-સ્કવોડના સ્નિફર-ડોગ ભસીને જોખમનો સંકેત કરે છે. સ્નિફર ડોગના ટ્રેનર તરત તેની ભસવાની ભાષા પારખી લે છે. 

આવી જ રીતે પાળેલા શ્વાનના માલિક પણ ભસીને તે શું કહેવા માગે છેે એ સમજી જાય છે. આને ભાષાંતર નહીં પણ ભસાંતર કહેવાય. હમણાં એક વાઈરલ થયેલા વીડિયોમાં અસલી અને નકલી કૂતરાની  સામસામી ભસાભસનો મજેદાર ખેલ જોવા મળ્યો. આ નકલી શ્વાન એટલે રોબોટિક ડોગ.  કાનપુર આઈઆઈટીએ બનાવેલા રોબોટિક ડોગને મેદાનમાં છૂટો મૂકવામાં આવ્યો ત્યારે અસલી કૂતરા તેને જોઈ ડરી ગયા. પછી તો બન્ને એવા ભીડી ગયા  કે સામસામે ભસાભસ કરવા માંડયા.

 યંત્રમાનવ જેવા આ અજબ યંત્રશ્વાનની હરકત જોઈને સાચો કૂતરો બીકનો માર્યો ભસતો જાય અને ઠેકતો જાય. માનવની દુનિયામાં પણ જે સાચા હોય છે એને ખોટા જ ડરાવે છેને? બાકી તો સુખી થવું હોય તો ઈન્સાન હસતા રહે અને ચોપગાની દુનિયામાં દુઃખી થવું હોય એ-શ્વાન ભસતા રહે. ખેર, નો-પાર્કિંગની જેમ નો-બાર્કિંગનાં બોર્ડ થોડાં જ લગાડી શકાય છે!

પાર્કિંગની ખરી પળોજણ

શહેરોમાં વાહન ખોટી રીતે પાર્ક કર્યા હોય તો પાલિકાવાળા કે ટ્રાફિક પોલીસ ખાતાવાળા ક્રેનથી વાહન ઉપાડી જતા હોય છે.  ટુ-વ્હીલર નો-પાર્કિંગમાં ઊભા રાખ્યાં હોય તો વ્હીલમાં ક્લેમ્પ લગાડી દેવામાં આવે છે. પરંતુ દિલ્હી નજીક નોએડામાં અજબ દ્રશ્ય જોવા મળ્યું. એક બુઝુર્ગ દંપતી પોતાની કારમાં બેઠું હતું ત્યારે ક્રેનવાળી ટોઈંગ-વેન આવી અને કારને ક્રેનથી ઉપાડી લઈ જવા માંડી. આ જોઈને આજુબાજુના લોકોએ ઊહાપોહ મચાવ્યો, ત્યારે ટોઈંગ-વેન ઊભી રાખવામાં આવી. 

પાર્કિંગ-લોટ સંભાળતા કોન્ટ્રેક્ટરોની વધતી જતી દાદાગીરીનુ વધુ એક પ્રમાણ મળી ગયું. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયા પછી નોએડા પ્રાધિકરણ સફાળું જાગ્યું અને પાર્કિંગ લોટ સંભાળતા સંચાલકને ૫૦ હજારનો દંડ ફટકાર્યો, એટલું જ નહીં, સંચાલકને કાળી યાદીમાં  મૂકી દેવામાં આવ્યો હતો. આ જોઈ કહેવું પડે કે-

વડીલો સાથેની કારને ખેંચવાના

કરે જે કાર-નામા,

એવા વહેલા-મોડા આવી 

જાય ધામા.

કાર અને સરકારના

કાર-નામા

ધક્કે કે બિના ચલે ઉસે અચ્છી કાર યા સરકાર કહતે હૈ... સદભાગ્યે ભારતના રસ્તા ઉપર કરોડો કાર અને સર-કાર ધક્કા વગર ચાલે છે. ભારતના ભાગલા પડયા અને પાકિસ્તાનનો કટકો છૂટો પડયો ત્યારબાદ પાકિસ્તાન છેલ્લાં પોણોસો વર્ષમાં સાઈકલ પણ નથી બનાવી શક્યું, જ્યારે ભારત કાર જ નહીં, પણ સબમરીન અને પ્લેન બનાવવા માંડયું છે. કારની વાત આવે ત્યારે સવાલ થાય કે ભારતમાં પહેલી કાર ક્યારે દોડતી થઈ હશે? એનો જવાબ છે ભારતમાં પહેલી કાર ૧૮૯૭માં આયાત કરવામાં આવી હતી. આ પહેલી કાર ફોસ્ટર નામના એક અંગ્રેજે ખરીદી હતી. ત્યાર પછીના વર્ષે પહેલાં ભારતીય તરીકે જમશેદજી ટાટાએ ખરીદી હતી. ત્યાર પછી કાર ઉત્પાદન  માટેની પહેલી કંપની હિન્દુસ્તાન મોટર્સ ૧૯૪૨માં કલકતામાં સ્થપાઈ હતી. કારના કાર-નામા જાણીને કહી શકાય કે પેટ્રોલથી ચાલે કાર, પાર્ટીથી ચાલે સર-કાર. કારની ક્યારેક ટક્કર થાય વૃક્ષ સાથે, સરકારની ટક્કર થાય વિપક્ષ સાથે. કારને ગાડી પણ કહે છેને? એટલે ઘણાની ગાડી મેળવવાની ઈચ્છા હોય, તો કોઈની ગાદી મેળવવાની ઈચ્છા હોય. કોઈ સરકારમાં જે મુખ્ય ચાલક હોય એ બેફામ કાર હંકારવા માંડે ત્યારે કહેવું પડે કે અહં-કારની કાર ન હં-કાર.

