For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી જ કાયદો, બંધારણ ટકેલા છે

Updated: Aug 28th, 2021

Article Content Image

ગાંધીનગરમાં ધર્મસભામાં નાયબ મુખ્યમંત્રીએ કરેલા ઉચ્ચારણો દેશભરમાં ગાજ્યા

દેશમાં હિન્દુઓની સંખ્યા ઘટશે તો કોર્ટ અને બંધારણ બધું જ હવા થઇ જશે : નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રીનો વસતી વધારવા આડકતરો ઇશારો એક મંદિર બાંધવાથી કશું થવાનું નથી

અમદાવાદ : એક બાજુ , વસતી નિયંત્રણ માટે રાજ્ય સરકાર  વિવિધ યોજના અંતર્ગત કરોડોનો ધુમાડો કરે છે. બીજી તરફ, ખુદ રાજ્યના આરોગ્ય મંત્રીએ આડકતરી રીતે  હિન્દુઓને વસ્તી  વધારવા તરફ ઇશારો કર્યો હતો.

ગાંધીનગરમાં  વિશ્વ હિન્દુ પરિષદ આયોજીત ધર્મસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ ભડકાઉ નિવેદન કર્યુ હતું કે, જો હિન્દુઓની સંખ્યા ઘટી તો દેશમાં બંધારણ કે કાયદા , કોર્ટ કચેરી જેવુ  કશુ નહી હોય. આ બધુય હિન્દુઓની બહુમતી  છે ત્યાં સુધી જ ટકેલુ છે. 

ધર્મસભામાં જાહેર મંચ પરથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, મારા શબ્દ લખી રાખજો. જયાં સુધી આ દેશમાં હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી જ કાયદો છે. બંધારણ છે અને કોર્ટ કચેરીઓ છે. એટલું જ નહીં. ત્યાં સુધી જ બિનસાંપ્રદાયિકતા અને ધર્મનિરપેક્ષતા છે.

ભગવાન ન કરે ને, જો દેશમાં હિન્દુઓની સંખ્યા ઘટી અને અન્ય લોકોની વસતી વધી તે દિવસથી દેશમાં કોઇ કોર્ટ-કચેરી નહી હોય,કોઇ લોકસભા કે બંધારણ  નહી હોય.બધુ  જ દફન થઇ જશે. કશુ જ બાકી નહી રહે.હિન્દુઓની બહુમતિ છે એટલે જ બધા બિનસાંપ્રદાયિતાની વાતો કરે છે. 

અયોધ્યામાં નિર્માણ થતા રામમંદિરનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, એક મંદિર બાંધવાથી કઇં થવાનુ નથી. આપણે બધાએ ભેગા મળીને કામ કરવુ પડશે. ભારત માતા કી જય એક અવાજથી એટલા જોરથી બોલીએ કે જે હાથમાં એક-47 હોય તે આપણા અવાજ માત્રથી ધુ્રજી જાય.

આખીય વાતને વણાંક આપતા નીતિન પટેલે એવુ કહ્યું કે, હુ બધાની વાત નથી કરી રહયો. હજારો મુસ્લિમો દેશભક્ત છે અને સેંકડો મુસ્લિમો ગુજરાત પોલીસમાં ય છે.  લવ જેહાદના મામલે તેમણે કહ્યું કે, જો કોઇ હિન્દુ યુવક કોઇ નિર્દોષ મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરે તો તેને કાયદો લાગુ પડે છે.

આ કોઇ એક ધર્મ માટે કાયદો નથી.હોઇકોર્ટમાં આ કાયદાને પડકારતી રીટ કરનારી સંસૃથાને પુછવુ છેકે,  જો કોઇ હિન્દુ યુવક હિન્દુ યુવતી સાથે લગ્ન કરે, મુસ્લિમ યુવતી મુસ્લિમ યુવક સાથે લગ્ન કરે તો વાંધો શું છે. ટૂંકમાં, ધર્મસભામાં નીતિન પટેલે હિન્દુઓની વસ્તી વધવી જોઇએ તેવો સીધો સંદેશો પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. 

મોંઘવારી, દુષ્કાળ, સિંચાઇના પાણીનો પ્રશ્ન ડાયવર્ટ કરવા ભાજપ અસલ રંગ દેખાડી રહ્યુ છે : કોંગ્રેસ

ઓછા વરસાદને કારણે રાજ્યમાં દુષ્કાળના ડાકલાં વાગી રહ્યા છે. ખેડૂતો સિંચાઇના પાણી માટે પોકાર માંડી રહ્યા છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હિન્દુઓને કાલ્પનિક ભય દેખાડી રહ્યા છે તેવો આક્ષેપ કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ કર્યો છે.

વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ પાસે હવે કોઇ મુદ્દા રહ્યા નથી. કોરોનાકાળમાં ય સરકાર નિષ્ફળ રહી છે. સરકારની નિષ્ફળતાને કારણે હજારો લોકોએ જાન ગુમવવા પડયા છે. કારમી મોંઘવારીમાં પ્રજા પિસાઇ રહી છે.

શિક્ષિત યુવાઓ રોજગારી-નોકરી માટે ફાંફા મારી રહ્યા છે. આગામી દિવસોમાં પાણીની તંગી સર્જાય તેવી સંભાવના છે ત્યારે સરકાર આ મુદ્દે ગંભીરતા વિચારી પ્રશ્નો હલ કરવાને બદલે નાયબ મુખ્યમંત્રી વસતી વધારાની ચિંતા કરી ભડકાઉ નિવેદન કરી રહ્યા છે. ટૂંકમાં વિધાનસભાની ચૂંટણી આવતાં જ ભાજપ અસલી રંગ દેખાડી રહ્યુ છે.

Gujarat