Magazines

ભલે નિર્વંર્શ રહેવું પડે, પણ ભવ્ય મંદિર તો રચાશે જ !

By GS Team
15 Jan 20204 mins read
This article was originally published on 15 Jan 2020
ભલે નિર્વંર્શ રહેવું પડે, પણ ભવ્ય મંદિર તો રચાશે જ !

વિ.સં.૧૨૧૧ના શુભ દિવસે સરસ્વતીના શિખર સમા આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યએ ધામધૂમથી પ્રતિષ્ઠા કરી. કોઈએ બાહડની જિનભક્તિ વખાણી, તો કોઈએ એની પિતૃભક્તિની પ્રશંસા કરી.

ગુજરાતના ઇતિહાસમાં સમર્થ રાજવી કુમારપાળના સમયમાં થયેલા વીર મંત્રી ઉદયને સોરઠમાં ખેલાયેલા યુદ્ધમાં વિજય મેળવ્યો, પરંતુ એમના દેહ પર એટલા બધા ઘા વાગ્યા હતા કે વઢવાણના પાદરે એમણે આખરી શ્વાસ લીધો. અંતિમ વેળાએ એમના મનમાં એવી ભાવના જાગી કે પરમ પાવન શાશ્વતા શત્રુંજય ગિરિરાજ પર જીર્ણ થયેલા પ્રાસાદને નવો પથ્થરમય બનાવવો.

જિર્ણ પ્રાસાદ કાષ્ઠનો (લાકડાનો) હતો અને મંત્રીરાજના મનમાં એવો ભય હતો કે કદાચ કોઈ દીવાની જ્યોત અડે અને એ પ્રાસાદમાં અગ્નિ ફેલાઈ જાય તો ? પોતાની ઇચ્છાને પૂર્ણ કરવા માટે ઉદયન મંત્રીના પુત્ર બાહડ મંત્રીએ શત્રુંજય ગિરિરાજનો પ્રાસાદ પથ્થરનો બનાવ્યો. અંતિમ વેળાએ પિતાને આપેલા વચનનું પાલન કરવાની બાહડ મંત્રીએ ખાતરી આપી હતી.

મંત્રી ઉદયને પણ આવી હૈયાધારણ મળ્યા પછી શાંતિથી સમાધિપૂર્વક મૃત્યુને વર્યા. મંત્રી બાહડે પિતાની ઇચ્છા પૂર્ણ કરવા માટે કામનો પ્રારંભ કર્યો. કાર્યસિદ્ધિમાં રાખેલો અભિગ્રહ પુરુષાર્થની પ્રબળ પ્રેરણા આપે છે અને એ રીતે બાહડ મંત્રીએ એવો અભિગ્રહ લીધો કે જ્યાં સુધી મંદિરનો પાયો ન ખોદાય, ત્યાં સુધી રોજ એકાસણું કરવું, પૃથ્વી પર શયન કરવું, તાંબુલનો ત્યાગ કરવો અને બ્રહ્મચર્યનું પાલન કરવું. આવા અભિગ્રહો સાથે સંસ્કારનગરી પાટણમાં ઘોષણા કરાવી કે બાહડમંત્રી તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનો સંઘ કાઢી રહ્યા છે. જે કોઈ ભાવિકને આવવું હોય તે સંઘમાં અમારી સાથે જોડાય.

આવી ઘોષણા સાંભળીને પાટણ શહેરમાં આનંદ અને ઉમંગની લહેર ફરી વળી. સહુ કોઈ આ સંઘમાં જવા રાજી થયા. એક તો યાત્રાનો લાભ મળે, સાધુ- સાધ્વીઓનો સત્સંગ થાય અને સહુની સાથે પ્રભુભક્તિ કરતા કરતા યાત્રા થાય. શુભમુહૂર્તે સહુએ પ્રયાણ કર્યું અને દરેક ગામનાં પાદરે ધર્મપ્રેમીઓ અંતરના ભાવથી આ યાત્રિકોનું સ્વાગત કરતા હતા. વળી કેટલાક તો આ શત્રુંજય મહાતીર્થના યાત્રાસંઘમાં જોડાઈ જતા હતા.

છ'રી પાળીને ચાલતા આ સંઘમાં સહુને છ નિયમો પાળવા પડતા.૧) બ્રહ્મચર્યનું પાલન, ૨) ભૂમિશયન ૩) દિવસમાં એક ટંક ભોજન ૪) સમક્તિધારી રહેવું ૫) સજીવ વસ્તુનું ભોજન નહીં ૬)પદયાત્રા. સહુના ભોજનની વ્યવસ્થા બાહડમંત્રીએ કરી હતી. વળી જેમ જેમ આ ધર્મયાત્રા આગળ ચાલતી રહી, તેમ તેમ મંત્રી બાહડ મોકળે મને દાન કરવા લાગ્યા.

શ્રી શત્રુંજ્ય તીર્થ ભણી જતાં રસ્તામાં આવતા તીર્થમાં તેઓ ઉલ્લાસપૂર્વક પૂજાભક્તિ કરતા હતા. આખો સંઘ પવિત્ર ગિરિરાજની છાયામાં પહોંચ્યો. હજારો યાત્રિકોના ગગનભેદી અવાજથી દાદા આદિશ્વરનો જયનાદ ચોતરફ ગૂંજી રહ્યો. મહામંત્રી બાહડ પોતાની સાથે પાટણથી શિલ્પીઓ લાવ્યા હતા અને એમણે શ્રી શત્રુંજ્ય ડુંગર પર જિનમંદિરની રચનાનો પ્રારંભ કર્યો.

