- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- ઓક્સફોર્ડ ક્સિનરીએ મૂળ બે ઇંગ્લિશ શબ્દોનું જાપાનિઝ જોડાણ નવા શબ્દ તરીકે શામેલ કર્યું
श्रुतिपुट
पर उत्तप्त श्वास का स्पर्श और अघरों पर, रसना की गुदगुदी, अदीपित निश के अंधियाले में रसमाती, भटकती उगलियां का संचरण त्वचा पर, इस निगूढ कूजन का आशय बुद्धि समज्ञ सकती है ?
- रामधारी सिंह दिनकर
કા ન સમીપે પ્રેમની નરમી અને ઉત્તેજના, હોંઠ અને જીભના ગલગલિયાં,
રાતના અંધકારમાં અંતરંગ કોમળ આંગળીઓનું ત્વચા ઉપર સંક્રમણ, આ રહસ્યમય કલબલાટનો આશય બુદ્ધિ સમજી શકે છે ? ના રે ના! ખંડકાવ્ય 'ઉર્વશી'માં સ્વર્ગલોકની અપ્સરા ઉર્વશી અને પૃથ્વી લોકના રાજા પુરુરવાના કામુક મિલનના વર્ણનના આ અંશ છે.
પ્રેમ હોય તો સંભોગ કુદરતી છે. જે નૈતિકની સુફિયાણી વાતો કરે છે એ દ્રાક્ષ-ખાટી છે. એવો લૂલો બચાવ કરે છે. કહે છે કે પ્રેમ વિનાનો સંભોગ બોદો અને બેહૂદો છે. પણ સંભોગ વિનાનો પ્રેમ ? એ ય એવો જ છે, ભાઈ ! પ્લેટોનિક સંબંધોની વાતો વાહિયાત છે. સમાચાર છે કે એક શહેરના મેયર પોતાનાં પરિણીત કર્મચારી સાથે હોટલમાં ગયા. પછી ફરી, પછી ફરી... એક નહીં પણ દસ દસ વાર અને... છાનું રે છપનું કાંઈ થાય નહીં, થાય નહીં. વાત ફેલાઈ. મેયરે રાજીનામું આપવું પડયું. ફરી ચૂંટણી થઈ. તાજા સમાચાર છે કે આ જ મેયરે ચૂંટણી ફરી જીતી બતાવી. એ જ બતાવે છે કે લોકોને મેયરની કામક્રીડામાં નહીં, પણ કામમાં જ રસ હોય છે. જાપાનના મેબાસી શહેરના મેયરની રસમાતી કરમસ કહાણીના સમાચારમાં નોંધનીય વાત એ હતી કે અકિરાઓ ગાવા, ઉંમર વર્ષ ૪૨, મહિલા મેયર છે.
પુરુષના લગ્નેતર શારિરીક સંબંધોની સામે સ્ત્રીનાં લગ્નેતર સંબંધો આપણે આસાનીથી સ્વીકારતા નથી પણ હવે ભેદ રહ્યો નથી. જાપાનમાં 'લવ હોટલ' જવું સહજ છે. પ્રેમીઓ ત્યાં જઇને બંધ બારણે, જે કરવાનું હોય એ બંધુ કરી છૂટે છે. સમાચાર એ પણ છે કે ઓક્સફોર્ડ ઇંગ્લિશ ડિક્સનરીએ તાજેતરમાં જ ૧૧ જાપાનીઝ શબ્દોને શામેલ કર્યા, એ પૈકી આજનો શબ્દ 'લવ હોટલ' પણ એ લિસ્ટમાં શામેલ છે. યસ, લવ હોટલ (ન્ર્પી ર્લ્લાીન) જાપાનીઝ શબ્દો છે. અને અમે શબ્દ માત્રની વાત કરવા બંધાયેલા છીએ.
ગુજરાતી લેક્સિક અનુસાર 'લવ' એટલે ઉષ્માભરી લાગણી, પ્રેમ, વહાલ, સ્નેહ, પ્રણય, અભિરુચિ, આસક્તિ, કામેચ્છા, શોખ, પ્રેયસી, પ્રિયકર, પ્રેમપાત્ર વ્યક્તિ, જાતીય આવેશ.
અને 'હોટલ' એટલે પ્રવાસીઓ માટે રહેવાની સગવડતાવાળું મોટું મકાન, યુરોપની ઢબ નીવીશી, ઉતારો, વિશ્રાન્તિ ગૃહ, સરાઈ, મૂળ શબ્દ 'હોસ્ટ' એટલે કે યજમાન. આ મૂળ શબ્દ પરથી માંદાની સારવાર માટે 'હોસ્પિટલ', વિદ્યાર્થી રહી શકે એ 'હોસ્ટેલ' અને મહેમાન રહી શકે એ 'હોટલ'. જાપાનમાં શહેર ગીચ બન્યા. ઘર નાના થતા ગયા. પ્રેમ કરવા માટે ખાનગી જગ્યાની તંગી વર્તાવા લાગી. જાપાનના સંયુક્ત પરિવારમાં રહેતા ભાયડા અને બાયડી માટે ચોરી ચોરી ચૂપકે ચૂપકે પ્રેમ ક્રીડા કરવાના સ્થળની વ્યવસ્થા છેક સત્તરમી સદીમાં પણ હતી.
