Magazines

તમારે સુખ વેચાતું લેવું છે ?

By GS Team
21 Dec 20193 mins read
This article was originally published on 21 Dec 2019
તમારે સુખ વેચાતું લેવું છે ?


ઊંઘ, ભૂખ, પ્રેમ અને સુખ ક્યારેય વેચાતા મળે નહીં, તેનો કિલોમાં કે રતલમાં ભાવ શું ગણવો ? સુખ એ મનની પ્રસન્નતાનો એક ભાવ છે, જે દરેકના મનમાં વત્તાઓછા પ્રમાણમાં પડેલો જ છે

આજના ઝડપી અને આધુનિક જમાનામાં દરેકને એમ લાગે છે કે, તે સુખી નથી, કેમ ? તે જ સમજ પડતી નથી. સમય, સંબંધ અને સ્વાસ્થ્યનો અભાવ જ માનવીને દુ:ખી કરી દે છે. શરીરનું સ્વાસ્થ્ય તો સુખી બનવાની પહેલી શરત છે, જરૂરિયાત છે. સંબંધો ધીમેધીમે બગડતા જાય છે, સંતોષ ઘટતો જાય છે, સમયનો અભાવ પણ માણસને ઉતાવળિયો અને ઘાંઘો બનાવી દે છે. આખો દિવસ દોડાદોડ, ચડસાચડસી, દેખાદેખી અને મજૂરી કરીને થાકેલા માણસ પથારીમાં પડતા વિચારે છે, મને સુખ કેમ મળતું નથી ? વાંધો ક્યાં છે ? સુખ વેચાતું મળશે ?એટલા માટે જ અમેરિકાની યેલ યુનિવર્સિટીના સાયકોલોજીના પ્રોફેસર ડોકટર લોરી સેન્ટરસોએ સુખી થવા માટેનો કોર્સ જાન્યુઆરી ૨૦૧૮માં ચાલુ કર્યો, અને તેમાં પહેલા જ અઠવાડિયે ૧૨૦૦ સ્ટુડન્ટ્સનાં નામ રજિસ્ટર થઇ ગયા.

આમાં ડો. લોરી જીવનમાં સુખી અને સંતોષકારક જીવન કઇ રીતે જીવવું તે શીખવે છે. આમ યુનિવર્સિટી લેવલે સુખી થવાના ક્લાસ શરૂ થઇ ગયા અને તેને સરસ પ્રતિસાદ સાંપડી રહ્યો છે.યુ.એ.ઈ. સરકારે તો સુખી થવા અલગ મંત્રાલય જ ૨૦૧૬માં ચાલુ કરેલ છે. તેના પ્રધાન એક મહિલા છે, જેનું નામ છે અહદ બીન્ત ખલફાન અલ રૂમી. તેનું કામ છે પ્રજામાં સુખ અને પોઝિટિવ એટિટયૂડ વધારવાનું. એમણે શહેરની ઓફિસોમાં ઓનલાઇન સુખમીટર લગાવેલા છે. આમ હવે યુનિવર્સિટીમાં સુખના ક્લાસ અને કોર્સ ચાલે છે, અને સુખ માટેનું મંત્રાલય અને પ્રધાન પણ છે.

સૌથી સુખી દેશોમાં આપણા જ પાડોશી ટચુકડા ભૂતાનનો નંબર આઠમો છે, પણ આપણા દેશનો એકસોવીસથી પાછળ નંબર છે, કેમ ? સુખ વેચાતું નહીં લેતા હોય ?સુખની મેડિકલ વ્યાખ્યા જોતાં મગજના જ્ઞાાનકોષો દ્વારા અપાતો પોઝિટિવ પ્રતિસાદ, જે આપણને ઈલેક્ટ્રોકેમિકલ પ્રોસેસ દ્વારા મૂડ સારો બનાવી આનંદમાં રાખે છે. આ માટેના ખાસ ન્યુરોટ્રાન્સમીટર સીરોટોનીન અને ડોપામીન નામે ઓળખાય છે. એનો સીધો અર્થ એ થયો કે, આ રસાયણો રીલીઝ કરનારી દવાો, એટલે કે મૂડ એલિવેટર દવાઓનું સેવન કરવાથી સુખ મળી જશે. પણ તેની સાઈડ ઈફેક્ટ અને આદત પડી જવાનો ડર જોતાં તેનો કાયમી ઉપયોગ કરી શકાય નહીં.

વળી તેની અસર થોડા સમય માટે જ જોવા મળે છે.શરીરમાં સીરોટોનીન વધવાથી ભૂખ, ઊંઘ, મૂડ, યાદશક્તિ, જાતીય ઈચ્છા, સ્નાયુની કાર્યશક્તિ, વિગેરે વધે છે. ગુસ્સો અને હૃદય શાંત થાય છે. હોર્મોન્સ લેવલ, લાગણીના પ્રવાહો અને સામાજિક વર્તણુંક સુધરે છે. આમ મગજ અને શરીર માટે સીરોટોનીન વધે તેમ સારું. નેવું ટકા સીરોટોનીન પાચનમાર્ગમાં રહેલું છે, આમ મગજ અને શરીરનાં અંગોને સીધો સંબંધ છે. તેનું લેવલ વધે તો સુખ અને આનંદ આવે છે, જ્યારે ઘટે તો હતાશા અને નિરાશા વ્યાપે છે. તેનું લેવલ ગોળીને બદલે કુદરતી રીતે વધે તો સારું.

શરીરમાં કુદરતી રીતે સીરોટોનીન વધારવા  માટે :

(૧) ટ્રીપટોફેન વાળો ખોરાક લો. સૂકા મેવા, ઈંડા, ચીકન, સૂર્યમુખીનું તેલ વગેરેમાં તે વધારે હોય

(૨) આથો લાવેલ ખોરાક, જેમકે દહીં, કિંમચી, ચોકલેટ વિગેરે લેવાથી.

(૩) શરીરને  કસરતોથી ગરમ કરવાથી, એન્ડોરફીન અને સીરોટોનીન વધે છે.

(૪) ગળપણ ઓછું કરો, કારણ કે શરૂઆતમાં ગળપણ લેવલ વધારે છે, પણ પછીથી પાચનમાર્ગના બેક્ટેરિયાનો નાશ કરી છેવટે સીરોટોનીન ઘટાડે 

છે.

(૫) સૂર્યનો કુમળો પ્રકાશ લેવલ વધારે છે.

(૬) યોગ અને ધ્યાન દ્વારા મગજ શાંત થવાથી લેવલ વધે છે.

(૭) સારી અને પૂરતી ઊંઘ, રાત્રે દશ વાગે સૂઈ સાતથી નવ કલાકની ઊંઘ, શરીરને રીપેર કરી સીરોટોનીન વધારે છે.

(૮) મસાજ અને માલિશથી લેવલ વધે છે, અને તનાવનું કોર્ટીઝોલ લેવલ ઘટે છે.

(૯) જેને પ્રેમ કરો છો, જે તમને વહાલાં છે, ગમે છે, તેની સાથે બેસીને સમય પસાર કરવાથી લેવલ વધે.

લાસ્ટ સ્ટ્રોક : પૈસાદારો માનતા હોય કે લાખ રૂપિયામાં કિલો સુખ જરૂર પડે વેચાતું લઇ લઇશું. તો એ મોટી ભૂલ છે. તેને માટે મનને ભાવશે, ફાવશે, ચાલશે અને ગમશેના ભાવમાં બદલવું જ પડશે. નહીંતર પૈસાના જોરે મોજ મજા થશે, પણ તેમાંથી સુખ નહીં મળે.

- હર્ષદ કામદાર