Magazines

'મારે ત્રીસ કરોડને પતાવી નાખવા છે....' .

By GS TEAM
16 Jun 20264 mins read
'મારે ત્રીસ કરોડને પતાવી નાખવા છે....'                                   .

- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- એક અમેરિકી નાગરિકે આઇએસઆઇએસ પાસે એક સાથે લાખો લોકોને મારી નાખી શકાય એવો દારુગોળો કે બીજી સામગ્રી માગી હતી

૨૦૦૮ના નવેંબરમાં દરિયા માર્ગે મુંબઇમાં ઘુસેલા પાકિસ્તાની આતંકવાદીઓએ ભારતીય અને વિદેશી પર્યટકો મળીને દોઢસો જણની નિર્મમ હત્યા કરી હતી અને બીજા અઢીસોથી ત્રણસો જણને ઇજા પહોંચાડી હતી. આ ઘટનાએે સમગ્ર દેશને ખળભળાવી મૂક્યો હતો. માત્ર ૧૫૦ વ્યક્તિની હત્યાએ દેશને સ્તબ્ધ કરી દીધો હોય તો લાખો લોકોને મારી નાખવામાં આવે ત્યારે આખી દુનિયામાં ખળભળાટ થઇ જાય કે નહીં ? આઇએસઆઇએસ (ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ સિરિયા)એ એક સાથે ત્રીસ કરોડ અમેરિકી નાગરિકોની હત્યા કરવાના ઘડેલા એક રાક્ષસી પ્લાનમાં સંડોવાયેલા ત્રણ શકમંદ અમેરિકી નાગરિકોની ગયા સપ્તાહે અમેરિકી ગુપ્તચર સંસ્થા ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ)એ ધરપકડ કરી હતી. આ ત્રણે અમેરિકી નાગરિક છે અને ખૂબ ઊંચી શૈક્ષણિક યોગ્યતા ધરાવે છે.

એફબીઆઇએ આ ત્રણેની ધરપકડ પૂરતા પુરાવા સાથે કરી હતી. પકડાયેલા ત્રણે જણ ચોક્કસ કોમના  અને ધર્મના હોવાથી એમને પકડવામાં  આવ્યા છે એવું નથી. વાસ્તવમાં  અગાઉથી મળેલી બાતમીના આધારે એફબીઆઇ છેલ્લા દોઢેક વર્ષથી આ ત્રણેના ટેલિફોન અને વ્હોટ્સ એપ સંદેશાને ટ્રેસ કરી રહી હતી. એવા સંદેશામાં એક સંદેશો એવો હાથ લાગ્યો કે એફબીઆઇના જાસુસો ચોંકી ઊઠયા. એ સંદેશો એવો હતો કે એક અમેરિકી નાગરિકે આઇએસઆઇએસ પાસે એક સાથે લાખો લોકોને મારી નાખી શકાય એવો દારુગોળો કે બીજી સામગ્રી માગી હતી. આ સંદેશા પછી એફબીઆઇના ગુપ્તચરો વધુ સાવધ થઇ ગયા અને આ ત્રણેના સંદેશા ટ્રેસ કરવા ઉપરાંત આ ત્રણેના નિવાસસ્થાન તેમજ કામ કરવાના સ્થળે અત્યંત પાવરફૂલ સેન્સર્સ ગોઠવી દીધા. કેટલેક સ્થળે અતિ પાવરફૂલ અને સહેલાઇથી કોઇના ધ્યાનમાં ન આવે એવા સેન્સિટીવ કેમેરા પણ લગાડી દીધા.

