- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- ખુશ રહેવાનું આપણે શીખવું પડે છે, એના માટે કારણ શોધવા પડે છે. દુ:ખી કે ઉદાસ તો આપણે કોઈ કારણ વગર પણ થઇ શકીએ છીએ
'ડૂ બવાની કળા' - ક્યારેય આ વિષયનું પુસ્તક, પ્રવચન કે કાર્યશાળા વિષે સાંભળ્યું છે ?! તમે કહેશો સવાર સવારમાં શું બોગસ વાત કરો છો, ડુબવામાં તે કોઈ કળા હોતી હશે ?! કળા તરવાની હોય અને એ તમારી પાસે ના હોય તો કુદરતી જ ડૂબી જવાય, એ માટેની કોઈ કળા થોડી હોય ?! સ્થૂળ દ્રષ્ટિએ આ દલીલ સાવ સાચી પરંતુ સૂક્ષ્મ દ્રષ્ટિએ આખું ગણિત બદલાઈ જાય એવું છે. નાનપણમાં હું જ્યારે મ્યુ. સ્નાનાગારમાં સ્વિમિંગ શીખવા જતો ત્યારે જાણકારોનો સમય પૂરો થાય અને શીખાઉનો સમય શરુ થાય એ માટે રાહ જોવી પડતી. હું હંમેશા મારા સમયથી વહેલો પહોંચતો કારણ કે છેલ્લી દસ મિનિટમાં એક વડીલ પાણી પર સુઇ જતા અને હું એમને જોતો રહેતો. મને હંમેશા પ્રશ્ન સતાવતો કે આ વ્યક્તિ ડૂબી કેમ નથી જતી ?! થોડા મહિનાઓ પછી હું જાણકાર થઇ ગયો પછી એમના સમયે જવા માંડયો ત્યારે ખબર પડી કે એ વડીલ પચ્ચીસ લેન્થ મારતા અને છેલ્લે રિલેક્સ થવા પાણી પર સૂઈ જતા. મેં અનેક નિરર્થક પ્રયત્નો કર્યા પછી એકવાર હિંમત કરીને એમને પૂછી કાઢ્યું 'પાણી ઉપર સુઇ કેવી રીતે જવાય ?!' (એ જમાનામાં ગુગલ નહતું) એમણે સ્માઇલ આપતા કહ્યું 'કંઇપણ કર્યા વગર, પાણી ઉપર વિશ્વાસ રાખીને' મને થયું કે એમણે મને અધ્ધરતાલ જવાબ આપીને વાત ઠેકાડી દીધી અને એટલે ફરી પૂછવાની મેં હિંમત પણ ના કરી. મારી સાથે એવું અનેકવાર બન્યું છે કે એક ઉંમરે નાા સમજાયેલી વાત ઉંમરના બીજા તબક્કે આપમેળે જ સમજાઈ ગઈ છે. મને સમજાઈ ગયું કે તરવું એ તો સહજ કુદરતી છે, પાણી જ તમને તરતા રાખે છે, ઉપર તરફ ફેંકે છે. ડૂબી તો આપણા પાણી પરના અવિશ્વાસ અને શરીરને હળવું ના છોડી શકવાને કારણે જવાય છે ! જેને પાણી પર સુતા આવડે છે એણે ડૂબવાની કળા શીખવી પડે છે, તરવું એના માટે સહજ કુદરતી છે બાકી બીજાઓ માટે ડૂબવું કુદરતી છે અને તરવું કળા છે. જો આ તર્ક સમજાતો હશે તો મારી આગળની વાત સમજવી સહેલી બનશે.
