Get The App

માઈકલ જેકસન ફરી એક વાર વિવાદમાં !

Updated: Jan 27th, 2026

GS TEAM

Google News
Google News
માઈકલ જેકસન ફરી એક વાર વિવાદમાં ! 1 - image

- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- બ્રિટનનાં કેટલાંક અડધિયાં અખબારોએ એવા સમાચાર પ્રગટ કર્યા કે માઇકલ જેક્સનના પુત્ર બ્લેન્કેટ ઉર્ફે બીગીનો અસલી પિતા માર્લોન બ્રાન્ડો છે

અ મેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા થોડા સમયથી એવા નિર્ણયો જાહેર કરે છે કે જેને કારણે અન્ય કેટલાક સમાચારો તરફ સામાન્ય વાચકનું કે આમ આદમીનું ધ્યાન જલદી જતું નથી. એવા એક સમાચારે સમગ્ર વિશ્વના સંગીત રસિકોને તાજેતરમાં ચોંકાવી દીધા હતા. જો કે આ સમાચાર પ્રગટ કરનારા કેટલાંક યૂરોપિયન અખબારો ખાસ કરીને અડધિયાં (ટેબ્લોઇડ્સ) અવારનવાર ખરી-ખોટી સનસનાટી ફેલાવવા માટે પંકાયેલાં છે. આ સમાચાર પ્રગટ થયા કે તરત એના જોરદાર પ્રતિભાવ પણ વહેતા થયા હતા. વાત માંડીને કરીએ.

તમે હોલિવૂડની ફિલ્મોના ચાહક હો તો તમે ગાડફાધર ફિલ્મ જરૂર જોઇ હશે. એનો હીરો માર્લોન બ્રાન્ડો પોતાની રીતે લિવિંગ લેજન્ડ તરીકે જબરદસ્ત લોકપ્રિયતા મેળવી ચૂક્યો હતો. અભિનેતા હોવા ઉપરાંત એ સ્વતંત્ર વિચારક તરીકે પણ પંકાયો હતો. કારકિર્દીના એક તબક્કે એણે દુનિયાભરના કલાકારો જે એવોર્ડ મેળવવા તડપે છે એ ઓસ્કાર એવોર્ડનો અસ્વીકાર કર્યો હતો. એના આ નિર્ણયે પણ સારો એવો ખળભળાટ સર્જ્યો હતો. માર્લોન બ્રાન્ડો અવ્વલ કક્ષાનો અભિનેતા હોવા ઉપરાંત પાશ્ચાત્ય સંગીતનો ઊંડો અભ્યાસી હતો અને એણે પોતે અભિનય કર્યો હોય કે ન કર્યો હોય એવી કેટલીક ફિલ્મોમાં ગીતો પણ ગાયાં હતાં. સંગીતનો અભ્યાસી હોવાને કારણે માર્લોન બ્રાન્ડોને પોપ સંગીતના બેતાજ બાદશાહ ગણાતા માઇકલ જેક્સન સાથે સારી દોસ્તી હતી. જો કે બંનેની ઉંમર વચ્ચે ખાસ્સો ફરક હતો. માર્લોન બ્રાન્ડો ૧૯૨૪માં જન્મ્યા હતા જ્યારે માઇકલ જેક્સન ૧૯૫૮માં જન્મ્યો હતો. આમ છતાં  બંને વચ્ચે આત્મીય સંબંધો હતા. બંને કલાકારોના કરોડો ચાહકો છે.

