બેડમિંટન જગતમાં જાપાનનો કેન્ટો મોમોટો ખળભળાટ મચાવી રહ્યો છે
Sports ફન્ડા - રામકૃષ્ણ પંડિત
વર્લ્ડ બેડમિંટન અને ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ સહિત ચાલુ વર્ષે 10 ટાઈટલ્સ જીતી ચૂકેલા મોમોટાએ વર્લ્ડ રેન્કિંગમાં ટોચના ક્રમે કબજો જમાવ્યો છે
માત્ર ઘડિયાળના કાંટાઓ અને કલેન્ડરની તારીખોની વચ્ચેનું બંધન એ જિંદગી નથી. સમયના પ્રવાહની સાથેના વહેણમાં ભેગા કરેલા અનુભવોનો સરવાળો એ જિંદગી છે. દરેકની પાસે પોતાના અનુભવોનો એક આગવો અનુભવ-કોશ છે. એક તબક્કા પછી તે પ્રત્યેક નવા ચકાસવા માટે જૂના કોશનો-અનુભવનો સહારો લે છે.
જોકે જિંદગીના કેટલાક અનુભવો નિત્યનવીન હોય છે અને એ બાબત જરુરી નથી કે તેનો સંબંધ ભૂતકાળના અનુભવો સાથે હોય જ. જેઓ આ બાબતને સમજે છે અને ખુલ્લા મનથી દરેક અનુભવને આવકારવા માટે તૈયાર રહે છે, તેઓ જિંદગીમાં સમૃદ્ધિના વૈભવને પામી શકે છે. આવો જ વૈભવ ઉગતા સૂર્યના દેશનો બેડમિંટન ખેલાડી કેન્ટો મોમોટા હાંસલ કરી શક્યો છે.
ચીન, ઈન્ડોનેશિયા, મલેશિયા જેવા દેશોનું બેડમિંટનનું જગત પર વર્ષોથી પ્રભુત્વ રહ્યું છે, પણ છેલ્લા બે વર્ષથી કેન્ટો મોમોટાએ જાપાનને ઉપરાઉપરી ઐતિહાસિક સફળતા અપાવતા પોતાની કાબેલિયતની સાબિતી આપી છે. કેન્ટો મોમોટા હાલ દુનિયાનો ટોચનો ક્રમાંકનો તાજ ધરાવે છે.
વિશ્વ બેડમિંટનમાં એવો કોઈ મેજર ખિતાબ બાકી નથી કે જે મોમોટાએ છેલ્લા બે વર્ષમાં જીત્યો ન હોય. તેની આક્રમક રમતની સાથે ચીનના ધૂરંધર ખેલાડીઓ પણ ઘુંટણ ટેકવી ચૂક્યા છે. બેડમિંટનમાં બે વર્લ્ડ ચેમ્પિયનશિપ, એક ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશીપ, બે એશિયન ચેમ્પિયનશિપ મોમોટા પોતાના નામે કરી ચૂક્યો છે. આટલું જ નહી, બેડમિંટનની વર્લ્ડ ટુરમાં તો તેણે એવો સપાટો બોલાવ્યો છે કે, બધા દંગ રહી ગયા છે.
કેન્ટો મોમોટા છેલ્લા નવ વર્ષથી આંતરરાષ્ટ્રીય બેડમિંટન જગતમાં પોતાની કુશળતા સાબિત કરવા માટે ઝઝૂમી રહ્યો હતો અને આ દરમિયાન એક વર્ષના પ્રતિબંધે તેને આત્મમંથન કરવાની તક આપી. આ ફરજીયાત (અલ્પ) વિરામમાં તેણે તેની રમતને એટલી ધારદાર બનાવી કે બાકીના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય પ્રવાહમાં સ્પર્ધા કરવા છતાં તેના કરતાં પાછળ રહી ગયા.
તેમાંય વર્તમાન વર્ષ મોમોટા માટે ગોલ્ડન યર સાબિત થયું છે. તેણે ૨૦૧૯માં વર્લ્ડ ટુરમાં અધધધ કહી શકાય તેટલા ૧૦ ટાઈટલ્સ પોતાના નામે કરીને સનસનાટી મચાવી છે. બેડમિંટનની દુનિયામાં નવા સીમાચિહ્નો સ્થાપિત કરવાની સાથે આગળ વધી રહેલા મોમોટાએ છેલ્લા બે વર્ષમાં તેણે ૧૭ ટુર ટાઈટલ્સ મેળવવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આ જ બાબત તેણે દુનિયાના અન્ય ખેલાડીઓથી અલગ ઊંચાઈએ પહોંચાડનારી બની રહી છે.
