Mehsana

ટેન્કરમાં ભરેલા જોખમકારક સ્પેંટ એસિડના બિનઅધિકૃત નિકાલના ષડયંત્રનો પર્દાફાશ

By GS Team
26 Nov 20263 mins read
TukuTouch Logo
કડી તાલુકાના ઇન્દ્રાડ ગામ નજીક આવેલા કમલા અમૃત ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાંથી માનવ જીવનને જોખમી સ્પેન્ટ એસિડ ભરેલું ટેન્કર ગેરકાયદેસર રીતે નિકાલ કરવા જઈ રહ્યું હતું. મહેસાણા પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની ટીમે પીછો કરી બોરીસણા ગામ નજીક ટેન્કરને પકડી પાડ્યું હતું. આ કેસમાં 4 આરોપીઓ સામે પર્યાવરણ સુરક્ષા અધિનિયમ હેઠળ ગુનો નોંધી, ₹15 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેન્કરમાં ભરેલા જોખમકારક સ્પેંટ એસિડના બિનઅધિકૃત નિકાલના ષડયંત્રનો પર્દાફાશ

Kadi Spent Acid Tanker Seized: કડી તાલુકાના ઈન્દ્રાડ ગામ સ્થિત કમલા અમૃત ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી માનવ જીવન અને સ્વાસ્થ્ય માટે ગંભીર રીતે જોખમકારક સ્પેંટ એસિડનો જથ્થો ભરેલું ટેન્કરનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવા નીકળ્યું હતું. મળેલી બાતમીના આધારે મહેસાણા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે તેનો પીછો કર્યો હતો. રસ્તામાં સ્પેંટ એસિડ ભરેલું ટેન્કર કડી તાલુકાના બોરીસણા ગામ નજીક થોભાવીને તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલે ઝડપાયેલા ટેન્કર ચાલક અને એકમના સંચાલકો સહિત ચાર શખ્સો વિરુદ્ધ નોંધાવાયેલ પોલીસ ફરીયાદના આધારે પર્યાવરણ સુરક્ષા અધિનિયમ સહીતની જોગવાઈ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કડી નજીક જીપીસીબીનો સપાટો: સ્પેંટ એસિડ ભરેલું ટેન્કર ઝડપાયું

મહેસાણા ખાતેની જીપીસીબી કચેરીની ટીમ કડી તાલુકાના ઈન્દ્રાડ ગામની આસપાસમાં મળેલી બાતમીના આધારે વોચમાં હતી. તે દરમિયાન તા. 23/11/2026 ના રોજ બપોરના સુમારે કમલા અમૃત ઈન્ડસ્ટ્રીયલ પાર્ક તરફથી એક ટેન્કર નીકળ્યું હતું. જેથી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની ટીમે તેનો પીછો કર્યો હતો. આ ટેન્કર અમદાવાદથી મહેસાણા હાઈવે પર થઈને છત્રાલ બ્રીજ નીચેથી કડી તરફ આવ્યું હતું. ત્યારબાદ કડીથી થોળ હાઈવે તરફ આગળ રવાના થયું હતું. ત્યારે રસ્તામાં આ ટેન્કરને કડી તાલુકાના બોરીસણા ગામ પહેલાં રોકીને જીપીસીબીની ટીમે ટેન્કરમાં તપાસ કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આછું લાલાશ પડતું સ્પેંટ એસિડ હોવાનું જણાયું હતું. જેથી પૃથ્થકરણ માટે એસિડનો નમૂનો લેવામાં આવ્યો હતો. ટેન્કર ચાલક શકીલ ખાન નૌશાદ ખાન રહે, કુશીનગર, ઉત્તર પ્રદેશની પૂછપરછ કરતાં તેણે અમદાવાદના રવિભાઈ પટેલ દ્વારા આ સ્પેંટ એસિડ કચ્છ ખાતે પહોંચાડવાનું જણાવાયું હતું. તેની પાસેથી બિલ સિવાય અન્ય કોઈ મેનિફેસ્ટ કોપી કે દસ્તાવેજી પુરાવા મળી આવ્યા નહોતા.

જોખમી એસિડના ગેરકાયદે નિકાલના ષડયંત્રમાં ચાર શખ્સો સામે ગુનો, રૂ.15 લાખનો મુદ્દામાલ જપ્ત

આ સંદર્ભે મદદનીશ પર્યાવરણ ઈજનેર અને વૈજ્ઞાનિક અધિકારીની વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, આ ટેન્કર ઈન્દ્રાડના કમલા અમૃત ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થિત સોમનાથ ઈન્ડસ્ટ્રીઝમાંથી નીકળ્યું હતું. ડાઈ અને ડાઈ ઈન્ટરમિડિયેટ્સનું ઉત્પાદન કરતી આ કંપનીએ જીપીસીબીની મંજૂરી મુજબ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા સ્પેંટ એસિડનો સિમેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં મેનિફેસ્ટ મારફત નિકાલ કરવાનો હોય છે. પરંતુ માનવ જીવન અને સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે તેવા આ સ્પેંટ એસિડનો જમીન, ભૂગર્ભ, નદી કે તળાવમાં ગેરકાયદે નિકાલ કરવાના ષડયંત્ર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે જોખમી એસિડ ભરેલ ટેન્કર અને તેના ચાલકને કડી પોલીસને સોંપવામાં આવ્યો હતો. જયારે આ અંગે મહેસાણા જીપીસીબીના પ્રાદેશિક અધિકારીએ નોંધાવેલ ફરીયાદમાં સોમનાથ ઈન્ડસ્ટ્રીઝના શૈલેષ એ. પટેલ રહે, હાંસોલ, અમદાવાદ , સમીર કનકરાઈ શાહ રહે, કૃષ્ણનગર, અમદાવાદ, ટેન્કર ચાલક શકીલ અને રવિભાઈ પટેલ રહે, અમદાવાદ આ ષડયંત્રમાં સંડોવાયેલા હોવાનો ઉલ્લેખ કરાયો છે. પોલીસે રૂપિયા 55,356 ની કિંમતનું જોખમકારક એસિડ અને રૂપિયા 15 લાખનું ટેન્કર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

કોની સામે ગુનો દાખલ થયો

  1. શૈલેષ પટેલ રહે, હાંસોલ, અમદાવાદ
  2. સમીર કનકરાય શાહ રહે, કૃષ્ણનગર, અમદાવાદ
  3. શકીલ નૌશાદ ખાન રહે, ખુશીનગર, ઉત્તરપ્રદેશ
  4. રવિ હસમુખ પટેલ રહે, મકરબા, અમદાવાદ