Get The App

પડદા હૈ...પડદા... : હિજાબ સાથે સર્જ્યો ઇતિહાસ

Updated: Jan 27th, 2026

GS TEAM

Google News
Google News
પડદા હૈ...પડદા... : હિજાબ સાથે સર્જ્યો ઇતિહાસ 1 - image

- સેલિબ્રેશન-ચિંતન બુચ

- કેન્યન રેફ્યુજી કેમ્પમાં જન્મેલી મૂળ સોમાલિયાની હલિમા એડન આ બ્યુટી કોન્ટેસ્ટમાં હિજાબ  પહેરીને ભાગ લેનારી સૌ પ્રથમ સ્પર્ધક બની હતી

- 1 ફેબ્રુઆરી

- વર્લ્ડ હિજાબ ડે

વ ર્ષ ૨૦૧૬માં અમેરિકાના મિન્નેસોટા સ્ટેટમાં 'મિસ મિન્નેસોટા' બ્યુટી કોન્ટેસ્ટનું એક દ્રશ્ય કે જ્યાં અપ્સરાઓ પૃથ્વી લોક પર ભૂલી પડીને રેમ્પ ઉપર કેટ વોક કરવા ઊતરી છે. 'ધ નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ ઇઝ...હલિમા એડન...' એનાઉન્સર દ્વારા આ નામની ઉદ્ઘોષણા કરવામાં આવતા જ નિર્ણાયકો સહિત ઉપસ્થિત દરેક દ્વારા તેને તાળીઓના ગડગડાટથી સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવે છે. બીજા દિવસે અખબારોમાં પણ 'મિસ મન્નેસોટા'ની બ્યુટી કોન્ટેસ્ટના વિજેતા કરતાં પણ સેમિફાઇનલિસ્ટ હલિમા એડનની વધુ તસ્વીરો જોવા મળી હતી.  આ બ્યુટી કોન્ટેસ્ટની વિજેતા કે અન્ય કોઇ સ્પર્ધકો કરતાં પણ હલિમા એડન જ શા માટે સૌથી વધુ લાઇમલાઇટમાં આવી તેને લઇને આશ્ચર્ય થવું સ્વાભાવિક છે. વાત એમ છે કે, કેન્યન રેફ્યુજી કેમ્પમાં જન્મેલી મૂળ સોમાલિયાની હલિમા એડન આ બ્યુટી કોન્ટેસ્ટમાં હિજાબ  પહેરીને ભાગ લેનારી સૌ પ્રથમ સ્પર્ધક બની હતી.

૨૦૧૩ના વર્ષથી ૧ ફેબ્રુઆરીની ઉજવણી 'વર્લ્ડ હિજાબ ડે' તરીકે કરવામાં આવે છે. નઝમા ખાન દ્વારા શરૂ કરવામાં આવેલો 'વર્લ્ડ હિજાબ ડે' છેલ્લા ચાર વર્ષથી ટીકાને કારણે વધુ ચર્ચામાં રહ્યો છે. જોકે, આપણે અહીં હિઝાબ તેહઝિબનું પ્રતિક છે કે જૂનવાણી માનસિક્તાનું તે વિષે નહીં પરંતુ એવી બે માનુનીઓ વિષે વાત કરવાની છે જેમણે હિઝાબ પહેરીને પણ બ્યુટી કોન્ટેસ્ટ-સ્પોર્ટ્સના ક્ષેત્રમાં નવો ચીલો પાડયો છે. જેમાં આપણે સૌપ્રથમ  નવેમ્બર-૨૦૧૬માં યોજાયેલી 'મિસ મિન્નેસોટા' બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેનારી હલિમા એડન વિશેની વાતને આગળ ધપાવીશું.  વર્ષ ૨૦૧૫માં  અમેરિકન પ્રમુખપદના ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ સ્થળાંતર કરીને અમેરિકામાં વસવાટ કરી રહેલા મુસ્લિમો વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા હતા ત્યારે સોમાલિયન અમેરિકન હલિમા એડન સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયારી કરી રહી હતી.આમ તો મુસ્લિમ સમાજમાં સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવાની મનાઇ હોય છે પણ આજે કેટલાય નવયુવાનો અનેક પરંપરાઓેને વળોટીને 'હમ હૈ નયે,અંદાઝ ક્યોં હો પુરાના...'નો ફંડા અપનાવીને પોતાનું જીવન જીવતા હોય છે. હલિમાએ નક્કી કર્યું કે તે હિજાબ પહેરીને સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેેશે. આ ઉપરાંત તે બીકિની રાઉન્ડમાં તે બુરકિની (મહિલાઓના શરીરને ઢાંકતાં સ્વિમિંગ સ્યૂટ) પહેરશે. કેન્યન રેફ્યુજી કેમ્પમાં જન્મીને ઉછરેલી  હલિમા સાત વર્ષની હતી ત્યારે તેનો પરિવાર અમેરિકામાં સ્થાઇ થયો હતો. તેણે મિસ. મિન્નેસોટામાં ભાગ લેવાનો નિર્ણય લીધો ત્યારે સૌપ્રથમ પરિવાર અને ત્યારબાદ સમાજના વિરોધનો સામનો કરવો પડયો હતો. આ વિરોધનો વંટોળ પણ હલિમાને ડગાવી શક્યો નહીં.  તેણે પોતાના નિર્ણયનો વિરોધ કરનારાઓને એમ કહીને સમજાવ્યા કે તે પુરવાર કરવા માગે છે કે હિજાબ પહેરનારી મહિલાઓ સમાજના કોઇ દબાણ હેઠળ જીવતી નથી, તેઓ પોતાની મરજી અનુસાર જીવીને પોતાના સ્વપ્ન પણ સાકાર કરી શકે છે. 'લોગ મિલતે ગયે કારવાં બનતા ગયા...' તેમ આયોજકો પણ સૌંદર્ય સ્પર્ધાના  નિયમોમાં ફેરફાર કરવા માટે તૈયાર થયા હતા. ભવિષ્યમાં અમેરિકાની એમ્બેસેડર બનવાનો ખ્વાબ ધરાવતી હલિમા ભલે સૌંદર્ય સ્પર્ધાના ટોપ-૩માં પણ પહોંચી શકી નહીં પણ તેણે વિશ્વને એક સંદેશો આપી દીધો કે સૌંદર્ય એ નગ્નતાનો મોહતાજ નથી.