જ્યારે મંત્રીને ખબર મળી કે જિનમંદિર તૈયાર થઈ ગયું છે, ત્યારે આવા શુભ સમાચાર આપનારને એમણે સુવર્ણમુદ્રા ભેટમાં આપીને પ્રસન્ન કર્યો. પણ આવતીકાલની કોને ખબર છે ? બીજે દિવસે જાણ થઈ કે સખત વાવાઝોડાંને કારણે મંદિરનો કેટલોક ભાગ તૂટી ગયો છે. શિલ્પીઓ નિરાશ થઈ ગયા, પણ બાહડ મંત્રી એમ હાર સ્વીકારે તેમ નહોતા. એમણે જોયું કે ઊંચા પહાડ પર ભારે પવન ફુંકાવાથી ભમતીમાં પવન ભરાઈ જતાં મંદિરનો આ ભાગ તૂટી ગયો હતો. 

બાહડ મંત્રીએ કહ્યું,'કોઈ વાંધો નહીં, મંદિર તો બનાવવું જ છે. પિતાની આશા પૂર્ણ કરવી છે. ભલે ભમતી વગરનું મંદિર બનાવવું પડે.'

શિલ્પીઓએ કહ્યું,'મંત્રીશ્વર, આ શક્ય નથી. ભમતી વિના મંદિર કેવી રીતે બનાવી શકાય ?

આશ્ચર્યથી બાહડ મંત્રીએ સવાલ કર્યો, કેમ ? એમાં તમને શું મુશ્કેલી નડે ? તમારા જેવા કુશળ શિલ્પીને માટે આ કામ સહેજે કપરું નથી.'

શિલ્પીઓએ કહ્યું,'મંત્રીશ્વર, અમને કોઈ વાંધો નથી, પરંતુ તમારે માટે એ વાંધાજનક છે. અને એથી અમે ચિંતિત છીએ.'

બાહડ મંત્રીએ કહ્યું,'મારા માટે વાંધાજનક ? એવું તે શું છે જે મને આ પવિત્ર ગિરિરાજ પર મંદિર બાંધતા અટકાવી શકે ?'

'મંત્રીશ્વર, વગર ભમતીનું મંદિર બંધાવનારનો વંશ નિર્વિંશ રહે છે. એની કુળ પરંપરા સદાને માટે અટકી જાય છે.'

બાહડ મંત્રીએ હસતાં હસતાં કહ્યું,'ઓહ, એટલી જ વાત છે ને ! એમાં શું તકલીફ છે ? જુઓ, હું નિર્વિંશ રહું એની મને ચિંતા નથી. વંશવેલો વધે એવી કોઈ કામના નથી. પણ ભવ્ય મંદિર તો રચાવવું જ જોઈએ.'

શિલ્પીઓ આશ્ચર્યથી બાહડ મંત્રીઓ સામે જોઈ રહ્યા. એમના આશ્ચર્યને ઓગાળતા બાહડમંત્રીએ કહ્યું,'હું નિર્વિંશ રહું તેની બહુ ફિકર ન કરશો. સંસ્કારી પુત્ર મળે તો પિતાની કીર્તિ ઉજાળે છે પરંતુ જો અસંસ્કારી પુત્ર હોય તો પિતાએ મેળવેલી કીર્તિ ધૂળમાં રગદોળે છે. એટલે હું ભલે નિર્વિંશ રહું, પરંતુ આ મંદિરની રચના અને પિતાની ઇચ્છા મારે માટે સર્વેસર્વા છે. માટે તમે કામ ચાલુ રાખો. જેમ બને તેમ જલદી જિનાલય પૂર્ણ કરો.'

બાહડ મંત્રીની પ્રભુભક્તિની વાત ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘેર ઘેર વહેતી થઈ. એમણે મંદિરનું કાર્ય પૂર્ણ કરાવ્યું. આદિનાથ ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવવા માટે એમણે એમના આરાધ્ય ગુરુદેવ કલિકાલસર્વજ્ઞા હેમચંદ્રાચાર્યને પ્રેમાદરપૂર્વક વિનંતી કરી અને વિ.સં.૧૨૧૧ના શુભ દિવસે સરસ્વતીના શિખર સમા આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યએ ધામધૂમથી પ્રતિષ્ઠા કરી. કોઈએ બાહડની જિનભક્તિ વખાણી, તો કોઈએ એની પિતૃભક્તિની પ્રશંસા કરી.

ગોચરીઃ સમય એટલે આત્મા. સામાયિક એટલે ધ્યાનની પ્રક્રિયા દ્વારા આત્માની સાધના. ધ્યાનમાં આસન સ્થિર હોવું જોઈએ. આ આસન એટલે મનની સ્થિર સ્થિતિ. એ મન વાતવાતમાં ચલિત ન થાય. જો તમારું આસન સ્થિર હશે તો સામાયિકની સફળતા તમને શોધતી આવશે. તનની સ્થિરતાની સાથે મનની સ્થિરતાના તાર બંધાશે, એટલે આપોઆપ આત્મસ્થિરતા આવશે.

- આચાર્ય ઉદયકીર્તિસાગરસૂરિ