For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કારેલીબાગ વુડા બિલ્ડિંગમાં એસીબીની ટ્રેપ રિજિયોનલ ફાયર ઓફિસર સહિત બે રૃા.૨.૨૫ લાખની લાંચ લેતા ઝડપાયા

ગોધરાની એક ખાનગી બિલ્ડિંગ માટે ફાયર એનઓસી આપવા ફાયર ઓફિસર નિલેશ પટેલે લાંચ માંગી હતી

Updated: May 4th, 2024

કારેલીબાગ વુડા બિલ્ડિંગમાં એસીબીની ટ્રેપ  રિજિયોનલ ફાયર ઓફિસર સહિત બે રૃા.૨.૨૫ લાખની લાંચ લેતા ઝડપાયા, તા.4 પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે તૈયાર થયેલી પંચમહાલ ડેરીની એક બિલ્ડિંગમાં લાગેલ ફાયર સેફ્ટીના સાધનો બાદ તે અંગેનું ફાયર એનઓસી આપવા માટે વડોદરાની વુડા બિલ્ડિંગમાં આવેલી રિજિયોનલ ફાયર ઓફિસના ક્લાસ વન અધિકારી રિજિયોનલ ફાયર ઓફિસર તેમજ તેમનો એજન્ટ રૃા.૨.૨૫ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ ગોધરામાં પંચમહાલ ડેરીની બિલ્ડિંગનું ફાયર એનઓસી મેળવવા માટે ફાયર એનઓસીનું કામ કરતી કોન્ટ્રાક્ટર દ્વારા વડોદરામાં વુડા સર્કલ પાસેની વુડા ઓફિસના ચોથા માળે કાર્યરત રિજિયોનલ ફાયર ઓફિસમાં અરજી કરવામાં આવી  હતી. આ અરજી બાદ તેની તપાસ ચાલતી હતી અને ફાયર એનઓસી લેવા માટે એનઓસીનું કામ કરતા કોન્ટ્રાક્ટર રિજિયોનલ ફાયર ઓફિસર નિલેશ ભીખાભાઇ પટેલ (રહે.સત્સંગવીલા, દેવસ્ય સ્કૂલ રોડ, વસ્ત્રાલ, ઓઢવ, અમદાવાદ)ને મળ્યા હતાં.

રિજિયોનલ ફાયર ઓફિસર નિલેશ પટેલે એનઓસી આપવા માટે રૃા.૨.૨૫ લાખની લાંચ માંગી  હતી. આ લાંચની રકમ આપવી નહી હોવાથી આ અંગે એસીબીમાં ફરિયાદ આપતાં અરવલ્લી જિલ્લા એસીબીના પીઆઇ એચ.પી. કરેણે સ્ટાફના માણસો સાથે વુડા બિલ્ડિંગના ચોથા માળે લાંચનુ છટકું ગોઠવ્યું હતું. આજે બપોરે એસીબીની ટીમ વુડા ઓફિસ પાસે ગોઠવાઇ ગઇ હતી. ફાયર એનઓસી લેવા માટે નિલેશભાઇને મળતાં તેમણે લાંચની રકમ અંગે વાત કરી હતી.

દરમિયાન લાંચની રકમ નિલશ પટેલના એજન્ટ તરીકે કામ કરતાં અપુર્વસિંહ રણજીતસિંહ મહિડા (રહે.માંગલેજ તા.કરજણ)ને આપી દેવા જણાવ્યું હતું જેથી વુડા ઓફિસ પાસે અપુર્વસિંહને લાંચની રકમ આપ્યા  બાદ આ રકમ મળી ગઇ છે તેવો કોલ કન્ફર્મ થતાં જ વુડા બિલ્ડિંગ તેમજ આસપાસ ગોઠવાઇ ગયેલી એસીબીની ટીમે સૌપ્રથમ અપુર્વસિંહ મહિડાને ઝડપી પાડયો હતો બાદમાં રિજિયોનલ ફાયર ઓફિસર નિલેશ પટેલને પણ પકડી લીધા હતાં. ઝડપાયેલા બંને સામે વડોદરા એસીબી દ્વારા ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરવામાં આવી છે.



Gujarat