- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- બિઝનેસમાં કોલ્ડ રીડિંગની આવડતથી ધંધાદારી સંબંધ ઝટ બંધાય છે, ગ્રાહક વંચાય તો એની જરૂરિયાત મુજબનો માલ આસાનીથી વેચાય.
અમે આંધી વચ્ચે તણખલાંના માણસ,
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.
ફટાણાંના માણસ, મરસિયાના માણસ,
અમે વારસાગત સમસ્યાના માણસ.
- ભગવતીકુમાર શર્મા
આ પણે સમસ્યાના માણસ છીએ. સમસ્યા આવે તો ક્યાં જઈએ? ડોક્ટર, વકીલ, પોલિસ કે પછી ફાયર બ્રિગેડ. કેટલાંક લોકો ગોડમેન અથવા જ્યોતિષીઓ પાસે જાય છે. સમાચાર છે કે અનેક સ્ત્રીઓને ફોસલાવી, ફસાવી અને ડરાવીને નાશિકમાં જ્યોતિષશાસ્ત્રી પ.પૂ.ધ.ધૂ. કેપ્ટન અશોકકુમાર ખરાટ બળાત્કાર કરતો રહ્યો. આ ખરાટ તો ભારે ખુરાંટ નીકળ્યો. રાજકીય કનેક્શન પણ ખરું કારણ કે 'ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગનાં ચેરપરસન રૂપાલી ચાકણકર એ ક્હેવાતા ગૉડમેન જ્યોતિષીને ગુરુ તરીકે સંબોધતા, તેઓનાં પગ ધોતાં, કેક ખવડાવતા અને તેઓને માથે છત્રી ઢાંકતા ફોટા/વીડિઓ વાઇરલ થયા. ૫૮ મહિલાઓ સાથેના કઢંગી હાલતના વિડીયો ધરાવતી પેન ડ્રાઈવ પણ મળી આવી છે. લોકો આવા ધૂર્ત જ્યોતિષી પાસે ફસાતા કઇ રીતે હશે? અંધવિશ્વાસ?
ભવિષ્યવાણી કરનારા દરેક વેદિક જ્યોતિષી માટે રાશિ, ગ્રહ, નક્ષત્રનું જ્ઞાનની પરિપેક્ષમાં જન્મ કુંડળી વાંચતા આવડવું જરૂરી છે પણ એથી ય જરૂરી છે ભવિષ્ય જાણવા ઇચ્છુક માણસને વાંચવાની કળા. કોલ્ડ રીડિંગ (Cold Reading) સાયકોલોજિકલ કમ્યુનિકેશન ટેકનિક છે, જેનો ઉપયોગ કરીને જ્યોતિષશાસ્ત્રીઓ/મનોવાદીઓ તેઓની સામે બેઠેલાં માણસના મનમાં ઠસાવી શકે છે કે તારી ભૂત, વર્તમાન અને ભવિષ્યની સઘળી વાત હું જાણું છું. ધારો કે હું જ્યોતિષી છું. પોતાનું ભવિષ્ય જાણવાની ઈચ્છા લઈને એક માણસ મારી પાસે આવે છે. સ્વાભાવિક છે કે પૈસો, પ્રેમ કે સ્વાસ્થ્ય વિષે એના અનેક સવાલો છે. હું એના વિષે પહેલેથી કશું જ જાણતો નથી. પણ એનું ભવિષ્ય કહેતા પહેલાં એને વિષે મારે કાંઈ કહેવું તો પડશે. તો જ એને મારી ઉપર વિશ્વાસ બેસશે. હવે હું જે કરીશ, એ કોલ્ડ રીડિંગ છે. હું કહીશ કે 'તમારામાં છૂપી શક્તિ ઘણી છે પણ તમારા પોતાના ફાયદા માટે હજી એનો ઉપયોગ કર્યો નથી. કોઈ તમને હજી સમજી શક્યું નથી'. હવે સાલું દરેકને એમ જ હોય કે મારી કેપેસિટી કોઈ સમજતું જ નથી. પછી હું કહું કે 'તમે આમ તો હસમુખા અને મળતાવડા છો પણ ક્યારેક એવું પણ બને છે કે તમે શાંત રહો છો, એકલતા તમને ગમે છે'. અહીં એ માણસને જે લાગુ પડે એ સ્વીકારી લે. ક્યારેક મારે ફાઈન ટયુનિંગ પણ કરવું પડે. હું એમ પૂછું કે 'તમારા ફાધર એકદમ સ્ટ્રિક્ટ છે' અને એ કહે કે 'ના, એવું નથી'. તો હું વાતને વાળી લઉં. કહું કે 'એક્ઝેટલી, તારા પિતાનાં પિતા સ્ટ્રિક્ટ હતા એટલે હવે તેઓ ઈચ્છે છે કે એમનાં