કાકડી જો હોય તો ચાખી શકો માનવીની પરખ મુશ્કેલ છે!

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક
- 'અમારી દીકરી તેવીસ વર્ષની છે. બાજુની સોસાયટીમાં રહે છે એ અનિલભાઈના દીકરા માટે વાત આવી છે. એ વાત આગળ વધારીએ, એ અગાઉ જ્ઞાતિબંધુ તરીકે ખાનગીમાં તમારો સાચો અભિપ્રાય લેવા આવ્યા છીએ
'હ રિમામા, અમારા જમાનામાં ખૂબ સારું હતું. તમે આંગળી ચીંધેલી અને હું સ્મિતા જોડે પરણી ગયેલો…' સૌમિલે હસીને વૃદ્ધ મામા સામે જોયું. 'હવે મને અને સ્મિતાને રાત-દિવસ પ્રત્યુષ અને પ્રિયાની ચિંતા થાય છે. પ્રત્યુષ સત્યાવીસનો થયો અને સ્મિતા પણ આ વર્ષે ચોવીસની થશે. બીજા બધા સંબંધીઓ ઠેકાણાં તો બતાવે છે, પણ મન માનતું નથી.'
સૌમિલ બેન્ક અધિકારી હતો. પત્ની સ્મિતા સાથે એ હરિમામાને ત્યાં આવ્યો હતો.
'મામા, તમે એકવાર વડોદરાના બે પરિવારની વાત કરેલી, એ મને યાદ છે…' સ્મિતાએ વડીલ સામે જોયું. 'કાલે રવિવાર છે. તમે વધુ જાણકારી આપો તો અમે બંને વડોદરા જઈને એ બંને ફેમિલીને મળી આવીએ.'
હરિમામાનું મોઢું મલક્યું. 'તમારો આઈડિયા સારો છે. તમે કાલે વડોદરા જાવ તો અતિ ઉત્તમ…' સહેજ અટકીને એમણે ઉમેર્યું. 'પરંતુ ત્યાં જતા પહેલાં એક પ્રોબ્લેમ સમજી લો…'
સૌમિલ અને સ્મિતા ધ્યનથી સાંભળતાં હતાં.
'વડોદરામાં વાઘોડિયા રોડ પર પાસપાસેની સોસાયટીમાં જ આ બંને પરિવાર રહે છે. એમનું પાકું સરનામું હું તમને આપી દઈશ.
અનિલ અને અલકાનો દીકરો આપણી પ્રિયા માટે પરફેક્ટ છે. કોઈ વ્યસન નથી. ઘેર જમાઈ બનીને આવે તો જરાયે ભાર ના લાગે એવો સીધોસાધો છે. પ્રિયા સાથે એની જોડી જાણે રામ-સીતાની જોડી હોય એવું લાગશે.'
લગીર અટકીને હરિમામાએ આગળ કહ્યું. 'હવે બીજી પાર્ટીની વાત સાંભળો. ગિરીશ અને ગીતાની દીકરી આપણા ઘરમાં શોભે એવી છે. આંખે-નાકે નમણી અને બોલવામાં મીઠડી. એકદમ સમજદાર અને ઘરકામમાં હોંશિયાર. ઘેર દસ મહેમાન આવ્યા હોય તો પણ જરાયે કચવાટ વગર પોણા કલાકમાં બધા સમાટે રસોઈ બનાવી નખે એવી ચપળ અને ચાલાક. એવી ખંતીલી છે કે તમને પહેલા જ ધડાકે ગમી જાય એવી પાવરફૂલ છે.'
સૌમિલ અને સ્મિતા મૂંઝાયા. પુત્ર અને પુત્રી બંનેના એક સાથે લગ્નનું એમનું પ્લાનિંગ તો હતું પણ મામાની વાતમાં હજુ ટપ્પી
નહોતી પડી.
'મામા, તમે કહ્યું એમ બંને પાર્ટી તો ઉત્તમ છે, તો પછી એમાં પ્રોબ્લેમ ક્યાં છે ?' સ્મિતાએ આશ્ચર્યથી પૂછ્યું. જવાબમાં મામા હસી પડયા.
'સ્મિતા, મારી વાત સાંભળ. સૌમિલ તો બેન્કમાં ઓફિસર છે. ખરી-ખોટી નોટને પારખવાની એની પાસે આવડત છે. એની આ સૂઝ માણસને પારખવામાં પણ કામ આવશે. નિર્ણય તમારે લેવાનો છે. એક જ જ્ઞાતિના અને એક જ ગોળના હોવા છતાં એ બંને ફેમિલી વચ્ચે બાપે માર્યા વેર જેવું છે. સાવ નજીક રહે છે છતાં ઉત્તર-દક્ષિણ જેટલું અંતર છે એમની વચ્ચે ! એકબીજા સાથે બોલવાનો વ્યવહાર
પણ નથી…'
મામાએ સહેજ અટકીને સૌમિલ અને સ્મિતાને તાકીદ કરી. 'તમે જે ઘેર જાવ ત્યાં ભૂલેચૂકે પણ બીજા ફેમિલીનો ઉલ્લેખ પણ ના કરતા. સમજ્યા મારી વાત ?'
