મનમાં અપેક્ષાઓ વધે, તો ખુશીઓ ન ટકે

- પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ
દુનિયાની લગભગ દરેક વ્યક્તિનાં જીવનમાં ખુશીઓની પ્રાપ્તિ માટેનો સંઘર્ષ જોવા મળે છે. ખુશીઓ મેળવવા માટે જગતનો દરેક જીવ તત્પર હોય છે. ખુશીઓની આ ડિમાન્ડ નિહાળીને જ આપણે ગત લેખથી પ્રારંભ્યો છે જેનાથી ખુશીઓ મેળવી શકાય તેવા ઉપાયોનો વિચાર. આ માટેનો બીજો ઉપાય છે. નિરપેક્ષ બનો : નિરપેક્ષ બનવું એટલે જીવનને મનને અપેક્ષામુક્ત બનાવી દેવું. જે અપેક્ષામુક્ત બને છે તેનું (૧) મન હંમેશાં હળવું રહે છે : 'આ વસ્તુ આમ બનવી જ જોઈએ' અથવા આ લક્ષ્ય મારે કઈ રીતે પૂર્ણ કરવું ?' આવો કોઈ ભાર કે ઉચાટ તેના મનમાં રહેતો નથી. (૨) મન હંમેશાં ખુશ રહે છે - અપેક્ષાઓ ન હોવાનાં કારણે કોઈ ઘટના વિપરીત બને તો પણ મનમાં ગ્લાનિ અનુભવાતી નથી. બલ્કે મન પૂર્વવત્ આનંદમાં જ રહે છે. કારણકે 'આ ઘટના આ જ રીતે કેમ ન બની ?' તેવી કોઈ અપેક્ષા છે જ નહિ. પ્રસ્તુત વિષયમાં મને થાય છે જૈન શ્રમણની ભિક્ષાચાર્યાનું સ્મરણ. આગમસૂત્ર દશવૈકાલિકમાં પ્રસ્તાવિત આ ભિક્ષાચર્યામાં પણ આ જ ભાવાર્થની વાત છે કે 'જૈન શ્રમણ ભિક્ષા માટે નીકળે ત્યારે અનેકવિધ નિયમોને સાચવીને આ ભિક્ષા ગ્રહણ કરવાની હોય. જ્યાં આ શાસ્ત્રનિયમો ન સચવાતા હોય, ત્યાં ભરપૂર ભિક્ષા મળવા છતાં એનો સ્વીકાર ન કરવાનો હોય. આ રીતે ભિક્ષા ગ્રહણ કરતા મુનિવરને ભિક્ષા (=જૈન પરિભાષામાં ગોચરી) પૂર્ણ પ્રમાણમાં મળે યા અત્યલ્પ પ્રમાણમાં મળે. છતાં ય નિરંતર સાધનારત એવા મુનિના મનમાં લેશમાત્ર ગ્લાનિ ન આવે. કારણકે નિરપેક્ષ બનીને તેઓ ભિક્ષા માટે નીસરેલા હોય છે. 'આટલું મને મળવું જ જોઈએ' યા આટલું નહિ મળે તો નહિ જ ચાલે, આવી તીવ્ર અભિલાષા ત્યાં હોતી નથી. એમનું સૂત્ર એક જ હોય કે 'ભિક્ષા મળે તો વાપરીને સંયમસાધના સુંદર કરીશું અને ન મળે તો તપની સાધના આગળ વધારીશું. આ જ પ્રવાહમાં યાદ કરીએ આપણે એક નાનકડી છતાં ય સચોટ ઘટના :
સંત અને શિષ્ય ગામની બહાર કુટિર બનાવીને રહે. રોજ ભિક્ષામાં દૂધની આવશ્યકતા રહે અને એ માટે ક્યારેક શિષ્યને ખૂબ ભટકવું પડે. આથી રોજ શિષ્ય પરેશાન થાય. એકવાર કોઈ ભક્તને આ તકલીફનો ખ્યાલ આવી જતા રાત્રે તેણે સંતની કુટિર બહાર ગાય લાવીને બાંધી દીધી. સવારે શિષ્યે ગાય જોઈ ખુશ થયો અને ગુરુને સમાચાર આપ્યા કે 'ગુરુજી ! બહાર કોઈ ગાય બાંધીને ગયું છે.' ગુરુએ સ્મિત સાથે જવાબ આપ્યો : 'સારું થયું બેટા ! હવે તારે રોજ દૂધ શોધવાની ઝંઝટ ગઈ. વાતને ચારેક મહિના વીત્યા. એક દિવસ રાત્રે ચોરો આવ્યા. ગાય ચોરીને લઈ ગયા. સવારે શિષ્ય રાડ પાડતો ગુરુ પાસે આવ્યો. અને રડમસ અવાજે બોલ્યો : ગુરુજી ! રાત્રે કોઈ ગાય ચોરી ગયું. ગુરુએ એ જ સ્મિત સાથે જવાબ વાળ્યો : 'સારું થયું બેટા ! હવે તારે ગોબર ઉઠાવવાની ઝંઝટ ગઈ.' બસ ગાય પ્રત્યેની જેવી નિરપેક્ષવૃત્તિ સંતના બંને ઉત્તરમાં ઝળકે છે, એવી જ નિરપેક્ષવૃત્તિ આપણે લાવવાની છે. આપણા જીવનના પ્રત્યેક પ્રસંગોમાં. તો ખુશી આપણા જીવનમાં છવાયા વિના રહેશે નહિ. છેલ્લે યાદ રાખીએ આ મહત્ત્વની વાત કે : શરીરમાં સુગર વધે તો સ્વાસ્થ્ય બગડી જાય, મનમાં અપેક્ષાઓ વધે તો ખુશીઓ છીનવાઈ જાય.'




