હેન્ડશેક : શાંતિ અને વિશ્વાસનો સિમ્બોલ

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- ભારત-પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચે એશિયા કપમાં હેન્ડશેક ન કરવા મુદ્દે ભારે ચર્ચા થઈ. ભારતીય ટીમે પાકિસ્તાનના ખેલાડીઓ અને પાકિસ્તાનના અધિકારીઓ સાથે જે હેન્ડશેકનો વિરોધ કર્યો એના વિશે રસપ્રદ વાતો...
- યુએનના હેડક્વાર્ટરમાં મળેલા દુનિયાભરના નેતાઓ હોય કે કોલેજની કેન્ટિનમાં ગપ્પા મારતા યંગસ્ટર્સ હોય - બધા એકમેકને ઉષ્માભેર આવકાર આપવા હેન્ડશેક કરે છે. આ એક આગવી તહેઝીબ છે, કળા છે અને પ્રોટોકોલ પણ છે...
હેન્ડશેક.
જ ગતની લગભગ તમામ સંસ્કૃતિઓમાં અભિવાદનની આ પરંપરા ખૂબ પ્રાચીન છે. સદીઓથી માનવીઓ હાથ મિલાવીને એકબીજા પ્રત્યે આદર વ્યક્ત કરે છે. ભારતમાં પ્રાચીનકાળમાં અભિવાદન માટે સરખી વયના લોકો એકબીજાને હાથ જોડીને નમસ્કાર કરતા. વડીલોને વંદન કરવાની પરંપરા હતી, પરંતુ ભારત સિવાયની જગતની તમામ પૌરાણિક સંસ્કૃતિઓમાં અભિવાદન માટે હેન્ડશેક એટલે કે હાથ મેળવવાની પદ્ધતિ જોવા મળે છે. ખોદકામ દરમિયાન મળેલાં ત્રણ-ચાર હજાર જૂના પથ્થરોમાંથી હેન્ડશેકની કોતરણી મળી આવી છે.
યુરોપમાં હેન્ડશેકની રીત બહુ પ્રચલિત થઈ અને મધ્યયુગમાં યુરોપનો પ્રભાવ આખી દુનિયા પર પડયો એટલે ગ્રીટિંગ્સ માટે જગતભરમાં હેન્ડશેક કોમન રીત થઈ ગઈ. વૈશ્વિક રાજકારણની શતરંજ ગોઠવવા મળતા નેતાઓ હોય કે બિઝનેસ સમિટમાં આર્થિક હિતો સાધવા મળતા ઉદ્યોગપતિઓ હોય - દરેક બેઠકમાં હેન્ડશેક અનિવાર્ય છે. કોલેજ કેમ્પસના યંગસ્ટર્સથી લઈને સ્પોર્ટ્સમેન સુધી હેન્ડશેક અભિવાદન ઝીલવાની પોપ્યુલર પદ્ધતિ છે.
ગયા વીકમાં ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ફાઈનલ વખતે ભારતની ક્રિકેટ ટીમે પાકિસ્તાનના ખેલાડીઓ સાથે કે પાકિસ્તાનના અધિકારીઓ સાથે હેન્ડશેક ન કરીને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો અનોખો વિરોધ નોંધાવ્યો. એ મુદ્દો આખી દુનિયામાં ચર્ચાયો. હવે આજે જ ભારત-પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમો વર્લ્ડ કપમાં ટકરાશે અને ભારત એશિયા કપની જ સ્ટ્રેટજિ અપનાવીને હેન્ડશેક નહીં કરે. ભારતીય ટીમના કારણે હેન્ડશેક ચર્ચાના કેન્દ્રમાં છે ત્યારે અભિવાદનની આ સૌથી પોપ્યુલર પદ્ધતિ વિશે ઘણું જાણવા જેવું છે...
***
૧ જાન્યુઆરી, ૧૯૦૭ના એ દિવસે અમેરિકાના વ્હાઇટ હાઉસમાં નવા વર્ષની ઉજવણી પૂરજોશમાં ચાલતી હતી. વિવિધ રાજ્યોના ગવર્નરો, દેશના ગણનાપાત્ર બિઝનેસમેન, રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો, કલાકારો, સાહિત્યકારો, પત્રકારો વગેરે વ્હાઇટ હાઉસમાં એકઠા થયા હતા. અમેરિકન પ્રમુખ નિમંત્રિત મહેમાનોને મળીને અભિવાદન ઝીલી રહ્યા હતા. એક પછી એક મહેમાનો સાથે હાથ મિલાવીને પ્રમુખ જ્યારે પોતાની ખુરસી ઉપર બેઠા ત્યાં સુધીમાં તેઓ ૮૫૧૦ લોકો સાથે હેન્ડશેક કરી ચૂક્યા હતા. એ રેકોર્ડ વર્ષો સુધી અતૂટ રહેવાનો હતો.
