મૈસૂરમાં મળી રાવણની પ્રાચીન પ્રતિમાઓ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
દેશભરમાં ઠેર ઠેર પ્રભુ રામના મંદિરો છે. અયોધ્યાની રામજન્મ ભૂમિમાં બાબરીનો ઢાંચો પાડીને ઊભું કરવામાં આવેલું ભવ્ય રામ-મંદિર દેશ વિદેશના રામભક્તોની અવરજવરથી ધમધમતું રહે છે. પણ દેશના અમુક વિસ્તાર એવાં છે જ્યાં મહાબલશાલી અને વિદ્વાન દશાનન રાવણના મંદિર છે જ્યાં લંકેશ પૂજાય છે. આવું એક મંદિર કર્ણાટકના મૈસુરના માંડયામાં છે. માંડયા વિસ્તારની ત્રણેક સાઈટ રામાયણ કાળ સાથે સંકળાયેલા પુરાવા ધરાવે છે. પુરાતત્ત્વ વિભાગ તરફથી તાજેતરમાં જ ઉત્ખનન કરવામાં આવતા જમીનમાંથી રાવણની ૨૩ પ્રતિમાઓ મળી આવી હતી. આને લીધે સ્થાનિક લોકોમાં રાવણ પ્રત્યેની શ્રદ્ધા વધુ દ્રઢ બની છે. બાકી તો માનવ મનમાં જ રામ -રાવણનું યુદ્ધ અ નાદી કાળથી ચાલે છે. મનમાંથી રાવણને હરાવી સત્કર્મો કરી મન-મંદિરમાં રામની પ્રતિમાની સ્થાપના કરવાની છે. બાકી તો રામ-મંદિરમાં દાન -ચોરી અને ધરમના ધામમાં ધનના ધતીંગના કિસ્સા બહાર આવે છે, પણ દક્ષિણ ભારત, મધ્ય પ્રદેશ કે બીજી જગ્યાએ ક્યાંક ક્યાંક રાવણના મંદિરો છે એમાં ક્યારેય ધરમની આડમાં ખોટા કરમના કિસ્સા સાંભળ્યા છે? મને તો ગુજરાતને ગાતું કરનારા અવિનાશ વ્યાસનું પ્રભુ તારી મંડાણી દુકાન એ ગીતની પંક્તિ યાદ આવે છેઃ
ધનવાનોએ ભગવાનોનો
શું ઈજારો રાખ્યો?
પુણ્ય-પાપનો દોર પ્રભુ શું
નાણાંથી રહે આંક્યો?
પૈસાથી પકવાન મળે,
તુજ અન્નકૂટ પકવાન
પ્રભુ તારી મંડાણી દુકાન.
કુંવારા તળાવના ધામધૂમથી લગ્ન
પરાપૂર્વથી સ્ત્રી-પુરૂષના લગ્ન થતા આવ્યા છે. પરંતુ તળાવના ધામધૂમથી લગ્ન થાય એવું માન્યામાં આવે? પણ તળાવના ધામધૂમથી લગ્નની આ ઘટના બિહારના મિથિલાંચલમાં સામે આવી છે. બિહારમાં એવી માન્યતા છે કે નવું તળાવ ખોદાય અને એમાં પાણી ભરાય ત્યારે એ કુંવારૃં હોય છે. જ્યાં સુધી કુંવારા તળાવના લગ્ન ન કરવામાં આવે ત્યાં સુધી તેનું જળ પીવાલાયક કે ખેતીલાયક ગણાતું નથી. તાજેતરમાં જ મિથિલાંચલના એક જમીનદારે તળાવ ખોદાવ્યા પછી તેના પોખરી વિવાહ થયા હતા. પોખર એટલે તળાવ, તળાવ પરણે એને કહેવાય પોખરી વિવાહ. આ લગ્નમાં કેળના છોડને દુલ્હન બનાવી પુરોહિતના મંત્રોચ્ચાર વચ્ચે તળાવના લગ્ન થયા હતા. પહેલાં તો તળાવના કિનારે સિંદુર મૂકવામાં આવ્યું,ત્યાર પછી કેળના છોડને નમાવીને તેની ઉપર સિંદૂર લગાડવામાં આવ્યું અને આમ સાજન માજનની હાજરીમાં ધામધૂમથી તળાવરાજા અને કેળ રાણીના લગ્ન થઈ ગયા. હવે આ તળાવનું પાણી પીવા માટે, ખેતી માટે અને પવિત્ર ધાર્મિક વિધિ માટે ઉપયોગમાં લેવાની શરૂઆત થઈ ગઈ છે. આ વિધિ જોઈને કહેવું પડે કેઃ
કુંવારા તળાવ અને કુંવારી
કેળના લગ્નની વાત જાણી
આ અનોેખી વિધિ પછી
સહુ ખોબલે ખોબલે પીશે પાણી.