આંતરરાષ્ટ્રીય બેડમિંટન જગતમાં પોતાનું પ્રભુત્વ જમાવી ચૂકેલા જાપાનીઝ સ્ટાર કેન્ટો મોમોટાની કારકિર્દીને શરુઆતમાં જ ગેરશિસ્ત બદલ આકરી શિક્ષા મળી ચૂકી છે. કુમળી વયે જ તેના પર વિઝાંયેલા શિસ્તના કોરડાએ તેની જિંદગી અને કારકિર્દીને ગાડરિયા પ્રવાહમાંથી અલગ કરીને નવી દિશા આપી અને આ જ બાબત તેની સફળતાના પાયામાં રહેલી છે.
જાપાનના કાગાવા પ્રેફેક્ટુઅરમાં આવેલા મિટોયો જિલ્લાના નાનકડા શહેર મિનોમાં જન્મેલા કેન્ટો મોમાટાએ તેની બહેનના પગલે બેડમિંટન કોર્ટમાં પ્રવેશ મેળવ્યો. બાળપણથી જ શિસ્તના કડક પાઠ શીખીને તૈયાર થયેલા મોમોટાએ શાળા જીવનની શરૂઆતની સાથે સાથે બેડમિંટન ખેલાડી બનવાના સ્વપ્નને સેવવાનું શરુ કર્યું. ફિટનેસ પ્રત્યેક અત્યંત સભાન જાપાનીઝ પ્રજાએ તેની જિંદગીમાં સ્પોર્ટસને પણ વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. શાળાજીવન દરમિયાન કેન્ટો માત્ર બેડમિંટન જ રમતો હતો, એવું નહતું. તેણે બઝબોલમાં પણ વિશેષ રસ હતો. જોકે, બેડમિંટન તેની પહેલી પસંદ હતી.
ઘણી વખત નાની-નાની ટ્રોફીઓ પણ ખેલાડીના ઘડતરમાં, તેના આત્મવિશ્વાસમાં કેટલી મોટી ભૂમિકા ભજવતી હોય છે, તેની ખબર તો વર્ષો પછી જ આવે છે. માંડ છઠ્ઠા ધોરણમાં ભણતાં કેન્ટોએ ઓલ જાપાનીઝ ચેમ્પિયનશીપમાં એવા સંકલ્પ સાથે ભાગ લીધો કે, જો હું આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની નહી શકું તો બેડમિંટન છોડીને બેઝબોલની રમતને અપનાવી લઈશ.
દિલોજાનથી મહેનત કરનારા કેન્ટોએ મનોમન કરેલા આ નિશ્ચિયને તેના ભાગ્યએ પણ સાથ આપ્યો. કેટલીક સંઘર્ષમય મેચમાં તેણે ચમત્કારિક વિજય મેળવતા ચેમ્પિયનશિપ હાંસલ કરી અને અહીથી તેનામાં એવો આત્મવિશ્વાસ આવ્યો કે, મારામાં ખરેખર કુશળ બેડમિંટન ખેલાડીની પ્રતિભા પડેલી છે. બસ, આ ટ્રોફીથી કેન્ટોને પોતાની જાતમાં ભરોસો બેઠો અને તેણે બેડમિંટનની રમતને જ પોતાની જિંદગીનો મુખ્ય પ્રવાહ બનાવી લીધો.
ફુકુઓકા હાઈસ્કૂલમાં અભ્યાસ કરી રહેલા કેન્ટોને જાપાનની જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેની ટીમમાં સ્થાન મળ્યું. ૧૭ વર્ષની ઉંમરે તેણે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કારકિર્દીનો સૌપ્રથમ કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો. પહેલી જ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મળેલો ચંદ્રક તેના માટે સુવર્ણથી કમ નહતો. તેણે લખનઉમાં રમાયેલી વર્લ્ડ જુનિયર એશિયન ચેમ્પિયનશિપમાં પણ તેણે કાંસ્ય સફળતા પ્રાપ્ત કરી. જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક સુવર્ણ ચંદ્રકને પ્રાપ્ત કર્યા બાદ તો તેની પ્રતિભા ઔર ખિલી ઉઠી.
તેણે માત્ર બે જ વર્ષમાં જાપાનની સિનીયર ટીમમાં સ્થાન મેળવી લીધું. આ દરમિયાન તેને તેના સાથી ખેલાડી કેનિચિ તાગોનો સાથ મળ્યો. ૨૦૧૪માં નવી દિલ્હીમાં રમાયેલા થોમસ કપમાં મેજર અપસેટની હારમાળા સર્જતાં સુવર્ણ ચંદ્રક જીતી બતાવ્યો, તે પછીના વર્ષે જ સુદીરમાન કપમાં મિક્સ ટીમ ઈવેન્ટમાં રજત જીતનારી જાપાનીઝ ટીમમાં પણ કેન્ટો સામેલ હતો.