'સુખી થવાની કળા', 'સુખનું સરનામું', 'સુખી થવાની ગુરુચાવી' વગેરે વિષયના અગણિત લેખો, નિબંધો, મોટિવેશનલ વક્તવ્યો કે કાર્યશાળાઓ મળશે પરંતુ કોઈ દુ:ખી થવાની કળા તમને શીખવે છે ? એની કોઈ ગુરુ ચાવી છે ? દુ:ખ તો સરનામા વગરનું છે, કોઈપણ ફૂટપાથ ઉપર માથા તળે ઇંટ મૂકીને સુતેલું મળી જાય છે. સુખી થવા પ્રયત્નો કરવા પડે છે, દુ:ખી તો આપમેળે જ થઇ જવાય છે. દુ:ખી થવું એ સુખી થવા કરતા અનેકગણું સહેલું છે, એ માટે ક્યાં કશું શીખવા જવાની જરુર છે, દુ:ખી થતાં તો આપણને એમ જ આવડે છે, એ કળાને તો આપણે એમ જ સાધી લીધી છે ! સુખની ચાવી જડે કે ના જડે, દુ:ખની ચાવી તો આપણી કેડે જ હોય છે. તરવાની કળાની જેમ સ્થૂળ દ્રષ્ટિએ આ બધી જ વાતો સાચી છે પરંતુ અહીં પણ સૂક્ષ્મ દ્રષ્ટિએ આખું ગણિત બદલાઈ જાય એવું છે. અષ્ટાવક્રએ રાજા જનકને કહ્યું હતું એમ સુખ તો આપણો મૂળ સ્વભાવ છે, સુખી થવા કંઇ કરવાની જરૂર નથી, જ્યાં છો ત્યાં જ, હમણાં જ સુખી થઇ જવાય એમ છે - ઁઢિંજ્જફ ગ્શ્નથ' જેમ, તરવા માટે કંઇ જ કરવાની જરૂર નથી, પાણી પર વિશ્વાસ રાખીને શરીર છોડી દો તેમ, સુખી થવા માટે જ છે તે સ્વીકારીને કુદરત પર છોડી દો. જે જૂજ વ્યક્તિઓને આ સ્વીકારભાવ આવડે છે એણે દુ:ખી થવાની કળા શીખવી પડે છે, સુખ એના માટે સહજ કુદરતી છે, બાકી બીજાઓ માટે તો દુ:ખ કુદરતી છે અને સુખી થવું એ એક કળા છે. પાણી પર તરનાર એમ સમજતો હોય કે હાથ-પગ ચલાવવાથી તરી શકાય છે તો એ તેની ભૂલ છે, તરવું સહજ કુદરતી છે. હાથ-પગ ચલાવવાથી ગતિ અને દિશા મળે છે, પરંતુ વ્યવહારમાં હાથ-પગ ચલાવ્યા વગર ડૂબી જવાય છે કારણ કે શરીરને તરતું રાખવાની પાણીની શક્તિ કે ક્ષમતામાં આપણને વિશ્વાસ નથી ! બરાબર એ જ રીતે સ્વીકારભાવ સાથે વર્તમાનમાં જીવવાથી જે છે એમાં સુખ અનુભવાય એ કુદરતી છે. આપણે સફળતા અને સમૃદ્ધિ પામવા સતત હાથ-પગ મારીએ છીએ કારણ કે બાહ્ય કે દુન્યવી ઉપલબ્ધીઓ વગર સુખ અનુભવાય એ બાબતમાંથી આપણે વિશ્વાસ ગુમાવી દીધો છે. નાભિમાં કસ્તુરી લઇને દોડતા મૃગની જેમ સુખ મેળવવાના ચક્કરમાં દુ:ખી થતા રહેવાનું આપણને ફાવી ગયું છે. સરવાળે દુ:ખ, ઉચાટ, રઘવાટ, અજંપો વગેરે આપણો સ્વભાવ બની ગયો છે અને સુખ જાણે સતત ચાલતી શોધ કે કીમિયો ! માહોલ એવો ઉભો થયો છે કે સુખી થવાની કળા શીખવી પડે છે અને દુ:ખી થવાની ફાવટ બેસી ગઇ છે, તણાવ ચારે બાજુ અને શાંતિ શોધી ના જડે !!
માનસિક સ્વસ્થતા ઇચ્છતા દરેક વ્યક્તિને મારી આ વાત સમજાવી જરૂરી છે. સુખી થવાની કોઈ કળા નથી પરંતુ દુ:ખી થવાની જે ફાવટ આવી ગઈ છે એમાંથી મુક્ત થવાનું છે. દુ:ખી થતા કોઈને'ય શીખવવું નથી પડતું. આપમેળે જ આવડી જાય છે. જો સુખી થવું એ એક કળા હોય તો દુ:ખી થવું પણ એક કળા જ કહેવાય ને ?! દુ:ખી થવાની આ કળાની વાત આવતા સપ્તાહે...
પૂર્ણવિરામ
પોતાની નિષ્ફળતા કે અભાવ કરતા અન્યની સફળતા કે ઉપલબ્ધીઓ આપણને વધુ દુ:ખી કરે છે, કારણ કે આપણી નિષ્ફળતાના સો કારણો હોઈ શકે પરંતુ અન્યની સફળતાનું નસીબ સિવાય કોઈ કારણ ના હોઈ શકે !!


