- રજનીગંધા-વિભાવરી વર્મા
- જ્યારે નીરવને ભાન થયું કે નફો તો માત્ર મોબાઈલમાં જ બતાડે છે પરંતુ પૈસા વિથ-ડ્રો કરી શકાતા નથી, ત્યાં સુધીમાં લગભગ ૩૦ લાખ રૂપિયા એમાં નાખી ચૂકયો હતો.
'હ વે તો એક જ ઉપાય છે... આત્મહત્યા !' નીરવ રેલ્વેના પાટાની બિલકુલ બાજુમાં ઊભો હતો. દૂરથી ટ્રેન આવી રહી હતી. ટ્રેનનો જે અવાજ હતો એના કરતાં નીરવના મગજમાં ખળભળી રહેલો ઘોંઘાટ દસ ગણો હતો...
'બસ, એક જ કૂદકો અને ખેલ ખતમ !'
ધસમસતી આવી રહેલી ટ્રેનનું એન્જિન એકદમ નજીક આવી ગયું. નીરવ હજી પોતાનો પગ ઉપાડે એ પહેલાં તો 'ભોં....' કરતું ડિઝલ એન્જિન મોટા ધમધમાટ સાથે પસાર થઈ ગયું !
ટ્રેનની સ્પીડને કારણે જે હવા ફેંકાઈ રહી હતી એમાં નીરવ આખેઆખો હલબલી ગયો !
હવે શું ! ટ્રેન તો પસાર થઈ રહી છે ! ત્યાં અચાનક વિચાર આવ્યો કે બસ, એક જ કૂદકો મારવાની વાર છે. આ ગુડ્ઝ ટ્રેનના લોખંડી ડબ્બાસાથે મારું માથું ભટકાશે અને બે જ સેકન્ડમાં ખોપડીના ફૂરચેફૂરચા ઊડી જશે...
નીરવ કૂદકો મારવા માટે હજી આગળ ઝૂક્યો ત્યાં તો પાછળથી કોઈકે એના શર્ટનો કોલર ઝાલીને એવો જોરથી ખેંચ્યો કે નીરવ ટ્રેનના પાટાથી દૂર કાળા પથ્થરોના ઢાળ ઉપર ગબડી પડયો !
બે ક્ષણ માટે તો એની આંખ સામે અંધારું છવાઈ ગયું... પણ જ્યારે જરીક સરખું દેખાતું થયું ત્યારે નીરવને નવાઈ લાગી. તેનો કોલર ખેંચીને ધક્કો મારનારી એક સુંદર યુવતી હતી!
'કંઈ ભાનબાન પડે છે ? આ રીતે શું કરી રહ્યો હતો ? મરી ગયો હોત તો ? તારા અગ્નિ સંસ્કાર કરવા માટે સરખી ડેડ બોડી પણ ના મળી હોત ! આ તો હું મારી કાર લઇને આ રેલ્વે અંડરબ્રિજ નીચેથી પસાર થતી હતી ત્યાં મારી નજર પડી. બાકી-'
નીરવ હજી એ ખુબસુરત છોકરી સામું આંખો ફાડીને જોઈ જ રહ્યો હતો.
'આમ જોયા શું કરે છે ? જિંદગીમાં કોઈ દહાડો કોઈ છોકરી જોઈ જ નથી કે શું ? અને બકા, એવું તે વળી શું આભ તૂટી પડયું છે તારી ઉપર કે આમ રેલ્વેના પાટા પર મરવા આવી ગયો હતો ?'
નીરવના ગળે ડૂમો ભરાઈ આવ્યો. બબ્બે મહિનાથી છાતીમાં જે ભાર સંઘરી રાખ્યો હતો તે અચાનક તૂટી ગયો. તે ધુ્રસકે ધુ્રસકે રડવા લાગ્યો.
'કમ ઓન યાર...' યુવતીએ તેનો હાથ પકડીને એક 'હગ' કર્યું. નીરવ રડતો રહ્યો.. યુવતી ક્યાંય લગી હળવેકથી તેની પીઠ પસવારતી રહી.
છેવટે, નીરવે આખી કહાણી કીધી.
વાત એમ હતી કે એક ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટની સ્કીમમાં તે ફસાઈ ગયો હતો. શરૂ શરૂમાં તેના રોકાણના બદલામાં વીસથી ત્રીસ ટકા જેટલો નફો મળતો હતો. એની લાલચમાં આવીને નીરવે મિત્રો પાસેથી પૈસા ઉછીના લીધા. પછી પોતાની ઉંમરના કઝિન્સ પાસેથી, અને છેલ્લે તો પોતાના કાકાઓ અને મામાઓ પાસેથી ઉધારમાં રૂપિયા લઈને તે આ સ્કીમમાં નાંખતો રહ્યો...
