Magazines

મિ. સમય દલાલ ! તમે ઝટ અહીંથી ચાલ્યા જાવ, ને ફરીથી અહીં ક્યારેય ન આવતા..., સમજ્યા?

By GS Team
31 Dec 20194 mins read
This article was originally published on 31 Dec 2019
મિ. સમય દલાલ ! તમે ઝટ અહીંથી ચાલ્યા જાવ, ને ફરીથી અહીં ક્યારેય ન આવતા..., સમજ્યા?

કૌવત, તમે મારા માથાના મુગટ છો ! સાંભળી લો, મારા ગળામાં લટકતા મંગળસૂત્ર પર ક્યારેય દાગ નહીં લાગવા દઉં...!!

'કૌ વતભાઈ છે ?'

'છે, ઘેર જ છે !' બોલી વિશાખા.

'કેમ ઘેર છે ? નોકરી નથી જતા ?'

'ના !'

'કેમ ?'

'બીમાર છે.. આવો ને....!'

સમય દલાલ... કૌવતનો ખાસ મિત્ર. સાથે ભણ્યા.. સાથે રમ્યા, સાથે જ કોલેજ કરી ! કૌવત પહેલેથી જ ઠાવકો અને ગંભીર ! ઘરનો સાધારણ ! પપ્પા તો હતા નહિ, અને મમ્મી ય હવે બહુ સમય કાઢે એમ નહોતી.. પપ્પાની બચત અને તેના વ્યાજમાંથી ઘર ચાલતું હતું. એમ ન હોત તો ભૂખે મરવાનો વારો આવત. કૌવત ચારેક કિલોમીટર દૂર આવેલા શહેરમાં સાયકલ પર જતો... ને સમય ? એની પાસે તો બાઇક હતું. સુખી ઘરનો છોકરો. કૌવત ભણવામાં ધીરગંભીર. સતત વાંચન.. આકરી મહેનત ! જ્યારે જુઓ ત્યારે હાથમાં પુસ્તક હોય... ને વાંચવાનું ચાલું હોય !

સમય દલાલ એનો ખાસ દોસ્ત. પણ સમય સ્વભાવે રંગીલો. એની વાતો ય એવી : 'પેલી ગરિમા જોઈ, કૌવત ? રૂપની બાબતમાં આખીય કોલેજમાં નંબર વન છે. પરીની જેમ ઊડાઊડ કરે છે ? આપણી નજરમાં આવી ગઈ છે. બોલ, કરી નાખું કંકુના ?' ને પેલી ટીમલી જોઈ ? ટીમલી એટલે તિલોત્તમા ! એ સામે બેઠી હોય તોય દહાડો ક્યાં ગયો એની ખબર ન પડે. દાણા નાખું એને ?'

સમય દલાલ માત્ર વાતો જ ન કરે, કૌવત સમક્ષ પડકાર પણ ફેંકે : 'બોલ, કરી નાખું પેલી પરિન્દાને પ્રેમમાં પાગલ ? બેયના સ્વભાવ સામસામા છેડાના, તોય બેયની દોસ્તીમાં ગાંઠ ક્યારેય ન પડે. સમય દલાલ કહે : 'તું તારે વાંચ્યા કર, ફર્સ્ટ ક્લાસ લાવી દે લાસ્ટ યરમાં ! તારે નોકરીની જરૂર છે. મારે તો અમેરિકામાં મામા તૈયાર છે... ત્યાં એમનો મોટો બીઝનેસ છે, એ બોલાવે છે એટલે ચાલ્યો જઇશ ત્યાં. શેઠ ન બનું તે કોઇનો નોકર બનું ? નોકરી કરવાનું જ મારા સ્વભાવમાં નથી !'

ને બન્યું પણ એમજ.

બી.કોમ.માં કૌવતનો ફર્સ્ટ કલાસ આવ્યો, ને સમય દલાલ ફેલ થઇ ગયો ! ને એ અમેરિકા જતો રહ્યો. કૌવતને એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી પણ મળી ગઈ ! ઠીકઠીક પગાર પણ મળતો હતો મા એ કહ્યું : 'બેટા, હવે લગ્ન કરી લે !' ને તેના પપ્પા સગાઇ કરીને ગયા હતા એ નાતની છોકરી વિશાખા સાથે એનાં લગ્ન પણ થઇ ગયાં. 

'હું ગમું છું, તમને ?'

