- મીડ વીક- હસમુખ ગજજર
- સામાન્ય રીતે આંદોલનો સમેટાઇ જાય ત્યારે ગીત પણ ભૂલાઇ જતા હોય છે જયારે બેલા ચાઓ નવા અવતાર સ્વરુપે પ્રગટ થતું રહે છે આથી જ તો ગીતને પ્રેરણા પુરી પાડતા વૈશ્વિક ભજનની પણ ઉપમા આપવામાં આવી છે
તા જેતરમાં ઇરાનમાં બેરોજગારી,ભ્રષ્ટાચાર અને આર્થિક નીતિઓના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.૨૦૨૨માં ઇરાનની મહિલાઓના હિજાબ વિરોધી પ્રદર્શનો પછીનું સૌથી મોટું આંદોલન હતું જેમાં ૧૦૦ વર્ષથી વિરોધ અને પ્રતિ વિરોધનું પ્રતિક ગણાતું 'બેલા ચાઓ' (સિયાઓ) ગીત ગુંજયું હતું. મૂળ ઇટાલિયન ભાષાનું 'બેલા ચાઓ 'ગીત સમયાંતરે ચર્ચા જગાવતું રહે છે. ગત સપ્ટેમ્બર ૨૦૨૫માં અમેરિકાના કન્જર્વેટિવ નેતા ચાર્લી કિર્કની ગોળી મારીને હત્યા થઇ હતી. ઘટના સ્થળે ગોળીના ખોખા પર ક્ેટલાક મેસેજ લખવામાં આવ્યા હતા જેમાં એક બેલા ચાઓ પણ હતો. બેલા ચાઓ એક ઇટાલિયન લોકગીત છે જે દાયકાઓથી ફાંસીવાદ, સ્વતંત્રતા અને અન્યાયની વિરુધ લડાઇનું પ્રતિક બની ગયું છે. છેલ્લા ૧૦૦ વર્ષથી જુદા જુદા કલ્ચરમાં થતા વિરોધ પ્રદર્શનના મુશ્કેલી ભર્યા સમયમાં લડવાની પ્રેરણા આપે છે. કોઇ પણ જન આંદોલન, રાજકીય સંઘર્ષ અને સામાજિક ચળવળોમાં વિવિધ શૈલીઓના વિરોધ ગીતો પ્રેરણા આપતા હોય છે પરંતુ બેલા ચાઓઓની ઉદાસ છતાં આશાભરેલી ધૂન ક્રાંતિકારીઓને એક બીજા સાથે જોડવામાં સાવ અનોખી છે. આજે બેલા ચાઓ વિશ્વભરમાં સૌથી લોકપ્રિય અને વ્યાપકપણે ઓળખાતા ગીતોમાંનું એક છે. આ એક એવું સાંસ્કૃતિક પ્રતિક જે સમય અને જગ્યાના ભેદ ભૂલીને યાદ કરવામાં આવે છે. સામાન્ય રીતે આંદોલનો સમેટાઇ જાય ત્યારે ગીત પણ ભૂલાઇ જતા હોય છે જયારે બેલા ચાઓ નવા અવતાર સ્વરુપે પ્રગટ થતું રહે છે આથી જ તો દુનિયાની વિવિધ ભાષાઓમાં સંસ્કરણો પાંમેલા ગીતને પ્રેરણા પુરી પાડતા વૈશ્વિક ભજનની ઉપમા આપવામાં આવી છે. નેધરલેન્ડની ઉટ્રેકટ યુનિવર્સિટીના સંશોધકો ડેનિયલ સાલેર્નો અને મેરિટ વેન ડે વારેનબર્ગે વર્ષ ૨૦૨૩માં અધ્યન કર્યુ હતંટ કે આ ગીતની તાકાત તેના જન્મમાં નહી પરંતુ તેની દરેક સમયગાળા અને પરિસ્થિતિ અનુસાર ઢળી જવાની ક્ષમતામાં છે. આ ગીત ગાવું એટલું સરળ છે કે ઇટાલિયન ભાષા નથી આવડતી તે પણ કોરસ આસાનીથી ગાઇ શકે છે. આ ગીતમાં કેટલાક બોલ બદલાયા છે જે બહાદૂરી અને વિરોધથી ભરેલા છે. બેલા ચાઓ અગણિત અન્યાય આંદોલનોનું સાક્ષી રહયું છે. બીજા વિશ્વયુધ્ધમાં ફાંસીવાદીઓના વિરોધ માટે બેલા ચાઓ ગુંજતું થયું હતું. ઇટાલીમાં દર વર્ષે ૨૫ એપ્રિલે બેનિટો મિસોલિની ફાસિસ્ટ તાનાશાહી અને જર્મન નાઝીનું નિયંત્રણ ખતમ થવાની ખૂશીમાં ગવાય છે.
