For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજસ્થાનથી કારમાં લવાતો વિદેશી દારૃ-બિયરનો જથ્થો ઝડપી લેવાયો

Updated: Apr 29th, 2024

રાજસ્થાનથી કારમાં લવાતો વિદેશી દારૃ-બિયરનો જથ્થો ઝડપી લેવાયો

અડાલજ મહેસાણા હાઇવે ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા

બે પૈકી એક શખ્સ ભાગી જવામાં સફળ : ડ્રાઇવરને પકડી સાત લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો

ગાંધીનગર :  હાલમાં લોકસભાની ચૂંટણીના પગલે દારૃ બિયરની હેરાફેરી ઉપર પોલીસ નજર રાખી રહી છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અડાલજ મહેસાણા હાઇવે ઉપર પીછો કરીને વિદેશી દારૃ અને બિયરના જથ્થા ભરેલી કારને ઝડપી લેવામાં આવી હતી. જોકે એક શખ્સ પકડાયો હતો અને એક ભાગી જવામાં સફળ રહ્યો હતો. સાત લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

રાજ્યમાં હાલ લોકસભાની ચૂંટણીના અનુસંધાને પર પ્રાંતમાંથી આવતા વિદેશી દારૃ અને બિયરના જથ્થાને પકડવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે. જિલ્લાઓની સ્થાનિક એજન્સીઓ ઉપરાંત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ બાતમીદારોને સક્રિય કરીને અન્ય રાજ્યમાંથી આવતા દારૃ ભરેલા વાહનો પકડવા વોચ ગોઠવવામાં આવી રહી છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, મહેસાણા તરફથી આવી રહેલી એક કારમાં વિદેશી દારૃ અને બિયરનો જથ્થો ભરેલો છે. જેના પગલે શેરથા પાસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કાર આવતા તેને ઉભી રાખવા ઈશારો કર્યો હતો. જો કે તેના ચાલકે કાર ભગાવી દીધી હતી અને વૈષ્ણોદેવી રોડ તરફ પોલીસે તેનો પીછો શરૃ કર્યો હતો. આ દરમિયાન રોડ સાઈડમાં કાર દોડાવીને જાસપુર પાસે ઊભી રાખી તેમાં સવાર બંને શખ્સો ભાગવા લાગ્યા હતા. જો કે પોલીસે એકને ઝડપી લીધો હતો જ્યારે એક ભાગી જવામાં સફળ રહ્યો હતો. ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતાં તે ખેમરાજ ગોતાભાઇ પટેલ રહે, ઉદેપુર રાજસ્થાન હોવાનું બહાર આવ્યું હતું અને કારમાંથી દારૃ અને બિયરની ૧૩૬૦ જેટલી બોટલો મળી આવી હતી. સાત લાખ ઉપરાંતનો મુદ્દામાં પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો હતો અને ખેમરાજને રાજસ્થાનથી દારૃ ભરી આપીને વૈષ્ણોદેવી સર્કલ પાસે મોપેડ સવાર વ્યક્તિને આપી દેવાનો હોવાનો જણાવ્યું હતું. જે પેટે તેને ૫૦૦૦ રૃપિયા પણ ચૂકવવાના હતા. હાલ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

Gujarat