For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદમાં આધારકાર્ડથી લઈ અન્ય યોજનાઓમાં એજન્ટ રાજની વધી રહેલી બોલબાલા

સરકારી યોજનાના લાભ મેળવવા માંગનારાની હાલાકી

રજુ કરવામાં આવતી પુરાવા સાથેની અરજીઓમાં કાઢવામાં આવતી ખામી એજન્ટોને પ્રસાદ ધર્યા બાદ ઉકેલાઈ જાય છે

Updated: Nov 24th, 2021

Article Content Image

અમદાવાદ,બુધવાર,24 નવેમ્બર,2021

અમદાવાદ પૂર્વ ઉપરાંત મધ્યઝોન સહિતના અનેક વિસ્તારોમાં વસવાટ કરતા હજારો શહેરીજનોને સરકારી યોજનાનો લાભ મેળવવા માટે અનેક પ્રકારની હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે.આધાર કાર્ડ હોય કે મા વાત્સલ્ય કાર્ડ હોય કે પછી વિધવા સહાય કે પેન્શન યોજના હોય.યોજનાનો લાભ લેવા માંગતા લાભાર્થીઓનું કામ એક ધકકે પુરુ થતુ નથી. સરકારી ચાવડી કે ઓફિસોમાં ફરજ બજાવતા અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા ફોર્મ કે અરજીમાં એક અથવા બીજા પ્રકારની ભુલો કાઢી અરજદારને ધકકા ખવડાવવામાં આવે છે.પરંતુ આ ભુલો જો એજન્ટોને પ્રસાદ ધરાવવામાં આવે તો તરત જ સુધરી જતી હોવાની અનેક વિસ્તારોમાંથી ફરિયાદ સામે આવવા પામી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, અમદાવાદ પૂર્વના રામોલ -હાથીજણ વોર્ડમાં નિરમા ગરનાળા પાસે ત્રિકમપુરા જુની ઈજનેર કચેરીમાં આધાર કાર્ડ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે.જેમાં અરજદારને યેનકેન પ્રકારે ધકકા ખવડાવવામાં આવતા હોવાનું સ્થાનિક રહીશ પ્રતીક દરજીની પ્રતિક્રીયામાં જાણવા મળ્યું છે.તેમના કહેવા પ્રમાણે, જો અરજદાર બહાર ઉભા રહેતા મળતીયા એજન્ટોને પત્રમપુષ્પમ રુપી વ્યવહાર સમજીને આપી દેતો ફોર્મ કે અરજીમાં અંદર કચેરીમાં બેઠેલા સ્ટાફ તરફથી જે ભુલ કે ખામીઓ કાઢવામાં આવી હોય છે એ તરત સુધરી જાય છે.આધારકાર્ડ સરકારના આદેશ પ્રમાણે વિનામૂલ્યે કાઢી આપવાનું હોય છે.આમ છતાં પણ અરજદારો પાસેથી એજન્ટો વ્યવહાર વસુલી કરી રહ્યા છે.અરજદારોની ફરિયાદના આધારે તપાસ કરી આ અંગે જવાબદાર અધિકારી કે કર્મચારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પણ સાથે જ એજન્ટ પ્રથા નાબૂદ કરવા પણ માંગણી કરી છે.

આવી જ પરિસ્થિતિ મધ્યઝોનમાં જુની રોઝી સિનેમા પાસે આવેલી સરકારી ચાવડી ઉપર પણ જોવા મળી રહી છે.આ ચાવડીમાં અરજદારો આવકનો દાખલો મેળવવા પહોંચતા હોય છે.પ્રધાનમંત્રી આયુમાન કાર્ડ ઉપરાંત વિધવા સહાય કે પેન્શન મેળવવા માટે આવકનો દાખલો હોવો સરકારી નિયમ આવશ્યક છે.આ જાણતા હોવા છતાં અરજદારોને વિવિધ પ્રકારની ખામીઓ કાઢી પરત મોકલવામાં આવતા હોવાથી અરજદારોને એજન્ટો પાસે ના છૂટકે જવુ પડતુ હોય છે.આ ચાવડી સામે શહેરનો જુનો અને જાણીતો માધુબાગ આવેલો છે.આ બાગ પાસે એજન્ટોએ અડ્ડો જમાવી દીધો છે.આ પૈકી કેટલાક પાસે તો અધિકૃત મંજુરી ના હોવા છતાં મોટી રકમ વસુલવામાં આવ્યા બાદ જ અરજદારને આવકના દાખલા મળતા હોવાની વિગત બહાર આવવા પામી છે.સરકાર લોકો માટે અનેક યોજનાઓ જાહેર કરે છે. પરંતુ એનો લાભ મેળવતા અગાઉ લોકોને એજન્ટોને પ્રસાદ ધરાવવો ફરજિયાત બની ગયો હોય એમ દેખાઈ રહ્યુ છે.

Gujarat