બેલા ચાઓ ગીત મૂળ સ્વરુપે તો ૧૯મી સદીના અંતમાં ઉત્તર ઇટાલીમાં અનાજના ખેતરોમાં કામ કરતી મહિલાઓના કઠીન જીવન પર આધારિત હતું. સવારે ઉઠીને કામ પર જવા અને માલિકો દ્વારા થતા અત્યાચારનું વર્ણન ગીતમાં પ્રતિબિંબિત હતું. બેલ ચાઓ કોઇ અંતિમ વિદાય માટે નહી પરંતુ ઇટાલિયન ગીત જેનો અર્થ 'ગુડબાય બ્યૂટીફૂલ' થાય છે. બેલા ચાઓેના અગણિત વર્ઝન છે. આ ગીતની તાકાત અને ખૂબ સૂરતી એ છે કે અર્થ સમજયા વિના પણ મહેસુસ કરી શકાય છે પરંતુ સૌથી લોકપ્રિય વર્ઝનમાં ગીતને એક પાર્ટીઝન (પક્ષપાતી) ફાઇટરના દ્વષ્ટિકોણથી સાંભળવામાં આવે છે. લડવૈયો સવારે ઉઠે છે અને જાણે છે કે તેણે પોતાના સૌને છોડીને અજાણ્યા હુમલાખોરો સામે લડવા જવાનું છે. તેને એવો અહેસાસ પણ હોય છે કે તે ફરી એમને જોઇ શકશે નહી. તે ગાય છે કે જો એક પાર્ટિઝન તરીકે મરું તો મને દફનાવશો, મને સુંદર પહાડ પર દફનાવશો, એક સુંદર ફૂલની છાયામાં, જે પણ પસાર થાય એ કહેશે કે કેટલું સુંદરફૂલ છે. આ એ પાર્ટીઝનનું ફૂલ છે જે આઝાદી માટે મર્યો હતો. જો કે કેટલાક પાર્ટીઝન વર્ઝનને મોડિના વર્ઝન (મહિલા લોકગીત) પહેલાનું હોવાનું પણ માને છે. આધુનિક સમયમાં આ ગીતના ફેલાવા માટે ૨૦૨૧ સપ્ટેમ્બરમાં નેટ ફિલકસ પરની મશહુર સ્પેનિશ ડ્રામા 'લા કાસા ડી પાપેલ' એટલે કે 'મની હાઇસ્ટ'નો મોટો ફાળો છે. એ સમયે ગીતના સંસ્કરણને યુ ટયૂબ પર કરોડો વાર જોવામાં આવ્યું હતું. દર્શકોને આ ગીત પ્રથમવાર પ્રોફેસર અને તેના મોટા ભાઇ બર્લિનલ સાથે એક સીનમાં પરિચય કરાવે છે. પ્રોફેસરની જીંદગી એક આઇડિયા આસપાસ ફરે છે. તેમના દાદાએ ઇટાલીના ફાસિસ્ટો સામે લડાઇ લડી ત્યારે આ ગીત શીખવાડયું હતું. ઇતિહાસકારોનું માનવું છે કે આની ધૂન ૧૯૧૯માં એક રેકોર્ડિગમાંથી આવી હોય તેવું બની શકે છે જેને ઓડેસામાં જન્મેલા કલેઝમેર એકોર્ડિયોનિસ્ટ મિશ્કા જિગાનોફે ગાયું હતું. અનેક રિસર્ચ આ ગીતનું મૂળ ફેંચ,યિડિશ અને ડાલમેશિયન લોકસંગીતમાં પણ શોધે છે.
