Magazines

પાણકા જેવી મેરામણની છાતી વચાળે એક ધબકતું દિલ ધક્ ધક્ કરી રહ્યું છે : 'શું મારા રદિયાની તરસ ક્યારેય નહીં મટે ?'

By GS Team
21 Jul 20205 mins read
This article was originally published on 21 Jul 2020
પાણકા જેવી મેરામણની છાતી વચાળે એક ધબકતું દિલ ધક્ ધક્ કરી રહ્યું છે : 'શું મારા રદિયાની તરસ ક્યારેય નહીં મટે ?'

'જા ણો છો, હું કોણ છું ? હું છું મેરામણ...આ કોયલિયા ગામમાં કોઈની તાકાત નથી કે મને મોંઢા મોંઢ બે શબ્દ પણ કહી શકે ! મારી કડિયાળી ડાંગ જોઈ છે ? જેના માથે પછડાય એનું તાલકું ય તૂટી જાય ! મારી વહેંત લાંબી ને વીંછીના આંકડા જેવી મૂછો જોઈ છે ? જોઈને જ ભલભલાના છક્કા છુટી જાય ! મુખી જેવો મુખીય ભલે હોય વાઘ જેવો, પણ મારી આગળ બકરી બની જાય ને બેં....કરવાનું ય ભૂલી જાય !' આટલું કહેતાં મેરામણે મૂછો આમળી. પૂછોને વળ ચઢાવ્યો : 'પાટલા ઘો જેવી મારી છાતી છે. ખાટલાના પાયા જેવા મારા હાથ છે. મારાં બાવડાં અચાનક ફૂલવા લાગે ત્યારે સમજી જવાનું કે આજ જરૂર કાંક નવા જૂની થવાનું ! કોકના હાથ પગ તૂટી 

જવાના !'

મેરામણ એટલે મેરામણ.

દાદાગીરી તો એના બાપની.

એનો હથોડા જેવો હાથ પડે એટલે કાં તો માથું ફાટી જાય, કાં તો હાથ તૂટે,કાં તો પગ ! એની મૂછો જોઈને જ 'બાપ રે, બાપ' થઈ જવાય !

હજી સુધી તો કોઈ જણ એવો પાકયો નથી આ ગામમાં, કે મેરામણને 'તું' પણ કહી શકે ! કોયલિયા ગામમાં વૃક્ષો પર બેસીને કોયલો ટહુકા કરે છે ! ઘરના છાપરે ચઢીને કંઠને વહેતો મૂકે છે ! મોરલા કળા કરે છે, ને ઢેલો પાગલ પ્રેમિકાની જેમ નર્તન કરે છે ! આસપાસ વગડો છે. ગામને અડીને જ નદી વહે છે : સાકરી નદી ! એનાં જળ છે સાકર જેવાં ! એનો કલકલ અવાજ છે સાકર જેવો !

અને આ સાકરી નદીના કિનારે મેરામણનું ઘર છે ! ઘર એટલે ? માટીનાં ભીંતડાંવાળી છાપરી ! ને એ છાપરીમાં મેરામણ-અઠ્ઠાવીસ વરસનો મેરામણ એકલો જ રહે છે ! હજી સુધી એના હાથ કંકુવાળા થયા નથી ! ઓટલો તો છે, રોટલો ય છે, પણ છાપરીમાં ચોટલો નથી ! અથવા એમ જ કહો ને કે કોઈ બાપે એની દીકરીના નામના ચોખા મેરામણના કપાળમાં ચોંડયા નથી ! કોઈ વાત કરે તોય નાતનો જણ બોલી ઊઠે 'મેરામણની વાત કરો છો ?'

મારી દીકરીને એની હાર્યે પરણાવવાની વાત કરો છો ? તમારું દિમાગ ફરી ગયું છે કે શું ? દીકરીને કૂવામાં ધકેલી દેવી સારી, પણ મેરામણ હાર્યે પરણાવવાની વાત તો ખોટ્ટી જ ખોટ્ટી !

નાતમાં પંકાઈ ગયા છે મેરામણ !

ગામમાં પંકાઈ ગયો છે મેરામણ !

અરે, આસપાસનાં પચાસ ગામના પંથકમાં પંકાઈ ગયો છે મેરામણ !

મેરામણ એટલે ?

કામ ધંધા વગરનો રખડું !

દાદાગીરીમાં નંબર વન !

લુખ્ખામાં લુખ્ખો !

મારામારી કરનારો !

તોફાનનો વંટોળિયો !

ગામમાં કોઈ માન નથી મેરામણનું ! સહુ એનું નામ આવતાં જ નાકનું ટીંચકું ચઢાવી દે છે ! મૂકોને એ નખ્ખોદિયાનું નામ !

અઠ્ઠાવીસનો થયો.

મેળ પડતો નથી.

ત્રીસે પહોંચવા આવ્યો.