સંતાઈને દુશ્મનોને વીંધવા સજ્જ લેડી સ્નાઈપર

ચૂપ ચૂપ ખડે હો જરૂર કોઈ બાત હૈ, પહેલી મુલાકાત હૈ યે પહેલી મુલાકાત હૈ... દાયકાઓ જૂની 'બડી બહન' ફિલ્મના આ ગીતમાં ચુપ ચુપ ઊભી રહેલી હિરોઈનને સંબોધીને  ગવાયું હતું, પણ વાસ્તવિક જીવનમાં  ગીતના શબ્દો જરા ફેરવીને ગાવા પડે કે છૂપ છૂપ ખડે હો જરૂર કોઈ બાત હૈ... કારણ કે ઝાડી-ઝાંખરા વચ્ચે કે ઘોર જંગલમાં છુપાઈને પાવરફુલ ગન લઈ ઊભી રહેતી દેશની પહેલી મહિલા સ્નાઇપર દુશ્મનોને વીંધી નાખવા સજ્જ થઈ ગઈ છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સની સબ-ઈન્સ્પેક્ટર સુમનકુમારીએ ઈન્દોરની બીએસએફ સેન્ટ્રલ સ્કૂલ ઓફ વેપન્સ એન્ડ ટેક્ટિક્સની કઠોર તાલીમ લઈ દેશની પહેલી લેડી સ્નાઇપર બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. 

સ્નાઇપર છુપાઈને ધાર્યુ નિશાન વીંધવાની કાબેલિયત ધરાવે છે. સ્નાઇપર બનવાની ફાઈનલ ટ્રેનિંગમાં ૫૬ પુરૂષો સાથે એક માત્ર મહિલા સુમનકુમારી હતી. આ બધાને પાછળ રાખી સુનમકુમારીએ અવ્વલ સ્થાન મેળવ્યું હતું. હવે ભારત-પાકિસ્તાનની સીમા પરથી ઘૂસણખોરીની ફિરાકમાં હોય એવા આતંકવાદીઓને વીંધી નાખવા માટેે આ લેડી સ્નાઇપર તૈયાર થઈ ગઈ છે.  આ જોઈને કહેવું પડે કે-

નારી કભી ન હારી

દુશ્મનો કો પડેગી ભારી.

ડબલ-એન્જિનવાળી ગાદી, 

છ એન્જિનવાળી ગાડી

ગઠબંધનના ને સાંઠગાઠના આજના મિલાવટી રાજકારણમાં જુદા જુદા બે પક્ષના નેતા સત્તા ખાતર હાથ મિલાવે ત્યારે એવું કહેતા હોય છે કે હવે ડબલ-એન્જિન સરકાર આવી છે. મહારાષ્ટ્ર જેવા રાજયમાં ત્રણ પક્ષના જોડાણથી મહાયુતિ સરકાર રચાઈ તેને ત્રણ એન્જિનની સરકાર પણ કહેવામાં આવે છે. સત્તાની ગાદી માટે બે કે ત્રણ એન્જિનની સરકાર રચાય એમાં હવે કાંઈ નવાઈ જેવું નથી. પરંતુ ગાદી માટે નહીં, પરંતુ ગાડીને ખેંચવા છ-છ એન્જિન લગાડવા પડે ત્યારે કેવું આશ્ચર્ય થાય! આશ્ચર્ય થયા વિના ન રહે એવી ભારતની નહીં, પણ દુનિયાની સૌથી લાંબી ટ્રેન સુપર વાસુકી ગુડઝ ટ્રેનને ખેંચવા માટે છ પ્રચંડ શક્તિશાળી એન્જિન જોડવામાં આવે છે. પાંચ ગુડઝ-ટ્રેન ભેગી કરવામાં આવી છે. આમ, માલગાડીના ૨૯૫ ડબ્બાને ખેંચવા માટે છછ્છ એન્જિનની જ જરૂર પડેને! છત્તીસગઢના કોરબા અને નાગપુર વચ્ચે પાવર જનરેશન પ્લાન્ટમાં વપરાતા  કોલસાનું વહન કરતી આ લાં...બી માલગાડીની લંબાઈ લગભગ સાડા ત્રણ કિલોમીટર છે.

 એક જ ફેરામાં આ ગુડઝ ટ્રેન ૨૭ હજાર ટન કોલસાનું વહન કરે છે. ૨૬૭ કિલોેમીટરનું અંતર આ માલગાડી ૧૧ કલાકમાં પૂરૃં કરે છે. ભગવાન શંકરે ગળામાં ધારણ કરેલા વાસુકી નાગ પરથી આ ટ્રેનને સુપર વાસુકી નામ આપવામાં આવ્યું છે. જરા વિચાર કરો કે આટલી લાંબી ટ્રેન અધવચ્ચે ખોટવાય ત્યારે ટ્રેનના ગાર્ડે પાટા ઉપર સાડાત્રણ કિલોમીટર ચાલીને મુખ્ય એન્જિનના ડ્રાઈવર સુધી પહોંચવું પડતું હશેને? મુંબઈમાં તો બે સબર્બન સ્ટેશનો વચ્ચેનું અંતર હોય છે એટલી લાંબી તો આ ટ્રેન છે.

પંચ-વાણી

હસે એ સહુના દિલમાં વસે

ભસે એનાથી સહુ આઘા ખસે.

Gujarat