૨૦૨૦ની કોવિડ મહામારીએ ઇટાલીમાં કાળો કેર વરતાવ્યો ત્યારે કપરા સંજોગોમાં બેલા ચાઓ એકતાનું પ્રતિક બની ગયું હતું. આ ગીત મૂળ ઇટાલિયન હોવાથી મહામારીના સંક્રમણનો ભોગ બનનારાના સમર્થનમાં વ્યાપક ગવાયું હતું. વર્ષ ૨૦૨૨, ઇરાનમાં ૧૬ સપ્ટેમ્બરના રોજ ૨૨ વર્ષીય મહિલા મહસા અમીનીની સરકારી મોરલ પોલીસ દ્વારા હિજાબથી માથુ નહી ઢાંકવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી અને જેલમાં મહિલાનું મુત્યુ થયું હતું. ઇરાનની ક્રાંતિકારી મહિલાઓએ હિજાબ સામે બાયો ચડાવી તેના પરિણામ સ્વરુપ બેહિન અને સૈમિન બોલોરી નામની બે મહિલાઓએ સોશિયલ મીડિયા પર બેલા ચાઓનું ફારસી સંસ્કરણ રજુ કર્યુ જે ખૂબ વાયરલ થયું હતું. ઇરાન સરકાર વિરોધી પ્રદર્શનોમાં પણ ગવાતું રહે છે. બેલા ચાઓને કોઇ ધર્મ કે રીત રિવાજ સાથે લેવા દેવા નથી તેને માત્ર એકિટવિઝમ સાથે સંબંધ છે. ૨૦૧૨માં બેલ્ઝિયમમાં 'સિંગ ફોર ધ કલાઇમેટ'નું આયોજન થયું ત્યારે દેશ ભરમાં ૧૮૦ સ્થળોએ ૮૦ હજાર લોકોએ જળવાયું પરિવર્તન જાગૃતિના સમર્થનમાં ગાયું હતું. આ વર્ઝનમાં બેલ્ઝિયમના રૉક સિંગર સ્ટેફ કામિલ કાર્લેન્સે બેલા ચાઓની કેચી ધૂન લઇને 'ડૂ ઇટ નાઉ' નામના એક વર્ઝનમાં નવા શબ્દો સાથે જોડયું હતું. ૨૦૧૫માં ગ્રીસમાં આર્થિક કટોકટી સર્જાઇ ત્યારે બેલા ચાઓ આર્થિક ખર્ચ વિરોધી ઉપાયોનું એન્થમ બની ગયું હતું. આર્જન્ટિનાના પ્રદર્શનકારીઓએ ૨૦૧૮માં ગર્ભપાત વિરોધી કાનુનનો વિરોધ કરવા માટે બેલા ચાઓની ધૂનનો ઉપયોગ કર્યો હતો. હૉગકૉગમાં આઝાદી પર ચીની પ્રતિબંધોનો વિરોધ કરવા બેલા ચાઓનો નાદ ગુંજયો હતો. બેલા ચાઓ રશિયાના આક્રમણથી ત્રસ્ત થયેલા યુક્રેનમાં ગવાયું છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે બે યુક્રેની મહિલા સૈનિકો ફ્રન્ટ લાઇન નજીક આવીને બેલા ચાઓ ગાતી હતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વર્ષ ૨૦૨૦માં પોલેન્ડમાં મહિલા અધિકારોના પ્રદર્શન કરનારા પ્રો ચોઇસ કાર્યકર્તાઓએ આ ગીત અપનાવી લીધું હતું. જર્મનીમાં વામપંથી કાર્યકર્તાઓએ કટ્ટર દક્ષિણપંથી પાર્ટી એએફડી વિરુધ પ્રદર્શન દરમિયાન ગાયું હતું. નારીવાદી કાર્યકર્તાઓએ પણ આ લોકપ્રિય ગીતનો પોતાના આંદોલનોમાં ઉપયોગ કર્યો છે. ચિલીથી લઇને હોંગકોંગ સુધી, 'ઓકયુપાઇ વોલ સ્ટ્રીટ'થી લઇને 'ફ્રાઇડેઝ ફોર ફયુચર' સુધી આઝાદીની ચાહના માટેનું સૌથી મોટું મ્યુઝિકલ એકસપ્રેશન બની ગયું છે. બેલા ચાઓ રાજનીતિક આંદોલનોથી માંડીને પોપ કલ્ચર સુધી પણ વિસ્તર્યુ છે.