આ ઘટનાને ૧૧૮ વર્ષ વીતી ગયા છે અને વ્હાઇટ હાઉસમાં ૨૦ પ્રમુખો બદલાઈ ચૂક્યા છે. હજુય એક દિવસમાં સૌથી વધુ લોકો સાથે હસ્તધૂનનનો રેકોર્ડ અમેરિકાના ૨૬માં પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટના નામે દર્જ થયેલો છે. માત્ર અમેરિકામાં જ નહીં, પરંતુ વિશ્વના કોઈ પણ દેશના સત્તાધીશથી રૂઝવેલ્ટનો વિક્રમ તૂટયો નથી અને હવે સતત વ્યસ્તતા વચ્ચે ઘેરાયેલા રહેતા નેતાઓથી આ રેકોર્ડ તૂટશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે.
વર્ષો પછી ન્યૂ જર્સીના મેયર જોસેફ લેસેરોવે ૧૯૭૭ના જુલાઈ માસમાં એક દિવસમાં ૧૧,૦૦૦ લોકોને હેન્ડશેક કરીને નવો વિક્રમ બનાવ્યો હતો. જોકે, રૂઝવેલ્ટે દેશના સર્વસત્તાધીશ તરીકે આ વિક્રમ કાયમ કર્યો હતો એટલે મેયર તરીકે જોસેફે નોંધાવેલા રેકોર્ડથી તેમનો રેકોર્ડ તૂટયો ન ગણાય. એ પછી તો હેન્ડશેકના દુનિયામાં ઘણા બધા વિક્રમો બન્યા છે-તૂટયા ય છે.
***
૨૧મી સદીમાં હેન્ડશેક આપણી તહેઝીબનો એક અભિન્ન હિસ્સો છે, પરંતુ ૧૬મી સદી સુધી તેનો વ્યાપ આજના જેટલો ન હતો. ઈંગ્લેન્ડના ઉમરાવ અને રાજાના માનીતા દરબારી સર વોલ્ટર રેલેફે બ્રિટિશ કોર્ટમાં ૧૬મી સદીના ઉતરાર્ધમાં શેકહેન્ડની પ્રથા શરૂ કરી હતી. રાજાના પ્રતિનિધિ તરીકે તેમના ભાગે કેટલોક વખત ન્યાય તોળવાનું કામ આવ્યું હતું. એ દરમિયાન નવી નવી શરૂ થયેલી વકાલત અંતર્ગત કોઈકનો મુક્દમો કોઈક અન્ય વાક્પટુ માણસ રજૂ કરે એવી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી. જેના સંદર્ભમાં કેસનો નિવેડો આવે પછી સર વોલ્ટર બંને પક્ષકારો સાથે હાથ મિલાવતા હતા. એટલે એ અરસામાં શેકહેન્ડની રસમ વધુ લોકપ્રિય બની.
પણ ખરું જોતાં ૧૬મી સદીથી જ હેન્ડશેકની પરંપરા શરૂ થઈ ન હતી. ઈજિપ્તના પ્રાચીન શિલ્પોમાં બે વ્યક્તિ એકબીજાનું અભિવાદન કરવા માટે હસ્તધૂનન કરતા હોવાના સંકેતો મળ્યા છે. ગ્રીસના પાટનગર એથેન્સના એક્રોપોલિસ મ્યૂઝિયમમાં ઈ.સ. પૂર્વે ૫મી સદીનો એક પથ્થર પ્રદર્શનમાં મૂકાયો છે. એમાં ગ્રીક દેવીઓ હેરા અને એથેના હેન્ડશેક કરે છે. પ્રાચીન ગ્રીકના લોકો હેન્ડશેકને ડેક્સિઓસિસ કહેતા હતા. ઈ.સ. પૂર્વે ૮મી સદીની પણ એક કોતરણી મળી આવી છે, જેમાં અસિરિયન રાજા શાલ્મનેસર ત્રીજા અને બેબિલોનિયન રાજા માર્ડૂક ઝાકિર શૂમી હેન્ડશેક કરે છે.