હવે સ્પોર્ટ્સની વાત કરીએ તો  બ્રાઝિલના રિયો ખાતે ૨૦૧૬માં યોજાયેલી ઓલિમ્પિક્સમાં  અમેરિકાની ઇબ્તિહાજ મુહમ્મદ, સાઉદી અરેબિયાની કરિમન એબેજુડિયલ,અફઘાનિસ્તાનની કામિયા યુસુફીએ ઈતિહાસ સર્જી દીધો હતો. જેમાંથી કરિમન એબેજુડિયલ, ેકામિયા યુસુફી ઓલિમ્પિક્સમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરનારી સૌપ્રથમ મહિલા એથ્લિટ બની હતી. આ બંનેએ હિજાબ સાથે રેસમાં ભાગ લીધો હતો. બીજી તરફ ૩૦ વર્ષીય ઇબ્તિહાજ મુહમ્મદે તલવારબાજીમાં ભાગ લીધો હતો. જેમાં તે હિજાબ સાથે મેડલ જીતનારી અમેરિકાની સૌપ્રથમ એથ્લિટ બની હતી. આ સિદ્ધિ બદલ ઇબ્તિહાજનો 'ટાઇમ'ના વર્ષ ૨૦૧૬ના સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં પણ સમાવેશ કરાયો હતો. 

૧૯૯૬ની ઓલિમ્પિક્સ વખતે ૨૬ દેશોએ તેમની મહિલા એથ્લિટ્સને ઓલિમ્પિક્સમાં મોકલી નહોતી જ્યારે ૨૦૧૬ની ઓલિમ્પિક્સમાં આ પ્રમાણ નહિવત્ થઇ ગયું હતું. ઓલિમ્પિક્સમાં ભાગ લેનારાં સત્પ્રથમ મુસ્લિમ મહિલા તુર્કીના હેલેટ કેમ્બેલ હતા, તેમણે ૧૯૩૬ની બલન ગેમ્સની તલવારબાજી સ્પર્ધામાં ભાગ લીધો હતો. એડોલ્ફ હિટલરે પણ હેલેટ સાથે મુલાકાત માટે આતુરતા દર્શાવી હતી. પરંતુ રાજકીય કારણોને લીધે આ મુલાકાત શક્ય બની નહોતી. મોરક્કોનાં નવાલ અલ મૌતાવાકેલ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનારાં સૌપ્રથમ મુસ્લિમ મહિલા છે, તેમણે ૧૯૮૪ની લોસ એન્જલસ ગેમ્સની ૪૦૦ મીટર હર્ડલ રેસમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. 

૨૦૦૪ની ઓલિમ્પિક્સ વખતે બહેરિનની રૂકાયા અલ ગસારા હિજાબ પહેરીને ભાગ લેનારી સૌપ્રથમ મહિલા એથ્લિટ બની હતી. પરંતુ હિજાબને કારણે આજે પણ રૂઢિવાદીઓનો ડર આજે પણ યથાવત્ છે. આ વર્ષના પ્રારંભે જ શાંઘાઇ ખાતે યોજાયેલી વર્લ્ડ ચેસ ટુર્નામેન્ટમાં ઇરાનની ઓફિશિયલ શોહરેહ બાયતની તસવીર વાયરલ થઇ હતી, જેમાં તેણે હિજાબ પહેર્યો નહોતો. જેના કારણે તેણે એવો ભય વ્યક્ત કર્યો હતો કે, 'ટુર્નામેન્ટ દરમિયાન ઓફિશિયલ તરીકે મારા દેખાવની પ્રશંસા થઇ રહી છે. પરંતુ મારા દેશ ઇરાનમાં તેની નોંધ નહીં લેવામાં આવે પણ મેં હિજાબ કેમ નહોતો પહેર્યો તેના આધારે મને કઠેડામાં ઉભી રખાશે...'