બેલા ચાઓના પ્રચલિત સંસ્કરણમાં ભલે આઝાદી માટે પ્રાણ આપીને સુંદર ફૂલોની છાયામાં દફન થવાની કામના વ્યકત થતી હોય પરંતુ આના આધારે કોઇ રાજકીય વિચારધારા સ્પષ્ટ થતી નથી. દાયકાઓથી આ ગીતનો યુરોપ અને અન્ય દેશોમાં ડાબેરી આંદોલનોમાં સ્વીકારવામાં આવ્યો હતો છતાં આ કોમ્યુનિસ્ટ ગીત જણાતું નથી. ફાંસીવાદનો વિરોધ, જળવાયુ આંદોલનો, પોપ કલ્ચર ક્રિએટર્સ અને વ્યવસાયિક સંગીતકારોના ઇન્સ્ટુમેન્ટસમાં પણ બેલા ચાઓ ગુંજતું રહયું છે. આ ગીત ગેમિંગ કલ્ચરમાં પણ અપનાવાયું છે. વર્ષ ૨૦૨૪માં યુરોપીય સંસદમાં વામપંથી સદસ્યોએ હંગેરીના વડાપ્રધાન વિકટર ઓરબાનની નીતિઓના વિરોધમાં ગાયું હતું. વર્ષ ૨૦૨૧માં જેરુસલામમાંં પ્રદર્શનકારીઓએ નેતન્યાહુએ સત્તામાં ચિટકી રહેવા વિરુધ પેરોડી ' બીબી ચાઓ' ગાયું હતું. એ સમયે નેતન્યાહુ પર અભિયોગ અને ભ્રષ્ટાચારના આરોપ લાગેલા હતા. યાદ રહે 'બીબી' નેતન્યાહુનું એક ઉપનામ છે. આજે જે સંસ્કરણ પ્રચલિત છે તે ૧૯૬૦ના દશકાની શરુઆતમાં ખાસ કરીને ઇટાલીમાં જન્મેલા ફ્રાંસીસી અભિનેતા ઇવ મોટાના ગાયેલા સંસ્કરણથી ઓળખ મળી હતી. દુનિયા ભરના આંદોલનો અને વિચાર ધારાઓવાળા દરેક પોત પોતાની રીતે ગાય છે અને નવા આંદોલનનું પ્રતિક બની જાય છે. નવાઇની વાત તો એ છે કે આ એક એવું ગીત જેને પોતાનું ઐતિહાસિક મહત્વ ગુમાવ્યું નથી. બેલા ચાઓને કેટલાક વિચારધારાઓ સાથે પણ જોડે છે. આ ગીતની ટીકા પણ થાય છે પરંતુ મોટા ભાગના માને છે કે બેલા ચાઓને વિરોધ અને પ્રતિરોધની ભાવનાના પ્રગટીકરણ સાથે જ વધારે લેવા દેવા છે.