કોઈ દીકરી દેતું નથી સહેજ શ્યામ છે એટલું જ. બાકી છે તો દેખાવડો ! ઘાટીલી કાયા છે, છાતીમાં મક્કમતા છે, બાહુનો બળિયો છે ! ધારે તે કરી શકે છે ! સીઝન આવે એટલે અનાજના થેલા આવી જાય છે : 'લો મેરામણ ભૈં ખાજો ને યાદ કરજો ! હા, લોકો આપે છે..બીજા ગામોના ખેતરોમાં ચોર લોકો ઊભો પાક લણી લે છે. પણ આ તો કોયલિયા ગામ છે ! ચોરોય બીવે છે..ઊભો પાક લણનારા ય ગભરાય છે !

કારણ ?'

આ ગામમાં મેરામણ રહે છે ચોરોએ પણ હવે તો કોયલિયા ગામનું નામ બદલી નાખ્યું છે : મેરામણવાળું ગામ ! એક ચોરને તો ચોરી કરતાં પકડીને રસ્તા વચ્ચે મારી મારીને એણે અધમૂઓ કરી નાખ્યો હતો. ને ત્યારથી ચોરોય આવતાં બીવે છે ગામમાં !

બધું જ છે.

અનાજના ઢગ છલકાય છે.

સરસ છાપરી છે.

લોખંડી દેહ છે.

મજબૂત છાતી છે.

હા, એ છાતીની બખોલમાં એક ધબકતું હૃદય છે. એ ધક્ ધક્ કર્યા કરે છે. એ હૃદયમાં લાગણી છે, ઝંખના છે, તરસ છે ! ને મેરામણ ક્યારેક દુ:ખભર્યા અવાજે બોલી ઊઠે છે : શું મારી એકલતાની તરસ ક્યારેય નહીં મટે ? ક્યારેય ?

મને ક્યારેય નહીં મળે મારા હૈયાને પાંખો પહેરાવનારી ? આ એકલતાની નાગણના ડંખ મારે ક્યાં સુધી સહેવા ? મારા દિલમાંથી લોહી દદડે છે. કાળજું જખમથી ભરાઈ ગયું છે.

મારા જખમ પર પાટો બાંધનારું શું મને નહિ મળે ?

અને એક દિવસે એ ભીંત સાથે માથું અફળાવીને રડી પડયો મને કોઈ નહિ મળે મારા બળબળતા હૈયા પર શીતળતાના છંટકાવ કરનારી ?

અને એ જ સમયે કોઈનો અવાજ સંભળાયો 'મળશે...જરૂર મળશે !'

મેરામણે જોયું.

બારણામાં એક આકાર ઊભો હતો. એ કોઈ સ્ત્રીનો આકાર હતો. એ અંદર આવી. બોલી મને ન ઓળખી ? હું ઝુમખી ! સરપંચની સાળી ! મેં અનેકને ના પાડી દીધી છે. મારે પરણવું નથી ! મેં ભલભલા રાજકુંવરોને ય ચોખ્ખો નન્નો સંભળાવી દીધો છે. મારા જીજાજીએ પણ મારા પર નજર બગાડી હતી ! પણ હું બચી ગઈ ! મારું કોઈ નથી આ જગતમાં આ તો સાવકી બહેન છે. મા-બાપ નથી. કાકા-મામા નથી અને એટલે જ તો આ લાચાર ઝુમખી પર 

સહુ નજર બગાડે છે. પણ હું સતત મારી જાતને બચાવી લઉં છું !

'હવે ?'

'મેં તમને જોયા. તમારા પરાક્રમની વાતો સાંભળી. ચોરોય તમારાથી ફફડે છે. સરપંચ પણ તમારી આગળ સસલું બની જાય છે ! મુખીય તમને જોઈને મોઢું સંતાડે છે ! તમારા જેવાં પરાક્રમી જુવાનને જોઈને મારું રદિયું પણ ધક્ ધક્ કરવા લાગી ગયું ! ને ઝુમખી નજીક આવી ગઈ. મેરામણનો હાથ પકડી બોલી : આજથી તમે એકલા નથી, આ ઝુમખી તમારી છે ! મારા બળતા હૈયાને ટાઢું પાડો, હું તમારા કાળજાના દદડતા જખમ પર પાટો બાંધીશ !'

ને એ મેરામણને ભેટી પડી. એ મેરામણની થઈ ગઈ. મેરાણ એનો બની ગયો. ને એ જ અઠવાડિયે બેયનાં ઘડિયાં લગ્ન લેવાયાં. આખા ગામની ઓરતો એ ગાણાં ગાયાં. ગોરમહારાજે મંત્રોચ્ચાર કર્યા. છેડાછેડી બંધાણી ત્યારે બેય જણાં બોલી ઊઠયાં : આ ગાંઠ હવે ક્યારેય નહિ છુટે !

એટલે ?

કારણ કે આ બે તડપતાં હૈયાંની મજબૂત ગાંઠ છે ! ઝુમખી બોલી. ત્યારે મેરામણે મૂછો આમળી. તાકાત છે ગાંઠની કે છુટી જાય ? આ તો નથી કોઈ રેંજીપેંજીની ગાંઠ, આ તો મૂછાળા મેરામણ અને ઝુમખીના લગ્નથી બંધાયાની કબૂલાતની ગાંઠ છે !!