બાળકો પ્રત્યે એ નરમ વલણ રાખે'. હવે સાલું આજનાં જમાનાની સાપેક્ષ પહેલાનાં જમાનામાં બાપાઓ સ્ટ્રિક્ટ જ હતા. એને હવે મારી ઉપર વિશ્વાસ બેસતો જાય છે. હવે એ જો કોલેજમાં ભણતો હોય તો હું એને કહું કે તમે જે ભણો છો એની સામે ફેમિલીનું એક્સ્પેક્ટેશન વધારે છે'. અરે ભાઈ, વધારે જ હોય! અથવા એ જો ત્રીસેક વર્ષનો હોય તો હું એને કહું કે 'હવે એક જોબમાં સેટલ થઇ જવા માંગો છો'. ધેટ્સ રાઈટ! પછી હું કહું કે 'તમારે કોઈ સાથે ગાઢ સંબંધ છે જેનું નામ 'અ', 'ર' કે 'મ'થી શરૂ થાય છે'. અલ્યા ભાઈ, ભારતમાં મોટા ભાગના નામ અ, ર, મ, વ, સ, ક, ન-થી શરૂ થાય છે. કોઈ ને કોઈ તો સંબંધી આ નામનો મળી જ જાય. પછી હું કહું કે 'તમારે પ્રવાસનો યોગ છે. દરિયાપાર અથવા તો કોઈ મહત્વની મુસાફરી, યૂ સી!' અરે ભાઈ, હવે દરેકને પ્રવાસ તો કરવો જ હોય. આ ય સાચું પડી જાય. પછી હું કહું કે 'કોઈ અગોચર શક્તિ તમને તમારી સિદ્ધિ મેળવતા રોકી રહી છે'. અને એ પૂછે કે 'મહારાજ, આનો કોઈ ઉપાય?' અને હું કહું કે 'મંગળનો નંગ પહેરવો પડશે, પૂજા કરાવવી પડશે, એનો ખર્ચ વીસેક હજાર રૂપિયા થશે'. ઓલ્યો નાસિકવાળો ગોડમેન તો કહેતો કે હું શંકર ભગવાનનો અવતાર છું અને જો તમે મારે તાબે નહીં થાવ તો તમારો હસબન્ડ મરી જશે. રીતસરની ધમકી.
ટૂંકમાં, કોલ્ડ રીડિંગમાં વાત કોઈને માટે પણ સામાન્ય રીતે સાચી જ હોય. ડોક્ટર ય નિદાન ન કરી શકે તો પેશન્ટને કહે કે 'વજન ઘટાડો, ડાયેટિંગ કરો, કસરત કરો'. બિઝનેસમાં કોલ્ડ રીડિંગની આવડતથી ધંધાદારી સંબંધ ઝટ બંધાય છે, ગ્રાહક વંચાય તો એની જરૂરિયાત મુજબનો માલ આસાનીથી વેચાય. યૂ સી! રાજકારણની વાત કરીએ તો બીબીસી ટીવી સીરીયલ 'યસ પ્રાઈમમિનિસ્ટર'માં પણ ઉલ્લેખ છે. જેમ કે બેકબેન્ચર્સ (શાસક પાર્ટીના જે એમપી મિનિસ્ટર બન્યા નથી તેઓ) થોડા અસંતુષ્ટ હોવાના જ. આ કોલ્ડ રીડિંગ છે. જો રીડર પાસે આવનારના બેકગ્રાઉન્ડ વિષે આગોતરી માહિતી હોય તો એ માણસને વાંચવાની પ્રક્રિયા 'વોર્મ' અથવા 'હોટ' રીડિંગ કહેવાય છે.
આખરે તો આ અવલોકન શક્તિ છે. નાટયકાર જ્યોર્જ બર્નાર્ડ શૉ કહેતા કે જેને અવલોકનની આવડત નથી હોતી, એ આવી અવલોકન શક્તિને આછકલાઈ ગણાવે છે. કોલ્ડ રીડિંગ કરવાની પણ આવડત હોવી જોઈએ. સારું કોલ્ડ રીડિંગ કરનારની ખાસિયત એ કે એ નાની નાની, દેખીતી રીતે નકામી વાતો પણ રસપ્રદ રીતે કરી શકે, પોતે બોલે એના કરતા સામાવાળા પાસે બોલાવવાનો, એની પાસે વાત કઢાવવવાનો જેને કસબ હોય, જેનામાં ઉદ્ધતાઈ ન હોય અને હા, જેનામાં થોડીક 'સ્ટેજ પ્રેસન્સ' હોય. સ્ટેજ પ્રેસન્સ એટલે નાટકની ભાષામાં એવો અદાકાર જે સ્ટેજ પર આવે અને છવાઈ જાય. માણસને વાંચવાની આ કાબેલિયત શીખી લેવી આમ જુઓ તો સારી... પણ ક્યારેક લાગે કે આપણે અભણ જ સારા.
શબ્દ શેષ :
'કોમન સેન્સ સૌથી મોટી જ્યોતિષી છે.' - ફિલોસોફર મત્સોના


