For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પિતા અને બે પુત્રો દ્વારા છરીઓના ઘા ઝીંકીને યુવાનની ઘાતકી હત્યા

Updated: Apr 27th, 2024

પિતા અને બે પુત્રો દ્વારા છરીઓના ઘા ઝીંકીને યુવાનની ઘાતકી હત્યા

ગાંધીનગર ડમ્પિંગ સાઈટમાં યુવતીની છેડતી મામલે ખૂની ખેલ ખેલાયો

ઘાયલ યુવાન સારવાર માટે સિવિલમાં પહોંચ્યો ત્યાં પણ છરીઓ મારી દેવામાં આવતા મોત થયું : ત્રણ સામે હત્યાનો ગુનો

ગાંધીનગર :  ગાંધીનગર શહેરની ડમ્પિંગ સાઈટ પાસે બહેનની છેડતી મામલે યુવાનને ઠપકો આપવા માટે ગયેલા યુવાન ઉપર ભાઈ અને પિતાએ છરીઓથી હુમલો કરી દીધો હતો અને ગંભીર ઘાયલ યુવાનને સારવાર માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યો તે સમયે પણ અન્ય ભાઈ પહોંચી ગયો હતો અને તે દરમિયાન યુવાન ઉપર છરીઓથી હુમલો કરીને મોત નીપજાવ્યું હતું. જે સંદર્ભે પોલીસે બે ભાઈ અને પિતા સામે હત્યાનો ગુનો દાખલ કરી દીધો છે.

ગાંધીનગરના જીઈબી વિસ્તારમાંથી શરૃ થયેલી તકરાર ડમ્પિંગ સાઈટ સુધી પહોંચી હતી. જે અંગે મળતી વિગતો પ્રમાણે પેથાપુરમાં પટેલવાસ ખાતે રહેતા સંજય રમેશભાઈ ઝાપડીયાએ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે રાત્રે તે તેના મિત્ર સુભાષ બાબુભાઈ કલારા, રાજુ ઉર્ફે છોટુ પસાભાઈ સાધુ સાથે બેઠો હતો તે સમયે તેના મિત્ર સાવન માજીરાણા આવ્યો હતો અને કહ્યું હતું કે રાકેશ ગોવિંદભાઈ સોલંકી મારી બહેનને અવારનવાર હેરાન કરે છે અને તે ડમ્પીંગ સાઈટ ઉપર આવ્યો હોવાથી તેને સબક શીખવાડવાનો છે, જેના પગલે સંજય,સુભાષ તથા રાજુ તેની સાથે ડમ્પિંગ સાઈટ ઉપર ગયા હતા પરંતુ ત્યાં રાકેશ મળ્યો નહોતો પરંતુ તેનો ભાઈ કેતન અને તેના પિતા ગોવિંદભાઈ મળ્યા હતા. જેમને સાવને કહ્યું હતું કે રાકેશ ક્યાં છે તેને કહી દેજો કે મારી બહેનને હેરાન કરવાનું બંધ કરી દે.આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી અને સાવને કેતનને ગડદા પાટુનો માર માર્યો હતો આ દરમિયાન તેના પિતા ગોવિંદભાઈ વચ્ચે પડયા હતા. જ્યારે સાવને તલવાર ગોવિંદભાઈ તથા કેતનને મારી હતી અને કેતને છરીથી હુમલો કરી દીધો હતો. ત્યારબાદ પિતા પુત્ર ત્યાંથી નીકળી ગયા હતા. જોકે સાવનને લોહી નીકળતું હોવાથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને જ્યાં સ્ટ્રેચર ઉપર હતો તે દરમિયાન સિવિલ હોસ્પિટલમાં કેતનનો ભાઈ રાકેશ ત્યાં પહોંચી ગયો હતો અને છરા વડે ઉપરા ઉપરી ઘા ઝીંકી  દીધા હતા. આ સમયે વચ્ચે પડેલા મનોજભાઈ ઉપર પણ હુમલો કરી દેવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ સાવનનું મોત થયું હતું. તો આ સંદર્ભે સેક્ટર ૨૧ પોલીસે રાકેશ, કેતન અને તેના પિતા ગોવિંદભાઈ સામે હત્યાનો ગુનો દાખલ કરી દીધો છે.

 

ત્રણ મિત્રો સામે પણ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

તો બીજી બાજુ કેતન ગોવિંદભાઈ સોલંકીએ ફરિયાદ આપી હતી કે તે અને તેના પિતા ડમ્પિંગ સાઈટ ઉપર હાજર હતા તે વખતે સાવન માજીરાણા તેના મિત્રો સંજય ઝાકડીયા,સુભાષ કતારા અને રાજુ ઉર્ફે છોટુ સાધુ ત્યાં આવ્યા હતા અને તેમની સાથે તકરાર કરીને માર મારી તલવારથી હુમલો કર્યો હતો. જેમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ પોલીસે મૃતક સહિત ચાર સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.

Gujarat