બંનેએ માથું હલાવીને સંમતિ આપી અને મામાને પ્રણામ કરીને વિદાય લીધી.
બીજી સવારે વડોદરા સુધી કાર ચલાવતી વખતે સૌમિલ ગંભીરતાથી વિચારી રહ્યો હતો. બહાર ગરમી સખત હતી. વડોદરામાં સારી હોટલમાં જમતી વખતે એણે સ્મિતાને સમજાવ્યું. 'મામા આ બંને પરિવારને ઓળખે છે. અનિલ અને અલકાના દીકરામાં કોઈ ખામી નથી. એવી રીતે એમણે કહ્યું એ મુજબ ગિરીશ અને ગીતાની દીકરી પણ સર્વગુણસંપન્ન છે. હવે માત્ર સવાલ રહ્યો એમના મા-બાપનો. ભૂલેચૂકેય જો વિચિત્ર વેવાઈ ભટકાઈ જાય તો જિંદગીભર આ અફસોસ રહે…'
લગીર અટકીને સૌમિલે સ્મિતા સામે જોયું. 'આમ પણ આપણે આ બેમાંથી એકેય ફેમિલીને ઓળખતા નથી. આપણે એમના ઘરમાં સરપ્રાઈઝ વિઝિટ જ કરવાની છે. એ બંને પરિવારનો સાચો પરિચય મેળવવાનો એક પ્લાન મારા મગજમાં ઘૂંટાય છે….' પ્લાન સમજાવીને એણે સ્મિતાને ધરપત આપી. 'વળી ઘરમાં રહીશું એ દરમિયાન સાવ સ્વાભાવિક રીતે કન્યા અને મુરતિયાને જોવાની પૂરતી તક મળશે. મારી સમજ ઉપર વિશ્વાસ તો છે ને ?'
'આઈડિયા અચ્છા હૈ…' પ્લાન સાંભળીને સ્મિતાએ હસીને
હા પાડી.
'સાંભળ. ઊંધા કાન પકડવા માટે આપણે પહેલા અનિલ અને અલકાના ઘેર જઈશું.' સૌમિલે સૂચના આપી. 'એમના ઘેર જઈને ત્યાં તારે કશું બોલવાનું નથી. માત્ર આંખ ઉઘાડી રાખીને એમનો દીકરો ઘરમાં હોય તો એનું નિરીક્ષણ કરી લેજે.'
વાઘોડિયા રોડ પરની સોસાયટીમાં પહોંચીને ડોરબેલ દબાવી એટલે છવ્વીસ વર્ષના યુવાને બારણું ખોલ્યું. ટિશર્ટ અને જીન્સમાં એ ફિલ્મી હીરો જેવો સોહામણો લાગતો હતો. સૌમિલ અને સ્મિતાએ તરત એકબીજાની સામે જોઈને આંખોથી સંતલસ કરી લીધી.
'મમ્મી-પપ્પા છે ?' સૌમિલે એને પૂછ્યું.
'જી… અંદર આવો.' એનો અવાજ પણ દેખાવ જેવો જ પ્રભાવશાળી હતો.
ડ્રોઇંગરૂમમાં ઝભ્ભો-લેંઘો પહેરેલો પુરુષ અખબારની પૂર્તિ વાંચી રહ્યો હતો. પચાસેક વર્ષના બહેન પંખા નીચે બેસીને ભીંડા સમારી રહ્યા ંહતાં. એ બંને કામ બંધ કરીને સૌમિલ અને સ્મિતા સામે આશ્ચર્યથી તાકી રહ્યાં.
'અમદાવાદથી આવીએ છીએ…' પોતાનો પરિચય આપીને સૌમિલે કહ્યું. 'દવાવાળા હરિભાઈ મારા મામા થાય. એમણે તમારું નામ આપીને મળવાનું કહેલું, એટલે તકલીફ આપવા આવ્યા છીએ.'
'ટીકુ, મહેમાનો માટે પાણી લાવ…' અનિલે કહ્યું અને પેલો યુવાન પાણી લઈને આવ્યો. 'બોલો, શું કામ હતું ?' અનિલે પૂછ્યું.
