For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મત મોદીને, જયઘોષ ભાજપનો, કચ્ચરઘાણ કોંગ્રેસનો

Updated: Dec 8th, 2022

મત મોદીને, જયઘોષ ભાજપનો, કચ્ચરઘાણ કોંગ્રેસનો

- 27 વર્ષનાં શાસન પછી પણ એન્ટી ઈન્કમબન્સી ફેક્ટર ના નડયું અને ગુજરાતના ઈતિહાસમાં  સર્વાધિક બેઠકોથી વિજયનો જશ માત્ર મોદી મેજિકને 

- મોંઘવારી, પેપરો ફૂટવાની ઘટનાઓ, પેન્શન, કોરોના સહિતના મુદ્દા હતા પરંતુ સરકારના રિમોટ કન્ટ્રોલ જેમ વર્તતી કોંગ્રેસ જનતાના મુદ્દા ઉઠાવવામાં નિષ્ફળ રહી

અમદાવાદ : ગુજરાત વિધાનસભામાં મોદી મેજિકને પ્રતાપે ભાજપને ઐતિહાસિક અને અભૂતપૂર્વ સફળતા મળી છે.  ૨૭-૨૭ વર્ષથી ભાજપનું શાસન હોવા  સતત સાતમી વખત  પક્ષનો રાજ્યની ચૂંટણીમાં વિજય થાય તેવો ચમત્કાર જોઈને દેશભરના રાજકીય પંડિતો અને અન્ય રાજકીય નેતાઓ પણ મોઢામાં આંગળા નાખી ગયા છે. આ ઐતિહાસિક વિજયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો સિંહ ફાળો છે. નહીંતર મોંઘવારી, પેપર ફૂટવાની ઘટનાઓ, કોરોના કાળનુ મિસમેનેજમેન્ટ, ખુદ  ભાજપ પક્ષનો જ આંતરિક અસંતોષ જેવી અનેક બાબતો  ભાજપને કનડી શકે તેમ હતી. પરંતુ, વડાપ્રધાન મોદીની વ્યક્તિગત લોકપ્રિયતા, તેમના ઝંઝાવાતી પ્રચાર તથા કુનેહભર્યાં ઈલેક્શન મેનેજેમન્ટને લીધે બીજા બધા મુદ્દા પશ્ચાદભૂમાં ધકેલાઈ ગયા છે અને ભાજપને  અદ્વિતિય સફળતા મળી છે. બંગળમાં સીપીએમએ ૧૯૭૭થી ૨૦૧૧ એમ સતત શાસન કર્યું હતું અને જ્યોતિ બસુની પાંચ ટર્મ સહિત કુલ સાત ટર્મ સત્તા ભોગવી હતી. હવે ભાજપ એ વિક્રમ સર્જવાના રાહ પર છે.  કોંગ્રેસ વિપક્ષ તરીકે તદ્દન નાકામ પુરવાર થઈને સાવ તળિયે પહોંચી ગઈ છે.  પ્રજાના મુદ્દા અસરકારક રીતે ઉઠાવવાને બદલેે ઉલ્ટાનું સરકારને ફાયદો થાય તે રીતે સરકારનાં રિમોટ કન્ટ્રોલ જેમ વર્તતા રહેવાની તેને આકરી સજા મળી છે. 

ગુજરાતનું મોદી કનેક્શન ભાજપને ફળ્યું

ગુજરાતની પ્રજાને ભાજપ સામે અનેક પ્રશ્નો છે. પરંતુ, ગુજરાતીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બેહદ ચાહે છે અને તેમનું સન્માન કરે છે. ગુજરાતીઓને ખાતરી છે કે જ્યાં સુધી કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી ગુજરાતને સતત ફાયદો થતો રહેવાનો છે. તેને ધ્યાનમાં રાખીને જ ભાજપે ડબલ એન્જિન સરકારનો મુદ્દો સતત હાઈલાઈટ કર્યો હતો અને આ ગુજરાત મેં બનાવ્યું છે એમ કહીને મોદીએ ગુજરાત માટે કરેલાં કામોની યાદ સતત અપાવ્યે રાખી હતી. આ મોદી કનેક્શન ક્લિક થયું છે. લોકોને ખ્યાલ છે કે સ્થાનિક ભાજપના નેતાઓ જો અંકુશ નહીં કરી શકે તો મોદી દરમિયાનગીરી કરીને પરિસ્થિતિ સુધારી લેશે. આ ચૂંટણીમાં પણ બિલકૂલ એવું જ થયું છે. અનેક મુદ્દે પ્રજાની નારાજગી હતી ત્યારે મોદીએ એક બોલ્ડ સ્ટેપ લઈને સમગ્ર વિજય રુપાણી સરકારને બદલી નાખી હતી. પ્રચારેમાં તેમણે સૌથી વધુ સભાઓ સાથે વિદ્યુતવેગી પ્રચાર કર્યો હતો. અમદાવાદ અને સુરત જેવાં શહેરોમાં રોડ શો દ્વારા તેમણે પ્રજાને પોતે ગુજરાત માટે સતત હાજર છે તેવો અહેસાસ કરાવ્યો હતો. આ મોદી મેજિકનો ફાયદો ગુજરાત ભાજપને થયો છે. એક અર્થમાં કહી શકાય કે ભાજપનો જે જયઘોષ બોલાઈ રહ્યો છે તેની પાછળ માત્ર મોદીને મળેલા મતો જવાબદાર છે. 