છેવટે જ્યારે નીરવને ભાન થયું કે નફો તો માત્ર મોબાઈલમાં જ બતાડે છે પરંતુ પૈસા વિથ-ડ્રો કરી શકાતા નથી, ત્યાં સુધીમાં લગભગ ૩૦ લાખ રૂપિયા એમાં નાખી ચૂકયો હતો.
હવે એ ૩૦ લાખ લાવવા ક્યાંથી? નીરવના ૫૮ વરસના પપ્પા એક ખાનગી કંપનીમાં મામુલી કારકુનની જોબ કરે છે. પોતે ખાસ ભણ્યો પણ નથી...
'એટલે તને થયું કે હું જ મરી જાઉં! એટલે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એમ ?' યુવતીએ કડક અવાજે કહ્યું :
'તને શું લાગે છે, તારા અઠ્ઠાવન વરસના પપ્પા આ બધું દેવું ચૂકવી શકશે ? શી રીતે ચૂકવશે ? કે એ પણ આવી કોઈ જાદૂઈ સ્કીમમાં નસીબનો દાવ લગાડીને છેવટે તારી જેમ જ આવા કોઈ રેલ્વેના પાટા ઉપર-'
નીરવ નીચું જોઈ ગયો. પેલી યુવતીએ કહ્યું, 'ઊભો થા. દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન હોય છે. તારા પ્રોબ્લેમનું પણ સોલ્યુશન નીકળશે.'
એ યુવતીનું નામ આરા હતું. આરાએ સૌથી પહેલાં તો નીરવના તમામ લેણદારોની એક મિટીંગ ગોઠવી.
ત્યાં નીરવ પાસે પ્રોમિસ લેવડાવ્યું કે તે મહેનત કરશે, મજુરી કરશે, પણ દરેકે દરેકને પાઇપાઇ ચૂકતે કરી આપશે. એટલું જ નહીં, આરાએ એના ડેડીને રિકવેસ્ટ કરીને તાત્કાલિક ૧૦ લાખ રૂપિયાની મદદ કરવાની વ્યવસ્થા કરી દીધી. એ પછી ડેડીની જ ઓળખાણથી એક કો.ઓપરેટીવ બેન્કમાંથી એક સેકન્ડ હેન્ડ રીક્ષા લોન ઉપર અપાવી દીધી !
નીરવને માટે તો આ જાણે ચમત્કાર હતો ! માત્ર અડધો કલાકમાં તો આખું ટેન્શન ખતમ થઈ ગયું !'
છતાં નીરવને જ્યારે જ્યારે ખરાબ વિચારો આવે, નેગેટિવ ફિલીંગ્સ મગજ ઉપર હાવી થવા લાગે ત્યારે તે આરાને ફોન કરતો.
આરા પણ તેને હિંમત આપવા માટે આવી જતી હતી. છ મહિનામાં તો આરા નીરવની ખાસ ફ્રેન્ડ બની ગઈ.
એક દિવસ નીરવે આરા આગળ દિલની વાત કહી દીધી. 'આરા, આઈ લવ યુ !'
'એક મિનિટ !' આરાનો ટોન તરત જ બદલાઈ ગયો. આ લવનું લફરું ક્યાંથી ઘુસી ગયું તારા મનમાં ? અને બાય ધ વે, મારો ઓલરેડી એક બોયફ્રેન્ડ છે ! છ દિવસમાં એની સાથે મારી સગાઈ થવાની છે !'
નીરવનું દિલ તૂટી ગયું. તેણે રડતાં રડતાં કહ્યું, 'આરા, તું જ કહે, હું તારા વિના આખી જિંદગી શી રીતે જીવી શકીશ ?'
આરાએ કહ્યું, 'જો નીરવ, એક વાત કિલયરલી સમજી લે. હું તો તને મદદ કરતી હતી. પણ તું મને તારી બગલઘોડી સમજી બેઠો છે ! આજથી તારી આ બગલઘોડી તારાથી દૂર થઈ ગઈ સમજ. હવે જો તું તારા પોતાના પગ વડે ન ચાલી શકે તો એ તારી નબળાઈ નહીં પણ કાયરતા હશે. નીરવ, નિષ્ફળતાથી ડરીને મોતને અપનાવવું તો સાવ સહેલું છે પણ જિંદગીને સામી છાતીએ અપનાવવામાં જ સાચી હિંમતની જરૂર પડતી હોય છે. જરા શાંતિથી વિચારજે... ગુડ બાય !
છ દિવસ પછી જ્યારે નીરવે આરાની એન્ગેજમેન્ટ પાર્ટીમાં જવા માટે પગ ઉપાડયા, ત્યારે પહેલી વાર લાગ્યું કે હા, હવે કોઈ બગલઘોડીની જરૂર રહી નથી...