'વાત એવી હતી કે મારા દીકરા માટે એક કન્યાની વાત ચાલે છે. હું ચીકણો માણસ છું. સો ગરણે ગાળેલું પાણી પીવાની આદત છે..' સૌમિલે અનિલ-અલકા સામે જોઈને કહ્યું. 'તમે પાડોશમાં રહેતા જ્ઞાતિબંધુ છો એટલે તમારી પાસેથી સાચી માહિતી લેવાની છે. આ ગિરીશભાઈ અને ગીતાબેનની દીકરી કેવી છે ? આ ફેમિલી અમારા માટે અજાણ્યું છે. તમારું નામ ક્યાંય વચ્ચે નહીં આવે. પ્લીઝ, જે હોય એ સ્પષ્ટ અભિપ્રાય આપજો.'
અનિલ અને અલકા એકબીજાની સામે તાકી રહ્યાં.
'તમે મોંઘા ભાવનું પેટ્રોલ બાળીને આવ્યા પણ ધક્કો માથે પડશે…' અનિલે સહેજ વિચારીને કહ્યું. 'મારે કોઈ સ્વાર્થ નથી, પણ તમારા ભલા માટે કહું છું કે એ ફેમિલીમાં પડવા જેવું નથી. ગીરીયાનો સ્વભાવ તોંકલો છે. એને એની સોસાયટીમાં કોઈની સાથે બનતું નથી.'
'છોકરીની મા ગીતાની જીભ કાતર જેવી છે…' અલકાએ પણ તરત સંભળાવ્યું. 'સોસાયટીની એકેએક બૈરી સાથે એ ઝઘડેલી છે. પૈસેટકે ખૂબ સુખી, પણ સ્વભાવ સાવ થર્ડક્લાસ ! છોકરી પણ તુંડમિજાજી અને અભિમાની છે. ગીતાડીની લાંબી જીભ એને વારસામાં મળી છે. લખ્ખણ એવાં છે કે જ્યાં જશે ત્યાંથી ઝઘડો કરીને પાછી આવશે…'
સહેજ અટકીને અલકાએ સ્મિતા સામે જોયું. 'તમે પૂછવા આવ્યા એ સારું કર્યું. ઘરમાં રોજરોજ લોહીઉકાળા કરવાની ઇચ્છા હોય તો તમારા દીકરાને ત્યાં પરણાવજો. રૂપાળું થોબડું જોઈને ભૂલ
ના કરતા.'
'અમે આવું કહ્યું છે એની એમને ખબર ના પડે એનું ધ્યાન રાખજો…' અનિલે તાકીદ કરી. 'નહીં તો અમારી સાથે ઝઘડવા આવી જશે.'
'એની ચિંતા ના કરો. માનો કે આપણે મળ્યાં જ નથી…' સૌમિલ ઊભો થયો. અલકાએ ચા માટે કહ્યું પણ સૌમિલ અને સ્મિતા એમનો આભાર માનીને નીકળી ગયાં.
આઠ મિનિટ પછી એમની કાર ગિરીશ અને ગીતાના ઘર પાસે ઊભી રહી. અંદર ગયા ત્યારે ગિરીશભાઈ જમવા બેઠા હતા. એમની પુત્રી ગરમાગરમ રોટલી ઊતારીને એમને પીરસતી હતી. ગીતા છૂંદો બનાવવા માટે મોટા તપેલામાં કેરીની છીણ અને ખાંડનું મિશ્રણ કરી રહી હતી.
'સોરી, તમને ડિસ્ટર્બ કર્યા…' ગિરીશભાઈ અને ગીતાબહેનની સામે જોઈને સૌમિલે ત્યાં કહ્યું એ જ કેસેટ ફરીથી વગાડી. એ પછી એ મૂળ વાત પર આવ્યો. 'અમારી દીકરી તેવીસ વર્ષની છે. બાજુની સોસાયટીમાં રહે છે એ અનિલભાઈના દીકરા માટે વાત આવી છે. એ વાત આગળ વધારીએ, એ અગાઉ જ્ઞાતિબંધુ તરીકે ખાનગીમાં તમારો સાચો અભિપ્રાય લેવા આવ્યા છીએ. અમારા માટે એ પરિવાર સાવ અજાણ્યો છે.'
'ભલા માણસ, પહેલાં બેસો તો ખરા…' ડાઇનિંગ ટેબલ પર પોતાની બાજુની ખુરસી તરફ ઇશારો કરીને સૌમિલ અને સ્મિતા સામે જોઈને ગિરીશભાઈએ કહ્યું. 'તમે છેક અમદાવાદથી આવ્યાં છો. જમવાનો સમય છે અને જમવાનું તૈયાર છે…'
ગીતાબહેન પણ હાથ ધોઈને ત્યાં આવી ગયાં હતાં. એમણે પણ આગ્રહ કર્યો.