'ખૂબ ગમે છે વિશાખા ! તું તો તું જ છે. તું આકાશમાં ઊડતી પરી છે, સ્વર્ગની અપ્સરા છે ને રાણી રૂપમતી છે, ચંદ્રની ચાંદની છે, ને ખુશ્બૂદાર ફૂલ છે. તારી કંચનવર્ણી કાયા છે... હું તો પાગલ થઇ ગયો છું તારા પ્યારમાં.' ને જોડી જામી ગઈ... હા, એક વાત જરૂર બની હતી : લગ્નજીવનના સાત વર્ષ પછી પણ ઘરમાં પારણિયે ઝુલનારનું આગમન થયું નહોતું. નિ:સંતાનપણાનું દુ:ખ તો હતું જ, ત્યાં જ કૌવતને કમળો થઇ ગયો. કમળામાંથી કમળી : ડો. શાહે હાથ ઊંચા કરી દીધા : 

'એ બચી તો જશે ને, સાહેબ ?'

જવાબમાં ડોક્ટરે આકાશ તરફ આંગળી ચીંધી ને પછી ઊંડો શ્વાસ લઇને બોલ્યા : 'બધુંજ ઉપરવાળાના હાથમાં છે. એની ઇચ્છા પ્રમાણે જ થાય છે... તમે રેગ્યુલર દવા આપો, ને બચાવવાનું કામ ઉપરવાળા નિષ્ણાત ડોકટર પર છોડી દો !'

- ને એ જ અરસામાં સમય દલાલ વતનમાં પાછો આવ્યો. એને તરત જ કૌવત સાંભર્યો. કૌવત ! એનો ખાસ દોસ્ત. એની સાથેની મૈત્રી તો શી રીતે ભુલાય ? ભલે પોતે અમેરિકામાં મામાના આર્થિક સામ્રાજ્યનો શહેનશા હતો, પણ વતન એટલે વતન ! 

આવી ગયો વતન ભોમકામાં.... પછી યાદ આવી કોલેજ ! યાદ આવી કોલેજની રંગીન તિતલીઓ, યાદ આવ્યા કડક મિજાજના અંગ્રેજીના સર શ્રી પંડયા... યાદ આવી ગયો મિત્ર કૌવત ! ને કાર લઇને પહોંચી ગયો કૌવતના ઘેર. બારણે ટકોરા માર્યા : બારણું ખુલ્યં. ને રૂપરૂપના અંબાર સમી વિશાખાએ ટહુકો કર્યો. ને નામ પૂછીને 'આવોને અંદર !' કહી સમય દલાલને આવકાર્યો : સમય દલાલની આંખો પહોળી થઇ ગઇ : 'સા.... કૌવતયાની આટલી બધી રૂપાળી પત્ની છે ? ને તેની આંખમાં અચાનક ચમક આવી ગઈ. કૌવતના હાલ પૂછ્યા. કૌવત ભાનમાં નથી... શ્વાસ ચાલી રહ્યા છે... ને આંખો બંધ છે !

'પાણી આપું ?'

'આપો.'

પાણીનો ગ્લાસ લેતાં સમય દલાલે વિશાખાના આંગળાં પર આંગળાં મૂકી દીધાં : 'કંઈ જરૂર હોય તો કહેજો.'

'એટલે ?'

'એટલે કે પૈસા...'

'ના.'

'કેમ ?'

'મારા પિયરવાળા સધ્ધર છે... પૈસાની જરૂર પડતી નથી... ચા મૂકી દઉં ?'

'ના.'

'કેમ ?'

'તમે મારી સામે બેસો, એમાં બધું આવી ગયું....!'

વિશાખાને અંદાજ આવી ગયો... ભલે સમય દલાલ કૌવતનો દોસ્ત છે, પણ એની નજરમાં મેલ છે. વિશાખા દવા લેવા અંદર ગઇ, તો સમય એની પાછળ પાછળ ગયો. વિશાખા પાછી ફરી તો સમય દલાલે એના ખભા પર હાથ મૂકી દીધો : 'મને તમે જુદો ન સમજતાં ! કૌવત હશે કે નહિ હોય, હું તો છું.... રાહ જોઇને બેસીશ તમારી !'

વિશાખાની આંખો ફરી ગઇ. સમય દલાલ ઊઠયો : 'જાઉં ?'

'ભલે જાવ.'

વિશાખા બારણા સુધી આવી... પછી બારણું બંધ કરતાં બોલી : 'મિ. દલાલ, એક વાત સમજી લો... હું ચારિત્ર્યની પાકી છું ! મારી એક વિનંતી છે...'

'કઇ ?'

'તમે ચાલ્યા જાવ... ને ફરીથી અહીં ક્યારેય ન આવતા... !' ને એણે જોરથી બારણું બંધ કરી દીધું...