For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રૂપાણી સરકારની યોજનાઓ નવી સરકારે હોલ્ડ પર મૂકી

Updated: Oct 22nd, 2021

રૂપાણી સરકારની યોજનાઓ નવી સરકારે હોલ્ડ પર મૂકી

કેન્દ્ર સાથે સંલગ્ન હશે તે પ્રોજેક્ટોને પ્રાથમિકતા મળે તેવી સંભાવના

ગાંધીનગર : ગુજરાતમાં તત્કાલિન વિજય રૂપાણીની સરકારમાં લેવાયેલા નિર્ણયોની સમીક્ષા કરવાની સૂચના અધિકારીઓને આપવામાં આવી છે. જે યોજના નવી હશે અને લોકભોગ્ય હશે તો તેના રૂપ-રંગ બદલાશે અને જે બિનજરૂરી હશે તેને પડતી પણ મૂકવામાં આવી શકે છે.

જો કે કેન્દ્ર સાથે સંલગ્ન હશે તેવી યોજનાઓ અને પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યના 26 વિભાગો કે જેમાં નવી યોજનાઓ શરૂ કરવામાં આવી હોય અને શરૂઆતથી વિવાદમાં રહેલી હોય તેવી યોજનાઓને હોલ્ડ પર રાખવાનું ઠરાવવામાં આવ્યું છે.

વિભાગના ટોચના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે તેમના વિભાગની તમામ યોજનાઓ અને પ્રોજેક્ટનું લિસ્ટ બનાવી અને તેની કેબિનેટના મંત્રીઓ સાથે મળીને સમીક્ષા કરે. જો કે વિભાગની તમામ યોજનાઓ મુખ્યમંત્રી કાર્યાલય સમક્ષ રજૂ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

સૂત્રોએ કહ્યું હતું કે કેન્દ્ર સાથે જોડાયેલી જે યોજના કે પ્રોજેક્ટ હોય તેને ઝડપથી પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે. જેમ કે રાજકોટને એઇમ્સ આપવાના નિર્ણય પછી બાકી રહી જતા હોય તેવા કામો ઝડપથી પૂર્ણ કરવાનું આયોજન છે. જે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન અને સરકારી પ્રક્રિયા શરૂ થઇ ચૂકી હોય તેવી યોજનાઓનું સ્વરૂપ બદલીને પણ તેને માન્યતા અપાશે.

આ પ્રોજેક્ટમાં રાજકોટ-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે, રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ અને સેમી હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિર્ણયો લીધા છે તે તમામની સમીક્ષા હાથ ધરાશે. આ પ્રોજેક્ટ રદ થવાના નથી પરંતુ તેમાં ફેરફારો થઇ શકે છે.

રાજ્યના કૃષિ વિભાગમાં સરકારી પડતર અને ખરાબાની જમીન ઉદ્યોગજૂથોને આપવાનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો તે સ્થગિત કરવામાં આવી શકે તેવી સંભાવના છે, કારણ કે તેમાં માત્ર ઉદ્યોગપતિઓને જ ફાયદો થયો છે. આ ઉપરાંત રાજ્ય સરકાર વિવિધ વિભાગોમાં બનાવેલી પોલિસીમાં પણ ફેરફારો કરવા માગે છે. ચાલુ વર્ષે જ બનાવવામાં આવેલી ઇલેક્ટ્રોનિક વાહનોની પોલિસીની પણ સમીક્ષા કરાય તેવી સંભાવના છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર રાજ્યમાં વિવિધ વિભાગોની નવી પાંચ પોલિસી લાવી રહી છે. ગુજરાતને જોડતા કેન્દ્રના પ્રોજેક્ટ્સ જેવાં કે ડેડીકેટેડ ફ્રેેઇટ કોરિડોર અને દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરને ઝડપથી પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે આ બન્ને કોરિડોર ગુજરાતને દિલ્હી અને મુંબઇ સાથે જોડે છે. આ પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકાર સીધો રસ લઇ રહી છે.

Gujarat