'જમવાનું નહીં ફાવે, પ્લીઝ, અમે જમીને જ આવ્યા છીએ.' સૌમિલે આભારવશ અવાજે કહ્યું. 'માત્ર સાચી માહિતી માટે જ આવ્યા છીએ.'
એ દરમિયાન સ્મિતાનું ધ્યાન એમની દીકરી ઉપર જ કેન્દ્રિત થયેલું હતું. ફ્રીઝમાંથી ત્રણ હાફૂસ કેરી કાઢીને ચીવટપૂર્વક એની છાલ ઊતારીને એના ટૂકડા કરીને એણે કાચની બે પ્લેટમાં ગોઠવ્યા અને ત્યાં આવી. 'અંકલ, આન્ટી, પ્લીઝ…'
સૌમિલ અને સ્મિતા સામે પ્લેટ્સ મૂકીને એણે મીઠાશથી કહ્યું. 'કોઈ મહેમાન અમારે ત્યાંથી કંઈ લીધા વગર જાય એ સારું ના લાગે. આ પ્લેટ તમારે ખૂટાડવાની જ છે.'
સૌમિલ અને સ્મિતા હજુ અવઢવમાં હતા. 'તમે હરિભાઈના ભાણિયા છો એટલે અમારું આટલું માન તો રાખવું જ પડશે.' ગીતાબહેને કહ્યું. 'આ છોકરીએ આટલી મહેનત કરી, એને ખોટું લાગશે.'
એમના પ્રેમભર્યા આગ્રહ સામે સૌમિલ અને સ્મિતાએ હાર સ્વીકારી લીધી.
'ગિરીશભાઈ, મેં કરી એ વાત…' સૌમિલે યાદ કરાવ્યું.
'હાથમાં અન્નનો કોળિયો છે એટલે ખોટું નહીં બોલું…' ગિરીશભાઈએ સૌમિલ અને સ્મિતા સામે જોયું. 'અનિલભાઈ અને અલકાબહેનનો છોકરો હીરા જેવો છે. પથ્થરમાંથી પાણી કાઢે એવો હોંશિયાર છે. તમારી દીકરીને એ દુ:ખી નહીં કરે…' સહેજ વિચારીને એમણે ઉમેર્યું. 'અમારી અને એમની વૈચારિક સમજમાં ફેર છે એટલે અનિલભાઈ અને અલકાબેન સાથે અમારે વધારે સંબંધ નથી.'
'અમને તો સંબંધ રાખવામાં કોઈ વાંધો નથી…' ગીતાબહેને સ્પષ્ટતા કરી. 'દુનિયામાં શું લઈને આવ્યા હતા ને શું લઈ જવાના ? અમારા મનમાં તો લગીરેય કડવાશ નથી, પણ એ લોકો જ સંબંધ નથી રાખતા એમાં અમે શું કરીએ ?…' ગીતાબહેને ઠાવકાઈથી ઉમેર્યું. 'હરિભાઈનું નામ આપીને તમે પૂછવા આવ્યા એટલે સાચું કહેવાની અમારી ફરજ. છોકરો ખરેખર સારો છે. મા-બાપ ભલે મારી સાથે નથી બોલતાં,પણ એ છોકરો ક્યારેક મળી જાય ત્યારે હસીને જેસીકૃષ્ણ કહે છે.'
સ્મિતા તો એકીટશે સામે બેઠેલી નમણી યુવતી સામે તાકી રહી હતી.
કેરી પતાવીને એમનો આભાર માનીને સૌમિલ અને સ્મિતા ઊભા થયા. પેલા ત્રણેય છેક કાર સુધી વિદાય આપવા આવ્યા.
'અંકલ, એક મિનિટ…' એ યુવતી દોડીને ઘરમાં ગઈ અને ફ્રીઝમાંથી ઠંડા પાણીની બોટલ લાવીને એણે સ્મિતાને આપી. 'રસ્તામાં જેવું તેવું પાણી પીવાને બદલે આ તમને કામમાં આવશે.'
ફરીવાર એમનો આભાર માનીને સૌમિલે કાર સ્ટાર્ટ કરી. એક્સપ્રેસ હાઈવે પર ચાલુ કારે જ સૌમિલે મોબાઈલ જોડયો. 'મામા, વડોદરાની વિઝિટ પતી ગઈ. સાથોસાથ પુત્રવધુની શોધ પણ પૂરી થઈ ગઈ. તમે ગિરીશભાઈને ફોન કરીને એ લોકોને આવતા રવિવારે આપણે ત્યાં બોલાવજો…' એણે હસીને ઉમેર્યું. 'અને હા, બેબી માટે મુરતિયો શોધવાનું કામ ચાલુ રાખજો.'
(શીર્ષક પંક્તિ : લેખક)