નાની ઉંમરમાં જ આંતરરાષ્ટ્રીય બેડમિંટનમાં જબરજસ્ત સફળતા મેળવવાના પગલે કેન્ટો આકાશની ઊંચાઈએ પહોંચવા થનગની રહ્યો હતો. જોકે, કુસંગતનો શિકાર બનેલા કેન્ટોએ તેના સીનિયર સાથીની સાથે ટોકિયોમાં ગેરકાયદે ચાલતા જુગાર ખાનામાં જવાનું શરુ કર્યું અને આ લતને કારણે તેણે પાંચ લાખ યેન ગૂમાવ્યા.
જુગારખાનાના કર્મચારીઓએ ટોચના ટેનિસ સ્ટાર્સની લતને જગજાહેર કરી દેતાં તેના પર ચારેકોરથી ફીટકાર વરસ્યો. શિસ્તના મામલે જાપાન અત્યંત કડક વલણ માટે જાણીતું છે. તેમાં ય બાળકોના આદર્શ એવા સ્પોર્ટસસ્ટાર્સ જ્યારે આવી ગંભીર ભુલ કરે છે, ત્યારે તેની સામે તો અત્યંત આકરા પગલા લેવામાં આવે છે. કેન્ટો અને તેના સાથી તાગો પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
આ પ્રતિબંધ એટલા માટે આકરો હતો, કારણ કે તેઓ રિયો ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીતવાના પ્રબળ દાવેદાર હતા. જાપાન બેડમિંટન એસોસિએશને ઓલિમ્પિક મેડલની સંભાવના ધરાવતા ખેલાડીઓને આકરી સજા ફટકારવામાં જરાય પાછી પાની ન કરી અને અન્ય રમતવીરોમાં દાખલો બેસાડયો. કેન્ટો મોમોટા માટે સમયગાળો અત્યંત સંઘર્ષમય હતો. તેને પોતાની ભૂલ બદલ પસ્તાવો થવા લાગ્યો. એટલું નહી, તેણે માફી પણ માંગી. જોકે ઓલિમ્પિકની સુવર્ણતક તે ચૂકી ગયો. પ્રતિબંધના સમય દરમિયાન નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયેલા કેન્ટોએ આત્મમંથન કર્યું અને તેમાંથી પાછા ફરવાનો રસ્તો ખોળી કાઢયો.
આખરે કેન્ટોએ ૨૦૧૮માં ફરી આંતરરાષ્ટ્રીય બેડમિંટન જગતમાં પુનરાગમન કર્યું. વર્લ્ડ રેન્કિંગમાં તે છેક છેવાડે ફેંકાઈ ચૂક્યો હતો. જોકે પ્રતિબંધના જે દિવસો તેણે સખત મહેનત કરીને વિતાવ્યા હતા, તેનું ફળ તેને મળવા માંડયું હતુ. પુનરાગમન બાદ તેણે ચીનના ટોચના ખેલાડી ચેન લોંગને હરાવીને એશિયન ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક હાંસલ કરી લીધો.
આ પછી તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચીનના શિ યુકીને પછાડીને જાપાનને સૌપ્રથમ ટાઈટલ અપાવ્યું. એક વર્ષના વિરામ બાદ જે પ્રકારના જુસ્સા અને તાકાત સાથે કેન્ટોએ કરેલી ધમાકેદાર એન્ટ્રીની બધાએ નોંધ લીધી. તેણે બીજા વર્ષે તો વધુ સારો દેખાવ કરતાં વર્લ્ડ ટાઈટલ જાળવવાની સાથે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ પણ પોતાના નામે કરી બતાવી.
કેન્ટો કહે છે કે, મારો સૌથી મોટો સ્પર્ધક હું પોતે જ છું. હું સતત મારી પોતાની નબળાઈ શોધીને દૂર કરતો રહ્યો છું અને આ જ કારણે મારી રમતમાં નિખાર આવી રહ્યો છે. મારે મારા એકલા માટે નહી, પણ મારા સમર્થકો-મારા દેશ માટે જીતવાનું છે. કેન્ટો મોમોટાની તુલના ચીનના લેજન્ડરી ખેલાડી લીન ડાન સાથે થતી રહી છે. તે મેચની ઝડપને નિયંત્રિત કરવાની સાથે હરિફની નબળાઈનો ફાયદો ઉઠાવવામાં માહેર છે અને આ જ બાબત તેને વધુ ઘાતક બનાવે છે.