For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરક્ષાનો ડરઃ ફાઈન આર્ટસના વિદ્યાર્થીઓએ ગરબાની પ્રેક્ટિસ બંધ કરી દીધી

Updated: Sep 22nd, 2022

Article Content Image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં સોમવારે  યોજાયેલી ફ્રેશર્સ પાર્ટી દરમિયાન પોલીસની એન્ટ્રી પડી હતી.આ પાર્ટીમાં દારુ પીવાતો હોવાની અને નશીલા  પદાર્થોનુ સેવન થઈ રહ્યુ હોવાની ખોટી જાણકારી પોલીસને આપવામાં આવી હતી.

જેના પગલે ફાઈન આર્ટસ ફેકલ્ટીની વિદ્યાર્થી આલમમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.આ નારાજગીની અસર ફાઈન આર્ટસ ફેકલ્ટીના પરંપરાગત રીતે યોજાતા ગરબા પર્વ પર પણ પડે તેવી શક્યતાઓ છે.

ફેકલ્ટી દ્વારા  બે  વર્ષ બાદ ફરી ગરબાનુ આયોજન થવા જઈ રહ્યુ છે.સામાન્ય રીતે નવરાત્રીના થોડા દિવસ અગાઉથી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ આ ગરબામાં ભાગ લેવા માટેની પ્રેક્ટિસ શરુ કરી દેતા હોય છે.જોકે ફ્રેશર્સ પાર્ટીમાં પોલીસની એન્ટ્રી બાદ વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે.ફેકલ્ટીના ઘણા વિદ્યાર્થીઓને લાગી રહ્યુ છે કે ફેકલ્ટીમાં ગરબા પર્વ ટાણે પણ કોઈને કોઈ જૂથ અમને ટાર્ગેટ કરી શકે છે અને હંગામો મચાવી શકે છે.વિદ્યાર્થીઓ સવાલ પૂછી રહ્યા છે કે, અમારી સુરક્ષાનુ શું?

ફાઈન આર્ટસના ગરબા વડોદરા શહેરમાં  વિખ્યાત છે.તેમાં ગરબા ગાનારા અને રમનારા પણ ફેકલ્ટીના પૂર્વ અને વર્તમાન અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ જ હોય છે.જો વિદ્યાર્થીઓ  સુરક્ષાના ડરથી ગરબાની પ્રેક્ટિસ નહીં કરે અને  નવરાત્રી દરમિયાન ગરબા પણ નહીં રમે તો આ અનોખા ગરબાની ઝાકઝમાળ ફીકી પડી શકે છે.

Gujarat