મોંઘવારી, પેપર ફૂટવાના મુદ્દા ના નડયા

ગુજરાતમાં પાછલા કેટલાય સમયથી સૌથી વધારે મોંઘવારીનો મુદ્દો ગાજ્યો છે. પેટ્રોલ અને ડીઝલ તથા રાંધણગેસ અને ખાદ્યચીજો, શાકભાજી જ નહીં પરંતુ દવાઓ સહિત કેટલીય જીવન આવશ્યક ચીજોના ભાવોમાં વધારો બાબતે જનતા આક્રોશ વ્યક્ત કરતી રહી હતી. આ વખતે ચૂંટણી પ્રચારમાં એવા કેટલાય વીડિયો વાયરલ થયા હતા જેમાં પ્રજા આ મુદ્દે ભાજપના ઉમેદવારોને સાણસામાં લેતી હોય તેવું જોવા મળ્યું હતું. ખુદ ભાજપના જ કેટલાય નેતાઓને મોંઘવારી બાબતે તેમની જ મહિલા કાર્યકરોની રોષભેર રજૂઆતોનો સામનો કરવો પડયો હતો

ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્ન પણ ભારે વિકરાળ બન્યો છે. તલાટી, લોકરક્ષક, ટેટ સહિતની પરીક્ષાઓના નવ પેપર ફૂટતાં લાખો બેરોજગારોનાં ભાવિ સાથે રમત રમાઈ ગઈ હતી. તે વખતે યુવા વર્ગે સોશિયલ મીડિયામાં ભારે આક્રોશ ઠાલવ્યો હતો. પરંતુ, યુવાનોએ આ મિસમેનેજમેન્ટની સજા ભાજપને આપી નથી. એ જ રીતે સરકારી કર્મચારીઓમાં જૂની પેન્શન યોજનાનો મુદ્દો ભારે રોષનું કારણ બન્યો હતો.

 તેને જોઈને કોંગ્રેસે એવું વચન પણ આપ્યું હતું કે તે સત્તા પર આવશે તો જૂની પેન્શન યોજના લાગુ કરશે. મતદાનના દિવસ અગાઉ, પેન્શન મુદ્દે ગાંધીનગર રજૂઆત કરવા ન આવવું પડે તેવી અપીલો પણ પ્રગટ થઈ હતી. પરંતુ એ બધાં તીર બુઠ્ઠાં સાબિત થયા છે. 

મોરબી, કોરોના ભૂલાઈ ગયાં

ચૂંટણીના થોડા દિવસો પહેલાં જ મોરબીમાં પૂલ તૂટવાની ઘટનામાં ૧૪૧ લોકોનાં મોત નીપજયાં હતાં. એ પહેલાં કોરોના કાળમાં  અનેક લોકોએ પોતાના વ્હાલસોયાં સ્વજનોનો ઓક્સિજન વિના તડપતા ગુમાવ્યા હતાં. લોકોએ હોસ્પિટલના એક બેડ માટે રઝળપાટ કરવી પડી હત ી અને આજીજી વિનવણીઓ કરવી પડી હતી. કોરોનાના ઈન્જેકશન સરકારી હોસ્પિટલોમાં ના હોય અને  ભાજપની ઓફિસો પરથી વિતરણ થતું હોય તેવાં પણ દૃશ્યો જોવાં મળ્યાં હતાં. કોરોના પછીના લોકડાઉન તથા રાત્રિ કરફ્યૂના તરંગી નિર્ણયોના કારણે લાખો લોકોના રોજગારને માઠી અસર પડી હતી અને કેટલાય લોકો આર્થિક રીતે પાયમાલ થઈ દસ વર્ષ પાછળ ધકેલાઈ ગયા  હતાં. પરંતુ, આ કોઈ જ ઘટનાક્રમની ચૂંટણીમાં કોઈ અસર વર્તાઈ નથી. 

