- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
- ધર્મની વાતોમાં અભિવ્યક્તિ નહીં, મૂળ પ્રતીતિ જ મહત્વની હોય છે
'ત મારું પ્રવચન સાંભળ્યું. નવરા હો ત્યારે જરા ધર્મની 'ચર્ચા' કરીએ' ટેલિફોન પર છૂપાં મિથ્યાભિમાન અને આત્મવંચક ભ્રમણાના અપચાનો ઓડકાર ફેંકતા જણને સાંભળીને હસવું, રડવું કે દયા ખાવી એ સૂઝે નહીં. દાયકાઓથી કથા-વાર્તા-પુસ્તકિયાં વેદાન્તમાં છબછબિયાં કરી કરીને - ધર્મ અને અધ્યાત્મને પણ બકબક કરવા અને ફીફાં ખાંડવાનો વિષય સમજનારી એક મોટી જમાત ઊભી થઈ ચુકી છે. આવી જમાતના 'પ્રતિનિધિ' નો પનારો ત્યારે એમને માઠું ન લાગે એમ પીછો છોડાવવો પડે.
ધર્મ ચર્ચાનો વિષય નથી. ધર્મ વ્યક્તિગત યાત્રા છે. ધર્મ અનુભૂતિનો વિષય છે. સાંપ્રદાયિક શિસ્ત અને બંધનો માત્ર મહોરાં છે, ધર્મ-તત્વ સાથે એને કશી લેવાદેવા નથી. ધર્મને સંસ્થારૂપે જડ અને કાયમી બનાવવાની બેવકૂફી કોઈ જ જ્ઞાની પુરૂષ કરે નહીં, કારણ કે ધર્મનું બુનિયાદી તત્વ તો કાયમી છે જ, એ કોઈ જ સંપ્રદાય, બંધન, સંખ્યા, પ્રચાર-પ્રસારનું મોહતાજ નથી.
આવાં રાતરાણીનાં પુષ્પની સુગંધ જેવા વિષયની ચર્ચા હોય ? કે એ વિષય માણવાનો હોય ? ધર્મના વિષયમાં જે અનુભૂતિ-વિહોણી ફેંકાફેંક ચાલે છે એ જોઈને આશ્ચર્યનો પાર ના રહે. તાજેતરમાં ક્યાંક એક પ્રવચનના અહેવાલનું શીર્ષક વાંચ્યું :' ભગવાન મહાવીર જૈન ધર્મ સમજવાની ચાવી છે' વાહ ! ધર્મ-તત્વને તમે એટલું ગૂંચવણભર્યું સમજો છો કે કોઈ સમજાવે તો કોઈ સમજે ? 'જે દુ:ખ તને થાય છે તે જ દુ:ખ અન્યને થાય છે.' આટલી વાત જૈન ધર્મનો મુખ્ય પાયો છે. હવે જરા જવાબ આપો કે આટલી વાત ગળે ઉતારવા કોઈ પંડિતની, કોઈ પ્રવચનની જરૂર છે ખરી ?
ધર્મની વાતોમાં અભિવ્યક્તિ નહીં, મૂળ પ્રતીતિ જ મહત્વની હોય છે અને એ પ્રતીતિ દરેકની જુદા જુદા સ્તરે હોય છે. અહિંસા અને પ્રેમના ગ્રન્થો મોઢે, કંઠસ્થ હોય, ને છતાં રાવણને સારો કહેવડાવે એટલો ક્રૂર હોય. તમે અન્યને કશું સમજાવો ત્યારે તમારા અને અન્ય વચ્ચે સમાન ભાષાનો સેતુ જરૂરી છે, અનિવાર્ય છે, પણ ધર્મ-તત્વની તકલીફ એ છે કે એની પ્રતીતિ 'સમજવા' માટે 'ભાષા-જ્ઞાન'' નહીં, સમજાવનાર અને સમજનારના આંતરિક સ્તરની સમાનતા જરૂરી છે.
તમે ગુજરાતી જોડકણું અંગ્રેજી લિપિમાં લખો, અંગ્રેજી લિપિ જાણનાર એ ગુજરાતી જોડકણું પોતાનાં લિપિ-જ્ઞાનની મદદથી વાંચીને ગોખી નાખે, તો શું એ ભાઈ જોડકણાં-જ્ઞાની બન્યા કહેવાય ? હા, તમે દલીલ ખાતર કહી શકો કે જોડકણાંનો અંગ્રેજી અનુવાદ સાથે આપ્યો હોય તો ચાલે. પણ ધર્મના વિષયમાં તો ભાષા-જ્ઞાનનું પણ ઝાઝું મહત્વ નથી. બાઈબલનું એક વાક્ય તમે અનુવાદરૂપે વાંચો એ તો ઠીક, મૂળ બાઈબલની પ્રાચીનભાષા તમને આવડતી હોય, છતાં તમે એ વિધાનનો અર્ક પકડી ન શકો એમ બને, કારણ કે અધ્યાત્મ, ધર્મને લિપિ, ભાષા સાથે ઝાઝી લેવાદેવા નથી.
ધર્મ તો જીન્દગીના રણમાં મીઠી વીરડી છે, અને આથી જ તો એ વીરડી પર કબ્જો મેળવવા સંપ્રદાયની આડશ હેઠળ સતત પ્રયત્નો થતા રહ્યા છે.