ભેંસ સામે બીન વગાડી
મન ડોલે મેરા તનડોલે… મદારી બીન વગાડે ત્યારે સાપ ડોલે. પણ સાપને બદલે ભેંસ સામે કોઈ બીન વગાડે તો ભેંસ ક્યાંથી ડોલે? ભેંસ આગળ ભાગવત એવી આપણામાં કહેવત છે એવી હિન્દીમાં કહેવત છે ભેંસ કે આગે બીન બજાના. ટૂંકમાં બીન વગાડો તો ભેંસને કોઈ ફરક પડતો નથી. આ કહવત મુજબ થોડા સમય પહેલાં જ મધ્ય પ્રદેશના સરકારી કર્મચારીઓની માગણી સરકાર કાને નહોતી ધરતી ત્યારે કર્મચારીઓએ આંદોલન કરી ભેંસની સામે બીન વગાડી એવું દેખાડવાનો પ્રયાસ કર્યો હતો કે જેમ ભેંસ બીનનો અવાજ સાંભળતી નથી એમ સરકાર કર્મચારીઓની માગણીઓ કાને નથી ધરતી પછી તો ભેંસ સામે બીન વગાડવાના આ નુસ્ખાની વિડિયો એવી વાઈરલ થઈ કે પછી તો ઘણી જગ્યાએ ભેંસ કે સામને બીન… આંદોલનો થવા માંડયા છે. ભેંસભક્તિ ખરો રંગ લાવી છે.
શબ્દના બદલે
સીસોટી વાગે
ટ્રેનની વ્હીસલ વાગે, સ્ટીમરની વ્હીસલ વાગે, સ્ટેશન માસ્ટરની વ્હસલ વાગે ત્યારે ટ્રેન સડસડાટ ભાગે. પરંતુ કોઈ રસ્તે જતી યુવતીને જોઈ છેલબટાઉ યુવક વ્હીસલ વગાડે તો તેણે માર ખાવો પડે. ફિલ્મ સંગીત ક્ષેત્રે ગીતોના મ્યુઝિકમાં વ્હીસલ એટલે સીટીનો ખૂબીપૂર્વક અને કર્ણપ્રિય ઉપયોગ થાય છે. આ રીતે વ્હીસલ વગાડવામાં માહેર કેટલાંક વ્હીસલિંગ વિઝાર્ડ આજે પણ સંગીત ક્ષેત્રે સક્રિય છે.ગામમાં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોય તેની સામે અવાજ ઉઠાવી કૌભાંડનો પર્દાફાશ કરે એ વ્યક્તિને માટે ઈંગ્લિશમાં શબ્દ વપરાય છે વ્હીસલ-બ્લોઅર પરંતુ મેઘાલયમાં કોંગથોંગ નામનું એક ગામ છે જ્યાંના લોકો બોલીને નહીં પણ સીટી વગાડીને એકબીજા સાથે કોમ્યુનિકેટ કરે છે. ૯૦૦ની વસતી ધરાવતું કોંગથોંગ દુનિયાનું એક માત્ર વ્હીસલિંગ વિલેજ છે. ગામના લોકોનો વહેવાર સીટીથી જ ચાલે છે. આનંંદ, શોક, ક્રોધ જેવી કોઈ પણ લાગણી જુદા જુદા પ્રકારે સીટી વગાડીને દર્શાવે છે. બાળક જન્મે ત્યારે માતા તેના કાનમાં સીટીની ધૂન વગાડે છે. બસ ધૂન જ બાળકનું નામ અને ઓળખ બની જાય છે. એટલે આ ગામમાં જઈને અલ બેલા ફિલ્મનું મસ્તીભર્યું ગીત ગાઈ ન શકાયઃ શામ ઢલે ખીડકી તલે તું સીટી બજાના છોડ દે…
લાંબાલચક નામનું
શું કામ?
જૂના અને લોકજીભે ચડેલા અમુક સ્ટેશનોના નામ બદલીને એટલા લાંબાલચક કરી નાખવામાં આવ્યા છે કે વાત ન પૂછો. સ્ટેશનની ટિકિટબારી પર જઈને આ સ્ટેશનનું નામ બોલીએ ત્યાં સુધીમાં કદાચ ટ્રેન પણ ઉપડી જાય. જો કે આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લાના એક સ્ટેશનનું તો પહેલેથી જ સૌથી લાંબુ નામ છે. આ સ્ટેશનનું નામ છે 'વેંકટનરસિમ્હરાજુ વરિપેટા.' ગુજરાતીમાં ૧૪ અક્ષર અને અંગ્રેજીમાં ૨૮ અક્ષરનું આ નામ કેટલું લાંબુ કહેવાય? નામ બોલીને લાંબા થઈ જવાય. એના કરતાં આપણાં ગુજરાતનું ઓડ અને ઓડિશાનું ઈબ સ્ટેશન છે એના નામમાં માત્ર બે અક્ષર છે. લાંબાલચક નામને બદલે ટૂંકા અને ટચી નામ જ બોલવા ફાવેને?
પંચ-વાણી
ગામ નામ સત્ય હૈ. મહારાષ્ટ્રના કિન્હવલી તાલુકાના ગામનું નામ છેઃ ગુંડે.









