For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહિલાએ સ્કોટલેન્ડ બનાવટનો ૨૦.૮૮ લાખનો મંગાવેલો દારૃ પકડાયો

લેબોરટરી કેમિકલના બિલની આડમાં સ્કોચ વ્હિસ્કીનો જથ્થો મંગાવ્યો હતો

Updated: Apr 29th, 2024

મહિલાએ સ્કોટલેન્ડ બનાવટનો ૨૦.૮૮ લાખનો મંગાવેલો દારૃ પકડાયોવડોદરા,હરિયાણાથી લેબોરેટરી કેમિકલના બોગસ બિલની આડમાં સ્કોટલેન્ડ બનાવટની સ્કોચ વ્હિસ્કીનો જથ્થો મહિલાએ ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવ્યો હતો.જે દારૃ પીસીબી પોલીસે કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ  વર્ષે ચાર મહિનામાં પીસીબીએ બે કરોડનો દારૃ કબજે કર્યો છે. પરંતુ, બ્રાન્ડેડ દારૃનો આટલો મોટો જથ્થો પહેલી વખત પકડાયો છે.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, એક મહિલા વિદેશી દારૃનો ધંધો કરે છે. તે ટ્રાન્સપોર્ટ કંપનીઓ મારફતે વિદેશી દારૃનો જથ્થો હનુમાન ઇલેક્ટ્રિકલના નામે લાકડાના બોક્સમાં મંગાવી વેચાણ કરે છે. હાલમાં તેણે મંગાવેલો  દારૃનો જથ્થો હાઇવે સિદ્ધેશ્વર હિલ સ્ક્વેરની બાજુમાં આવેલા મિનાક્ષી કંપાઉન્ડમાં સી.આર.આઇ. રોડવેઝ પ્રા.લિ. નામની ટ્રાન્સપોર્ટ કંપનીમાં આવ્યો છે. જેથી, પી.આઇ. એસ.ડી.રાતડાની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે  જઇને તપાસ કરતા લાકડાના મોટા બોક્સ મળી આવ્યા હતા. તે  બોક્સમાં ચેક કરતા સ્કોટલેન્ડ બનાવટની રેડ લેબલ સ્કોચ વ્હિસ્કીની ૧,૦૪૪ બોટલ કિંમત  રૃપિયા ૨૦.૮૮ લાખની મળી આવી હતી. બ્રાન્ડેડ દારૃનો આ જથ્થો લેબોરેટરી કેમિકલના બોગસ બિલોની આડમાં  હરિયાણાના રેવારી પાસે આવેલી ઓફિસમાંથી મંગાવવામાં આવ્યો હતો. જોકે, આ તમામ બિલો બોગસ હોવાની શક્યતા છે. જે દિશામાં પોલીસે તપાસ  હાથ ધરી છે.


ફોર્ડ એન્ડેવર કાર લઇને આવતી મહિલાએ અગાઉ છ થી સાત વખત માલ મંગાવેલો

વડોદરા,પોલીસે ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજરને પૂછતા તેણે જણાવ્યું હતું કે, અગાઉ છ થી સાત વખત આ મહિલાએ કાર્ટૂનો મંગાવ્યા છે. જ્યારે કાર્ટૂન આવે  ત્યારે મહિલાના નંબર પર કોલ કરીએ તો તેનો માણસ આવીને માલ લઇ જાય છે. આ મહિલા અગાઉ બે થી ત્રણ વખત ફોર્ડ એન્ડેવર કાર કાર લઇને આવી હતી. છેલ્લા બે - ત્રણ દિવસથી આ મહિલા કોલ કરીને પૂછતી હતી કે, મારો માલ આવ્યો કે નહીં ? આજે માલ આવતા મહિલાને જાણ કરી દેવામાં આવી છે.


હું મોડેથી કોન્ટેક્ટ કરીશ તેવું કહીને મહિલાએ ફોન બંધ કરી દીધો

વડોદરા,માલ મંગાવનાર મહિલા કે તેનો માણસ આવે તો તેને પકડી લેવાય તે માટે પોલીસે આજુબાજુ છૂપા વેશમાં વોચ ગોઠવી હતી. પરંતુ, કોઇ આવ્યું નહતું. દરમિયાન મહિલાએ ફોન કરીને કહ્યું કે, હું મોડેથી કોન્ટેક્ટ કરીશ.ત્યારબાદ મહિલાએ પોતાનો ફોન બંધ કરી  દીધો હતો.

Gujarat