વર્ષો પહેલા બર્લિન આસપાસના એક ખોદકામ દરમિયાન ઈ.સ. પૂર્વે ૩૦૦-૩૫૦ના સમયગાળાની મનાતી કેટલીક મૂતઓ મળી આવી હતી, જેમાં અલગ અલગ દેશના સૈનિકો યુદ્ધની સમજૂતી માટે હેન્ડશેક કરે છે. રોમનકાળમાં ઈ.સ. ૯૭ના વર્ષનો એક સિક્કો મળી આવ્યો છે. જેમાં હેન્ડશેકની મુદ્રા અંકિત થઈ છે. આ સિક્કો સમાજિક રચના, લગ્ન, કરારના રોમન દેવી કોન્કોડયાના સન્માનમાં બનાવાયો હતો.
અમુક ઈતિહાસકારો માને છે કે ઈ.સ. પૂર્વ ૨૮૦૦ આસપાસ આકસ્મિક રીતે જ શેકહેન્ડની પ્રથા શરૂ થઈ હશે. અચાનક જ ફાટી નીકળતા પ્રચંડ યુદ્ધના એ દિવસોમાં કોઈક અજાણ્યા લોકોને મૈત્રીનો અહેસાસ કરાવવા માટે અને હાથમાં હથિયાર નથી એવી પરોક્ષ સાબિતીના હેતુથી હાથ આગળ લંબાવાતો હતો. સામેની અજાણી વ્યક્તિ જો મૈત્રી સ્વીકારે તો બંને હાથ આગળ કરીને આગળ લંબાયેલા હાથને આવકાર આપતી સંજ્ઞા કરે એટલે એક બીજાનો ખતરો ટળી જતો. આગળ જતાં આ પ્રથા વધુ મજબૂત, વધુ સ્વીકૃત થઈ ગઈ. મીટિંગ્સ, પાર્ટીઝ, શુભેચ્છા મુલાકાત, રાજદ્વારી મુલાકાતો, ઓફિસના સ્નેહમિલનો, સામાજિક મેળાવડાઓ, રમતના મેદાનો વગેરે સુધી હેન્ડશેકે માનભર્યું સ્થાન મેળવ્યું છે.
***
મોટાભાગના ઈસ્લામિક દેશોમાં મહિલાઓ પુરુષો સાથે શેકહેન્ડ નથી કરતી. તો પશ્વિમના દેશોમાં શેકહેન્ડની સાથે સાથે હળવું આલિંગન આપીને અને ગાલ પર ચૂંબન કરીને સ્ત્રી-પુરુષો એકમેકનું અભિવાદન ઝીલે છે. અમેરિકામાં સ્ત્રી-પુરુષો વચ્ચે હેન્ડશેકની બાબતમાં તફાવત નથી. રશિયામાં પુરુષો-પુરુષો સાથે અને મહિલાઓ-મહિલાઓ સાથે શેકહેન્ડ કરે છે. પાર્ટીઝ કે સોશિયલ ફંકશન્સમાં ભાગ્યે જ કોઈ મહિલા પુરુષ સાથે કે પુરુષ મહિલા સાથે શેકહેન્ડની પહેલ કરે છે અને જો આવી પહેલ કોઈ કરે તો ઘણા રૂઢિવાદી રશિયન્સ તેને અસભ્ય ગણે છે.
પ્રમાણમાં રૂઢિચુસ્ત ગણાતા બ્રિટન અને સ્વિટ્ઝર્લેન્ડમાં મહિલા શેકહેન્ડ માટે પોતાનો હાથ આગળ ન કરે ત્યાં સુધી પુરુષો પહેલ કરતા નથી. બ્રિટનમાં મહિલાઓ તેને ન ગમતી વ્યક્તિ સાથે જાણી જોઈને શેકહેન્ડ કરતી નથી. એનો ઈરાદો સામેવાળી વ્યક્તિને સ્પષ્ટ સંદેશો આપવાનો હોય છે. તો ઓસ્ટ્રેલિયામાં આવો કોઈ જ ભેદભાવ નથી રખાતો. સ્ત્રી-પુરુષનો ભેદભાવ તો દૂરની વાત છે, જાહેર કાર્યક્રમો વખતે એક હરોળમાં હેન્ડશેક કરતી વખતે જો બાળક પણ તેમાં સામેલ હોય તો તેને પણ વયસ્ક વ્યક્તિ જેટલું જ સન્માન આપીને શેકહેન્ડ કરવામાં આવે છે.