ગયા સપ્તાહે આ ત્રણ જેવા પકડાયા કે તરત એફબીઆઇએ મિડિયા સુધી આ વાત પહોંચે એ પહેલાં ત્રણેને કોર્ટમાં રજૂ કરી દીધા અને આરોપનામું ઘડી કાઢયું. ત્રણમાંનો એક બીસામ ગફૂર (ઉંમર વર્ષ ૨૧) કેન્સાસના લીવૂડ વિસ્તારમાં રહે છે. બીજો એલિયાસ સમ્સુદ્દીન (ઉંમર વર્ષ ૨૧) કેલિફોનયાના પોર્ટરવીલેનો રહેવાસી છે અને ત્રીજો બેરીન ડિઝાઇ (ઉંમર વર્ષ ૨૫) કેલિફોર્નિયાના લેકસાઇડ વિસ્તારનો રહેવાસી છે. પોલીસે એમના ઘર અને ઑફિસમાં પાડેલા દરોડામાં સંખ્યાબંધ લેપટોપ્સ અને મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. એમણે કરેલા કોલ્સ અને વ્હોટ્સ એપ મેસેજિસની વિગતો તપાસાઇ રહી છે. કોર્ટે તેમને પૂછપરછ માટે એફબીઆઇની કસ્ટડીમાં રાખવાના આદેશ આપ્યા હતા. સમગ્ર એફબીઆઇ ચોંકી ઊઠી હતી કારણ કે આ પ્લોટમાં તો ત્રીસ કરોડ એટલે કે લગભગ આખા અમેરિકાને ખતમ કરી નાખવાની વાત હતી. અમેરિકાની હાલની વસતિ ૩૪ કરોડ નેવું લાખની હોવાનો અંદાજ છે. આઇએસઆઇએસ ત્રીસ કરોડને ઊડાવી દેવાનો પ્લાન કરતી હોય તો અમેરિકાનું નામનિશાન લગભગ મટી જાય.આ ત્રણેએ આતંકવાદી જૂથોનો  ઓપરેટિવ હોય એવા એક આદમીને બબ્બે હજાર અમેરિકી ડૉલર્સ મોકલ્યા હતા. એફબીઆઇ સતત આ ત્રણેના ઓનલાઇન કોમ્યુનિકેશનને ટ્રેસ કરી રહી હતી. આ લોકોએ કોને નાણાં મોકલ્યા એના સગડ મેળવવાના પ્રયાસો પણ ચાલુ છે. પાંચમી જૂને આ ત્રણેને પકડયા બાદ એફબીઆઇએ મોટા ભાગના મુસ્લિમ દેશોમાં રહેલા પોતાના ગુપ્તચરોને સાવધ કરી દીધા હતા. તેમને કહેવામાં આવ્યું હતું કે તમારા બાતમીદારો સાથે સતત સંપર્કમાં રહો અને ઝીણામાં ઝીણી માહિતી તત્કાળ પહોંચાડતા રહો.

આ ત્રણેએ જે વ્યક્તિને બબ્બે હજાર ડૉલર્સ મોકલ્યા એને એમ જણાવવામાં આવેલું કે અમને ચોક્ક્સ પ્રકારના ડ્રોન અને રોકેટ સંચાલિત ગ્રેનેડ (બોંબ) મોકલો. આ પ્લાનનો અમલ ક્યારે કરવાનો હતો એ અંગે ગુપ્તચરો વધુ તપાસ કરી રહ્યા હતા. હાલ ઇરાન સાથે અમેરિકા અને ઇઝરાયેલનો સંઘર્ષ ચાલી રહ્યો છે એવા સમયે 

આઇએસઆઇએસ પરિસ્થિતિનો લાભ ઊઠાવીને અમેરિકામાં ભીષણ આતંકવાદી હુમલો કરી નાખે એવી દહેશત હતી.

કોઇને કદાચ એવી શંકા જાગે કે ત્રીસ કરોડનો આંકડો એફબીઆઇએ ક્યાંથી કાઢયો. હકીકત એવી છે કે સમ્સુદ્દીને મોકલેલા એક સંદેશામાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે મને એક સ્માર્ટ લેડી સૂસાઇડર જોઇએ છે. હું એક સાથે ત્રીસ કરોડ અમેરિકનોને ઊડાડી દઉં એવી મારી ખ્વાહિશ છે...આ સંદેશો એફબીઆઇએ અમેરિકી લશ્કરી ગુપ્તચર  વડાને પણ મોકલ્યો હતો. અત્યારે તો એફબીઆઇ રાત રાતના ઉજાગરા કરીને આ પ્લાન સુધી પહોંચવા મગજમારી કરી રહી છે. આગામી દિવસોમાં કદાચ વધુ ચોંકાવનારી વિગતો બહાર આવશે. અત્યાર સુધી એફબીઆઇએ એકમાત્ર બેરીન ડિઝાઇનો ફોટોગ્રાફ મિડિયાને આપ્યો છે. બીજા બેની કોઇ વધુ વિગત કે ફોટોગ્રાફ હજુ મિડિયાને અપાયા નથી.