જે સમાચારે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું એ સમાચાર આ રહ્યા. બ્રિટનનાં કેટલાંક અડધિયાં અખબારોએ એવા સમાચાર પ્રગટ કર્યા કે માઇકલ જેક્સનના પુત્ર બ્લેન્કેટ ઉર્ફે બીગીનો અસલી પિતા માર્લોન બ્રાન્ડો છે. માઇકલના શુક્રાણુ નબળા હતા એટલે બ્રાન્ડોએ વીર્યદાન કર્યું હતું. એ વીર્યદાન દ્વારા આઇવીએફ સારવારથી બ્લેન્કેટ જન્મ્યો હતો. બ્લેન્કેટ કોની કૂખે જન્મ્યો, એની માતા કઇ એ વિશે આ સમાચારમાં કોઇ ખુલાસો નહોતો. આ સમાચાર પ્રગટ થતાંની સાથે ઇંગ્લેંડ અને અમેરિકા બંને દેશોમાં જોરદાર વિરોધ વ્યક્ત કરાયો. વિરોધ થવાનાં બે ત્રણ કારણો ગણી શકાય. અત્યારે ન તો માર્લોન બ્રાન્ડો હયાત છે ન માઇકલ જેક્સન હાજર છે. માઇકલ જેક્સનના જે પુત્રની વાત આ સમાચારમાં પ્રગટ થઇ એ અત્યારે ૨૩ વર્ષનો યુવાન છે. આ બંને મુદ્દા મહત્ત્વનાં છે. સૌથી મહત્ત્વનું કારણ એ કે માઇકલ જેક્સનને અન્ય બે સંતાનો છે. પુત્રી પેરિસ જેક્સન અને પુત્ર પ્રિન્સ જેક્સન.

સમાચારનો વિરોધ કરનારા કહે છે કે જો બ્લેન્કેટ માર્લોન બ્રાન્ડોના વીર્યદાનથી થયો હોય તો બીજાં બે સંતાન શી રીતે થયાં ? પેરિસ અને પ્રિન્સ અન્યનાં વીર્યદાનથી જન્મ્યાં છે કે ? માઇકલ જેક્સનના શુક્રાણુ નબળા હતા એવો કોઇ મેડિકલ રિપોર્ટ ક્યારેય પ્રગટ થયો નથી. માઇકલ જેક્સનના શુક્રાણુ કમજોર હતા એનો પુરાવો શો ? અત્યારે આ સમાચાર પ્રગટ કરનારાં ટેબ્લોઇડ્સ સામે બદનક્ષીનો દાવો કરવામાં આવે તો આ લોકો પોતાના સમાચાર સાચા હોવાનો પુરાવો આપી શકશે ખરાં એવો સવાલ માઇકલ જેક્સનના ચાહકો કરી રહ્યા છે ? સમાચાર ખોટાં હોય તો બ્લેન્કેટની કારકિર્દી પર જે ધબ્બો લાગવાનો છે એનું શું ? એની સ્કૂલ-કૉલેજનાં સર્ટિફિકેટ્સમાં પિતા તરીકે માઇકલ જેક્સનનું નામ છે. એ માઇકલ જેક્સનના પુત્ર તરીકે પિતાની સંપત્તિનો હકદાર છે. 

વળી, માઇકલ જેક્સને બે વાર લગ્ન કર્યાં અને બંને પત્નીને છૂટાછેડા આપ્યા હતા. પહેલી પત્ની લીઝા પ્રિસ્લી હયાત હતી ત્યારે જ માઇકલ જેક્સને બીજી પત્ની ડેબી રોવ સાથે લગ્ન કર્યાં અને લીઝાને છૂટાછેડા આપ્યાં. પેરિસ અને પ્રિન્સની માતા ડેબીને પણ એણે 

પાછળથી છૂટાછેડા આપી દીધેલા અને ત્યારબાદ એ એકલો રહેતો હતો. બ્રાન્ડોના શુક્રાણુથી બ્લેન્કેટ જન્મ્યો એવા અહેવાલ પાછળ એક દલીલ એવી પણ છે કે ચહેરે મહોરે નાક નક્શે બ્લેન્કેટ બ્રાન્ડોને મળતો આવે છે. સત્ય શું છે એ કોઇ કહી શકે એમ નથી કારણ કે બ્રાન્ડો ૨૦૦૪માં અવસાન પામ્યા અને માઇકલ જેક્સન ૨૦૦૯માં અવસાન પામ્યો. આ બંને લેજન્ડ્સ અત્યારે હાજર નથી. એટલે આ સમાચારને કાયદેસર રીતે રદિયો આપી શકે એવું કોઇ હાજર નથી. આ લેખ લખાઇ રહ્યો હતો ત્યાં સુધીમાં કોઇએ આ સમાચાર પ્રગટ કરનારાં ટેબ્લોઇડ્સને કાયદેસર રીતે પડકાર્યાં નહોતાં.