પણ બીજા વિશ્વ યુદ્ધ પછી સને ૧૯૬૦ના દાયકામાં જાપાનના ઓસાકા શહેરમાં એક અવનવી હોટલ ખૂલી. એનું નામ હતું 'હોટલ લવ'. એની જાહેરાત ખુલ્લેઆમ થઈ. અંદર જાઓ તો રિસેપ્શનિસ્ટ પણ પડદા પાછળ હોય. તમે બોલો એટલે રજીસ્ટરમાં એન્ટ્રી થઇ જાય.
ભાડાનો રૂમ કલાકના હિસાબે પણ મળે. આમ કહેવાય લવ હોટલ પણ એ સ્વાભાવિક છે કે પ્રેમીઓ આમ મસ્તી અમસ્તી પ્રેમની વાતો જ કરવા તો ત્યાં જાય નહીં. યૌન સંબંધ ઉર્ફે સંભોગ જ એનો હેતુ હોય એટલે એમને એ પ્રવૃત્તિને લગત બધી ચીજ વસ્તુઓ ત્યાં ઉપલબ્ધ કોન્ડમ, સેક્સી ડ્રેસ, સેક્સ ટોય વગેરે. બાથરૂમમાં જાકુઝી હોય. કોઈ ખલેલ ન પહોંચાડે એવી બાંહેધરી હોય. આ મકાન ઉપર 'હોટલ લવ'ની ગોળ ગોળ ફરતી ઝગમગતી નિયોન લાઈટ હતી. ક્યારેક 'હોટલ લવ' વંચાય તો ક્યારેક 'લવ હોટલ'. પછી તો જાપાનના અનેક શહેરમાં આવી અનેક હોટલ્સ શરૂ થઇ. જે લવ હોટલ તરીકે ઓળખાવા માંડી.
આવી વ્યવસ્થા જાપાન ઉપરાંત વિશ્વના અનેક દેશમાં ઉપલબ્ધ છે અને એ સગવડતા લવ હોટલ તરીકે જાણીતી છે. અને એટલે ઓક્સફોર્ડ ક્સિનરીએ મૂળ બે ઇંગ્લિશ શબ્દોનું જાપાનિઝ જોડાણ નવા શબ્દ તરીકે શામેલ કર્યું. આધુનિક લવ હોટલમાં કિંગસાઇઝ બેડ, મૂળ લાઇટિંગ, સીલિંગમિરર્સ, મસાજ ચેર, કરીયોકે મ્યુઝિક હોય છે. નહાવા ધોવાની પણ તમામ વ્યવસ્થા. રૂમ અને બાથરૂમનું આર્કિટેક્ચર કોઈ વિશિષ્ટ થીમ પર આધારિત હોય. ક્યાંક ગ્રીક મહેલ જેવો થીમ હોય તો ક્યાંક દરિયાઈ સબમરીન. ક્યાંક વ્હાઈટ હાઉસ તો ક્યાંક એફેલ ટાવર. જંગલ મેં દંગલ કે રણની રાસલીલાનો થીમ પણ હોય. એક સાદો સીધો સંભોગ પણ છપ્પન ભોગ લઇને આવે છે. હેં ને ?
લવ હોટલનો ફાયદો એ છે કે ઘંટો કે હિસાબ સે રૂમ મિલતા હૈ વો પરવડતા હૈ ! હા, એ ખરું કે કેમેરા છૂપાયેલા હોય તો ફજેતો પણ થઇ શકે. પણ લવ હોટલ મેનેજમેન્ટ આ બાબતમાં સચેત હોય જ છે. તો જ એનો બિઝનેસ ચાલે. આખરે તો આ પુરુષ અને સ્ત્રી વચ્ચે યૌન સંબંધ બાંધવા માટેની ખાનગી જગ્યા છે. એકાંત રસીલું હોય તો જલસો થઇ જાય. મેરેલીન મુનરોએ કહ્યું હતું કે ભગવાનનો પાડ માનીએ કે આપણે બધા જ જન્મ જાત સેક્સ્યુઅલ પ્રાણી છીએ. એસ્થિતી દયાજનક છે કે કેટલાંક લોકોને સેક્સની સૂગ છે એન કુદરતની ભેટને તેઓ ધિક્કારે છે. વાત તો સાચી છે. સંભોગથી ટેન્સન દૂર થાય છે. ટેન્સનનું કારણ જો કે પ્રેમ હોઈ શકે ! ઇતિ.
શબ્દ શેષ
''પ્રેમ વિનાનો સંભોગ નકામો અનુભવ છે. પણ નકામા અનુભવોને લાગે વળગે છે ત્યાં સુધી આ અનુભવ જબ્બર મઝાનો છે'' - વૂડી એલન