અમદાવાદનો લઠ્ઠાંકાડ હોય કે સુરતમાં ટયુશન ક્લાસીસમાં આગ લાગવા જેવી ઘટના, રાજ્યમાં નવા જ બનેલા બ્રિજો અને કેનાલોમાં ઉદ્ધઘાટનના થોડા જ દિવસોમાં ગાબડાં પડી જવા જેવી ભ્રષ્ટાચારના ખુલ્લા પુરાવા સમાન ઘટનાઓ આ બધું જ ગાજ્યું પરંતુ ચૂંટણીમાં ભાજપને વાંધો આવ્યો નથી.

ભાજપનો બળવો હવાઈ ગયો

ભાજપે આખેઆખી વિજય રુપાણી સરકારને ઘરભેગી કરી દીધી હતી.  સંખ્યાબંધ માજી મત્રીઓ તથા પક્ષ માટ ેદાયકાઓથી કામ કરનાર વરિષ્ઠ નેતાઓ પાસે એવું લખાવી લેવાયું કે તેઓ ચૂંટણી લડવાના નથી, ટિકિટ વહેંચણીમાં પણ ભારે અસંતોષ અને બળવાનો સામનો કરવો પડયો હતો.આ બળવાને ડામવાના પ્રદેશ નેતાગીરીના પ્રયાસો વિફળ રહ્યા હતા.  ભાજપના ઇતિહાસમાં સૌથી વધુ બળવાખોરો ચૂંટણી મેદાનમાં ઊભા રહ્યા હતા. પરંતુ, જુજ બેઠકો પર આ બળવાની અસર થઈ છે. ચૂંટણીમાં કાર્યકરો બધો અસંતોષ ભૂલી પક્ષ માટે લડયા હોવાનું સાબિત થયું છે. 

કોંગ્રેસ વિપક્ષ તરીકે નાકામ

૨૦૧૭માં કોંગ્રેસે ૭૭  બેઠકો મેળવી શાનદાર દેખાવ કર્યો હતો. માત્ર પાંચ વર્ષમાં એવું તે શું થયું કે તેને વિપક્ષી નેતા પદ પણ મળે નહીં એવી ઓછી બેઠકો આવી તેનું આત્મમંથન કોંગ્રેસ પ્રમાણિકતાથી કરે ત્યારે ખરું પરંતુ જનતાએ જોયું છે કે છેલ્લાં પાંચ વર્ષમાં કોંગ્રેસ ક્યાંય પ્રજાની પડખે ઊભી હોવાનો અહેસાસ થયો ન હતો. ઉલ્ટાનું કોંંગ્રેસના નેતાઓ એવી રીતે વર્તતા હતા, એવા મુદ્દા ઉઠાવતા હતા કે જાણે ખુદ સરકાર તેમને દોરવણી આપતી હોય. પ્રજાએ કોંગ્રેસને પોતાની વાચા આપનાર વિપક્ષ તરીકે પણ ગેરલાયક ઠેરવી દીધી છે . 

આપની રેવડી દાણદાણ

ગુજરાત ચૂંટણીમાં સૌથી નોંધપાત્ર બાબત રુપે આપની રેવડી દાણદાણ થઈ છે. મફત વીજળી સહિતનાં તેના વચનો લોકોએ સ્વીકાર્યાં નથી. આમ આદમી પાર્ટીએ લોકોને શિક્ષણ, આરોગ્ય, પરિવહન, બેરોજગારી ભથ્થાં સહિતનાં વચનોની લ્હાણી કરી હતી. પરંતુ, ગુજરાતની પ્રજાએ આવી લ્હાણીઓેને નકારી કાઢી છે. આમ આદમી પાર્ટીએ આવાં વચનો આપ્યાં પરંતુ તેના માટે જરુરી નાણાંકીય જોગવાઈ ક્યાંથી કરશે તેની કોઈ સ્પષ્ટતા ન હતી. આથી પ્રજાને તેના પર ઝટ ભરોસો પડયો નહીં. બીજું કે આમ આદમી પાર્ટી પાસે આવાં વચનોને અમલી બનાવી શકે તેવી સરકાર ચલાવવા માટે જરુરી સક્ષમ નેતાઓ છે કે નહીં તેનો પણ લોકોને ભરોસો પડયો નહીં. 

Gujarat