ચીન-જાપાન-મલેશિયામાં 'વીક શેકહેન્ડ' કરવાનો ધારો પ્રચલિત છે. એટલે કે જેને ખરેખરું હેન્ડશેક કહેવાય એવું એકદમ ઉમળકાસભર નહીં, પરંતુ હાથના પંજાને જરાક જેટલો જ હાથમાં લઈને છોડી દેવાની રીતને વીક શેકહેન્ડ કહે છે. ભારતમાં યંગસ્ટર્સમાં અને કોર્પોરેટ વર્લ્ડમાં વેસ્ટર્ન વર્લ્ડ જેવું જ શેકહેન્ડ થાય છે અને પરંપરાગત રીતે નમસ્તેની મુદ્રામાં પણ અભિવાદન થાય છે.
વેલ, હેન્ડશેકનો મૂળ ઈરાદો છે એકબીજાનું અભિવાદન ઝીલવું. હાથ એટલે મિલાવવામાં આવે છે કે હાર્દિક અભિવાદન કરી શકાય. હાથ મેળવવા પાછળ ઈરાદો છે કે દિલ મળે, પણ હવે ચારેબાજુ પ્રોફેશ્નાલિઝમ એટલું વધ્યું છે કે આપણે દરેક વ્યક્તિ સાથે ઉમળકાથી હાથ તો મેળવી લઈએ છીએ, પરંતુ એટલા ઉમળકાથી દિલ મળે છે ખરા?
1817 લોકોએ હેન્ડશેક ચેનલ બનાવીને રેકોર્ડ બનાવ્યો હતો
૨૦૦૮
અમેરિકાના કેવિન વિટ્ટાકર અને કોરી જેન્સ
નામના બે યુવાનોએ ૨૦૦૮માં સાડા નવ કલાક
સુધી હેન્ડશેક કર્યું હતું. એના નામેય સૌથી લાંબાં સમય સુધી હેન્ડશેકનો વિક્રમ નોંધાયો હતો.
જોકે, છ જ મહિનામાં અમેરિકાના જ બે યુવાનો
કિર્ક વિલિયમસન અને રિચાર્ડ મેક્કરીએ એક હાથે
૧૦ કલાક શેકહેન્ડ કરીને એ રેકોર્ડ તોડી નાખ્યો હતો.
૨૦૦૯
૨૦૦૯માં અગાઉના બધા રેકોર્ડ તૂટી ગયા હતા. મેથ્યુ રોસેન અને જો આર્કમેને
૧૫ કલાક અને ૩૦ મિનિટ સુધી એક હાથે હેન્ડશેક કરીને જે રેકોર્ડ બનાવ્યો હતો એ હજુય અતૂટ છે.
૨૦૧૦
કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર માર્ક સ્કેલેન્સ્કીએ ૨૦૧૦માં સંશોધન કર્યું હતું કે હેન્ડશેકથી ૩૨% સુધી બેક્ટેરિયા એક હાથમાંથી બીજા હાથમાં જાય છે. તેમણે હોસ્પિટલોમાં હેન્ડશેક ફ્રી ઝોનની હિમાયત કરી હતી. એટલે કે હોસ્પિટલમાં હેન્ડશેક કરવું ન જોઈએ એવી ભલામણ કરી હતી.
૨૦૨૦
૨૦૨૦માં યુએઈમાં ૧૮૧૭ લોકોએ એકઠા થઈને હેન્ડશેક કર્યું હતું. સામ-સામે હેન્ડશેકની લાંબી લાઈન સર્જી હતી.
ગિનેક બુકે એ રેકોર્ડ નોંધ્યો હતો.
૨૦૨૧
કોરોના મહામારી પછી ૨૦૨૧માં હેન્ડશેકને બદલે વિશ્વભરમાં ભારતીય પરંપરા પ્રમાણે નમસ્કારનું ચલણ વધી ગયું હતું.
હાથ મિલાવવાથી વાયરસ ફેલાય છે એવી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની સલાહ બાદ હેન્ડશેકના ભાવ રાતોરાત ગગડી ગયા હતા!









