For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હંસા મહેતા લાઈબ્રેરીમાં આગ ઝરતી ગરમી વચ્ચે પણ એસી ચાલુ નહીં હોવાથી હોબાળો

Updated: Apr 24th, 2024

હંસા મહેતા લાઈબ્રેરીમાં આગ ઝરતી ગરમી વચ્ચે પણ એસી ચાલુ નહીં હોવાથી હોબાળો

વડોદરાઃ કાળઝાળ ગરમીમાં પણ એમ.એસ.યુનિવર્સિટીની હંસા મહેતા લાઈબ્રેરીના રીડિંગ રુમમાં એસી બંધ હોવાથી આજે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.

એમ પણ હંસા મહેતા લાઈબ્રેરીના એસી પ્લાન્ટનુ મેન્ટેન્સનો કોન્ટ્રાક્ટ છેલ્લા બે વર્ષથી અપાયો નથી.આમ છતા યુનિવર્સિટી સત્તાધીશોના પેટનુ પાણી હાલી રહ્યુ નથી.૨૦૧૬માં ચાર કરોડ રુપિયાના ખર્ચે કાર્યરત કરાયેલા ૨૮૦ ટન ક્ષમતાના એસી પ્લાન્ટનુ કોરોનાકાળ બાદ મેન્ટેનન્સ જ થયુ નથી.૨૦૨૨માં લગભગ ૮૦ લાખ રુપિયાના ખર્ચે પાંચ વર્ષ માટે મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવાનુ નક્કી કરાયુ ત્યારે સિન્ડિકેટ સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો અને કહ્યુ હતુ કે, મેન્ટેનન્સ માટે ૮૦ લાખ રુપિયા ઘણા વધારે છે.

એ પછી કોન્ટ્રાક્ટ આપવાના મુદ્દે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.જેના કારણે દરેક ઉનાળામાં રીડિંગ રુમના એસી બંધ હોવાથી વિદ્યાર્થીઓ હોબાળો કરે છે પણ સત્તાધીશો આંખા આડા કાન કરે છે.હાલમાં યુનિવર્સિટીમાં પરીક્ષાઓ ચાલી રહી હોવાથી રીડિંગ રુમમાં વાંચવા માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.આજે ફરી એક વખત ગરમીએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે રીડિંગ રુમમાં કાળઝાળ ગરમીમાં બેઠેલા વિદ્યાર્થીઓએ એસી ચાલુ કરવાની માંગ સાથે હંગામો કર્યો હતો.વિદ્યાર્થીઓએ લાઈબ્રેરીયનને પણ રજૂઆત કરી હતી.વિદ્યાર્થીઓનુ કહેવુ હતુ કે, રીડિંગ રુમ સીવાય લાઈબ્રેરીમાં જ્યાં  કર્મચારીઓ કામ કરે છે ત્યાંના એસી ચાલી રહ્યા છે અને  વિદ્યાર્થીઓ માટે એસી બંધ છે.એસીની સાથે સાથે પીવાના પાણીની પણ સમસ્યા છે.ઘણી વખત તો બપોરે જ પાણી ખલાસ થઈ જતુ હોય છે અને વિદ્યાર્થીઓ તરસે મરતા હોય છે.લાઈબ્રેરીની કેટલીક બારીઓ પણ તૂટી ગઈ છે પણ અમારી ફરિયાદો બહેરા કાને અથડાઈને પાછી ફરી રહી છે.લાઈબ્રેરીયને અમને  કહ્યુ હતુ કે, તમે રજિસ્ટ્રાર અને વાઈસ ચાન્સેલર પાસે જઈને રજૂઆત કરો.

Gujarat